પેટની સમસ્યામાં રામબાણ ગણાતા જીરા માટે કહેવું પડે - જીરા નહીં, હીરા હૈ યે
જીરાના પાણી
તાજેતરમાં ઍક્ટ્રેસ અનન્યા પાંડેએ કહ્યું હતું કે તે પોતાના દિવસની શરૂઆત જીરાના પાણીથી કરે છે અને એ જ તેની હેલ્થનું સૌથી મોટું સીક્રેટ છે. ગરમીના દિવસોમાં પાચનને લગતી સમસ્યાઓ દૂર કરવાથી લઈને શરીરને ડીટૉક્સ કરવા માટે કઈ રીતે જીરાના પાણીનો ઉપયોગ કરવો અને કોણે એનાથી અંતર રાખવું એ વિશે વાત કરીએ
‘સર્દી કા ઇલાજ મુઠ્ઠીભર હીરા, ગર્મી કા ઇલાજ મુઠ્ઠીભર જીરા’. આ જાણીતી કહેવતમાં હીરાને કયા સંદર્ભમાં કહેવાયા છે એ તો નથી સમજાતું પરંતુ જીરુંં પાવરફુલ પદાર્થ છે એ વાત એમાં સ્પષ્ટ છે. તાજેતરમાં અભિનેત્રી અનન્યા પાંડેએ એક મૅગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે અચૂકપણે તેના દિવસની શરૂઆત જીરાના પાણીથી થાય છે અને આયુર્વેદના આ નુસખાનું તેને જાદુઈ પરિણામ મળ્યું છે. હેલ્થને સાચવવા માટે દર થોડાક દિવસે નવા-નવા નુસખા અને ટ્રેન્ડ આવતા રહે છે અને દરેકના પોતાના લાભાલાભ હોય છે, પરંતુ વાત જ્યારે જીરાની હોય ત્યારે બધું જ બાજુ પર મૂકી દો તો ચાલે એવા અને એટલા અગણિત ફાયદાઓનો ખજાનો એ છે. મુંબઈમાં વધી રહેલી ગરમીને પહોંચી વળવા માટે દરરોજ નિતનવા નુસખાઓ અને પર્યાયોનો રસથાળ ‘મિડ-ડે’ વાચકો સમક્ષ પીરસી રહ્યું છે ત્યારે આજકાલ ચર્ચામાં રહેલા આ મૅજિકલ ડ્રિન્ક જીરાના ગુણો વિશે વાત કરીએ અને સાથે એ પણ જાણીએ કે કોણે કયા સંજોગોમાં જીરાના પાણીનું સેવન ટાળવું જોઈએ.
ADVERTISEMENT
પોષક તત્ત્વોનો ખજાનો
જીરાનું પાણી ઍન્ટિઑક્સિડન્ટ્સથી ભરપૂર છે. ઍન્ટિઑક્સિડન્ટ્સ એટલે એવા પદાર્થો જે તમારા શરીરના કોષોને ડૅમેજ થતા અટકાવે. સામાન્ય રીતે મેટાબોલિઝમ એટલે કે ચયાપચયની પ્રક્રિયા વખતે શરીરમાં કેટલાક ફ્રી રૅડિકલ્સ તરીકે ઓળખાતા અણુઓનું નિર્માણ થાય છે જે જલદી ઘડપણ લાવવાની સાથે કૅન્સર, હૃદયરોગ, સ્ટ્રોક જેવા ઘણા રોગો માટે જવાબદાર હોય છે. જે પણ ખોરાકમાં ઍન્ટિઑક્સિડન્ટ્સનું પ્રમાણ વધારે હોય એ આ પ્રકારના ફ્રી રૅડિકલ પર કાબૂ રાખવાનું કામ કરે છે. જીરાનું પાણી એ રીતે પણ ખાસ છે એમ જણાવીને જુહુમાં ૧૦ વર્ષથી ન્યુટ્રિશનિસ્ટ તરીકે પ્રૅક્ટિસ કરતાં ડૉ. શુચિતા ભાનુશાલી કહે છે, ‘જીરાને જ્યારે તમે પાણીમાં પલાળીને રાખો ત્યારે એમાંથી એક ખાસ પ્રકારનું વૉલેટાઇલ તેલ છૂટું પડે છે જે નૅચરલ ક્લેન્ઝરના રૂપમાં કામ કરે છે. તમારા પેટને અને લિવરને સવારે પીધેલું જીરાનું પાણી આ રીતે મદદ કરે છે. ગટ-હેલ્થ સુધરવાથી પોષક તત્ત્વોનું ઍબ્સૉર્પ્શશન બહેતર બને અને સાથે બ્લોટિંગ, ઍસિડિટી વગેરેનું પ્રમાણ પણ ઘટે.’
આયુર્વેદાચાર્ય ડૉ. મહેશ સંઘવી
આયુર્વેદમાં ખાસ
હજારો વર્ષ પહેલાં લખાયેલા આયુર્વેદ ગ્રંથોમાં પણ જીરાનાં ભરપૂર ગુણગાન ગવાયાં છે. આયુર્વેદાચાર્ય અને સર્જ્યન ડૉ. મહેશ સંઘવી કહે છે, ‘સંસ્કૃતમાં જીરક તરીકે ઓળખાતું જીરુંં જીર્ણ શબ્દ પરથી આવ્યો હોવાનું મનાય છે. જીર્ણ એટલે કે પચવું. અજીર્ણની વ્યાધિ તમે સાંભળી હશે. એનો અર્થ છે અપચો. જે પચાવવાનું કામ કરે એ જીરુંં. પેટને લગતી સમસ્યામાં જીરુંં ખૂબ હિતકારી અને પ્રભાવશાળી દવા તરીકે વર્ષોથી વપરાય છે. બીમારી મુજબ એના સેવનના જુદા-જુદા રસ્તાઓ આયુર્વેદમાં દેખાડ્યા છે. ચૂર્ણ કરીને, શેકીને, અમુક કૉમ્બિનેશનમાં જીરાના ચૂરણને લેવાનાં વિધાનો છે પરંતુ જીરાનું પાણી એમાં સૌથી સેફ છે એમ કહી શકાય. જીરાને હૂંફાળા પાણીમાં પલાળીને બીજા દિવસે એ પાણી પીઓ તો એમાં રહેલાં પોષક તત્ત્વો પાણીમાં આવી જાય છે અને એ પાણીનું સેવન તરત પરિણામ આપે છે. એનો સપ્રમાણ ઉપયોગ કરો તો બ્લડ-શુગરનું નિયમન કરવામાં, બૅડ કૉલેસ્ટરોલ ઘટાડવામાં, પાચન સુધારવામાં, આફરો-અપચો-વાયુ-ઍસિડિટી જેવા પાચનસંબંધી રોગોને દૂર કરવામાં, રોગપ્રતિકારક શક્તિ વધારવામાં એ ખાસ ગણાય છે.’
જીરાને ઉકાળવા કરતાં એને પલાળીને એનું પાણી પીવાના વિશેષ લાભ શું કામ છે એનું કારણ આપતાં ડૉ. મહેશ સંઘવી કહે છે, ‘જો તમે જીરાને ઉકાળો તો એમાં રહેલું વિશેષ તેલ બાફ સાથે ઊડી જાય એટલે એનો જોઈએ એવો લાભ ન મળે. હૂંફાળા પાણીમાં પલાળવાથી એ પોષક તત્ત્વો પાણીમાં ભળી જાય. આયુર્વેદની દૃષ્ટિએ જીરુંં સ્વાદમાં તીખું, પ્રકૃતિ મુજબ ગરમ અને તીક્ષ્ણ છે. રુચિકારક એટલે કે ભૂખને ઉઘાડનારું છે. જઠરાગ્નિ પ્રદીપ્ત કરે છે. પેટમાં દુખાવો હોય તો એ દૂર કરે. શરીરમાંથી કે મોઢામાંથી દુર્ગંધ આવતી હોય તો એ દૂર કરે. કફ અને વાયુને મટાડે. પેટમાં કરમિયા હોય તો એના નિવારણમાં પણ ઉપયોગી છે.’
કોણે ન પિવાય?
થોડીક માત્રામાં જીરાનું પાણી દરેક જણ પી શકે, પરંતુ એને તમે આખા દિવસ દરમ્યાન પીઓ તો એ દરેકને ફાયદાને બદલે નુકસાનદાયી થશે એનું કારણ આપતાં ડૉ. મહેશ સંઘવી કહે છે, ‘જીરાનું પાણી સવારે ખાલી પેટે પીવું વધુ ઉપયુક્ત છે. જોકે એમાં પણ જેમનું પિત્ત વિકૃત છે એટલે કે અતિશય લેવલની ઍસિડિટી છે, ખાટા ઓડકાર આવતા હોય, લિવરને લગતી સમસ્યાઓ હોય તેમણે ધીમે-ધીમે ઓછી માત્રામાં જીરાના પાણીનું સેવન શરૂ કરવું જોઈએ. કોઈ આયુર્વેદ ચિકિત્સકની સલાહ લઈને એનું સેવન શરૂ કરો એ વધુ ઍડ્વાઇઝેબલ છે.’
કેવી રીતે લેશો?
જીરાને રાતે હૂંફાળા પાણીમાં પલાળી દો અને સવારે જીરાને ચોળીને પાણીને ગાળીને એ પાણી પી લો. એક ગ્લાસ પાણી માટે એક ચમચી જીરુંં પૂરતું છે.
આ પર્યાયો પણ ટ્રાય કરવા જેવા છે
ઉનાળામાં જીરા ઉપરાંત હેલ્થને વધારનારા અને ગરમી સામે રક્ષણ આપનારા ડ્રિન્ક વિશે વાત કરતાં ન્યુટ્રિશનિસ્ટ ડૉ. શુચિતા ભાનુશાલીએ જેને રાતે પલાળીને સવારે પીઓ તો લાભકારી નીવડે એવાં ત્રણ દ્રવ્યો, એને બનાવવાની રીત અને એના લાભ વિશે જાણકારી આપી છે.
ન્યુટ્રિશનિસ્ટ ડૉ. શુચિતા ભાનુશાલી
આખા ધાણાનું પાણી
રાતે પલાળીને સવારે આખા ધાણાનું પાણી પણ ગરમીમાં ડીહાઇડ્રેશનથી બચાવવાનો ખૂબ જ પાવરફુલ પર્યાય બની શકે છે. પાચનસંબંધિત સમસ્યાઓ, ઍસિડિટી, હાઇપોથાઇરૉઇડ જેવી સમસ્યામાં આખા ધાણાના પાણીથી લાભ થાય છે. ધાણા વિટામિન C, A, K, સેલેનિયમ, મૅગ્નેશિયમ, કૅલ્શિયમ, પોટૅશિયમ જેવાં માઇક્રોમિનરલ્સની ડેફિશિયન્સીમાં ઉપયોગી છે. આને ઇમ્યુનિટી બૂસ્ટર ડ્રિન્ક પણ કહી શકાય.
વરિયાળીનું પાણી
વરિયાળીનું પાણી ઉનાળામાં કૂલિંગ એજન્ટ તરીકે કામ કરે છે એ તો જગજાહેર વાત છે. એના લાભમાં એમ કહી શકાય કે એ ટેમ્પરેચર-રેગ્યુલેટરનું કામ કરે છે. ભરપૂર પ્રમાણમાં વિટામિન C હોય છે વરિયાળીના પાણીમાં. હીટ-સ્ટ્રોક, ડીહાઇડ્રેશનથી બચાવવા ઉપરાંત તમારા વાનને ઉઘાડવાનું કામ પણ વરિયાળીનું પાણી કરી શકે.
ગોંદ કતીરાનું પાણી
ગોંદ કતીરા એટલે કે વૃક્ષમાંથી નીકળતો ચીકણો પદાર્થ, જે સુકાયા પછી નાના-મોટા ગાંગડા જેવો દેખાતો હોય છે. ગુંદરને તમે શિયાળામાં ઘીમાં શેકીને ખાઓ છો અને ઉનાળામાં જો પાણીમાં પલાળીને ખાઓ તો શરીરનાં હાડકાંને મજબૂત કરવાની સાથે બૉડીને ગરમીથી બચાવવાનું અદ્ભુત કામ કરી શકે એમ છે. કતીરા ગુંદરના બે કે ત્રણ ટુકડાને આખી રાત પાણીમાં પલાળી દો એટલે એ ફૂલી જશે. વધારાનું પાણી કાઢીને સૉફ્ટ અને ફૂલેલા ગુંદરને નારિયેળના પાણીમાં અથવા તો જીરા, વરિયાળી કે ધાણાના પાણીમાં ઉમેરીને એમાં લીંબુ, મીઠું, ફુદીનો જેવું સ્વાદ મુજબ જે ગમે એ નાખીને પીઓ તો એ ગરમીથી તો રક્ષણ આપશે જ પણ સાથે તમારા શરીરના જૉઇન્ટ્સ માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થશે. હાડકાં મજબૂત કરશે અને એજિંગ પ્રોસેસને ધીમી કરશે અને ગટ હેલ્થ સુધારશે. પેટમાં સારા બૅક્ટેરિયાનું પ્રમાણ વધારશે. શરીરની સ્ટ્રેંગ્થ વધારશે અને ઇન્જરીના ચાન્સ ઘટાડશે.
આટલા બધા પર્યાયો વાંચ્યા પછી ધારો કે હવે સવારે કયું પાણી પીવું એવી મૂંઝવણ થતી હોય તો એકાંતરે તમે જુદાં-જુદાં દ્રવ્યોનું પાણી પી શકો અને કોઈક વાર આ બધી જ વસ્તુઓ મિક્સ કરીને એનું પણ પાણી પી શકાય. અફકોર્સ, એમાં પાણીમાં નખાતી વસ્તુની માત્રા મહત્ત્વની છે. અતિ ન થઈ જાય એનું ધ્યાન રાખવું.
CCF ટી ટ્રાય કરશો?
ક્યુમિન એટલે કે જીરું, કૉરિએન્ડર એટલે કે ધાણા અને ફેનલ એટલે કે વરિયાળી આ ત્રણેયને સપ્રમાણ લઈને એને પાણીમાં ઉકાળવાની અને પાણી ઊકળીને અડધોઅડધ બાકી રહે એ પછી ગાળીને આ ચા પી જવાની. સ્વાદ માટે લીંબુ, સંચળ ઉમેરી શકાય.
આ ખાસ ટીની રેસિપી પોતાના ક્લાયન્ટ સાથે શૅર કરતાં ડૉ. શુચિતા ભાનુશાલી એના લાભ વિશે કહે છે, ‘ધારો કે રાતે જીરું પલાળવાનું ભૂલી ગયા અથવા બહાર વધુપડતું ડિનર થઈ ગયું અને બહુ જ હેવી લાગતું હોય ત્યારે ઝડપી ડાઇજેશન માટે હું લોકોને આ ખાસ ટી પીવાનું કહેતી હોઉં છું. જીરુંં પલાળીને પાણી પીઓ એ તો બેસ્ટ છે, પરંતુ ક્યારેક આ પર્યાય પણ ટ્રાય કરી શકાય.’
ઓવરયુઝ નહીં
જીરાનું પાણી તો જ લાભકારી છે જો એનું પ્રમાણ ઉચિત માત્રામાં હોય. આખો દિવસ સાદા પાણીને જીરાના પાણીથી રિપ્લેસ કરી દેશો તો લાભને બદલે નુકસાન થશે. જીરાની પ્રકૃતિ ગરમ છે અને એ પિત્તને વધારનારું છે એટલે વધારે પડતો ઉપયોગ શરીરમાં ગરમી અને પિત્તને વધારશે.

