રિસ્કને સમજીને આ કૅન્સરથી બચવું અત્યંત જરૂરી છે. ઓરલ કૅન્સર શેનાથી થાય છે એ આપણે જાણીએ છીએ એટલે એનાથી બચાવના પૂરા પ્રયત્નો કરવા જરૂરી છે.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ઓરલ કૅન્સર એક એવું કૅન્સર છે જેમાંથી માણસ બચી પણ જાય તો પણ તે જીવનભર માટે અક્ષમ બની શકે છે. જો એકદમ શરૂઆતી સ્ટેજમાં તે પકડાઈ જાય તો કોઈ કેસમાં એવું પણ બની શકે કે સર્જરીની જરૂર ન પડે પરંતુ મોટા ભાગના કેસમાં સર્જરી જરૂરી બની જાય છે અને વ્યક્તિનો એ ભાગ કાપવો પડે છે જ્યાં કૅન્સર ફેલાયેલું હોય છે અને આ સર્જરી વ્યક્તિનો જીવ બચાવવા જરૂરી રહે છે. જો એ ભાગ કાપી નાખીએ તો વ્યક્તિ હંમેશાં માટે તેનો હોઠ કે જીભ કે ગાલ ગુમાવી બેસે એવું બની શકે છે જે કોઈ પણ વ્યક્તિ માટે તકલીફદાયક હોય છે, કારણ કે એનાથી તેનું આગળનું જીવન કપરું બને છે. આ રિસ્કને સમજીને આ કૅન્સરથી બચવું અત્યંત જરૂરી છે. ઓરલ કૅન્સર શેનાથી થાય છે એ આપણે જાણીએ છીએ એટલે એનાથી બચાવના પૂરા પ્રયત્નો કરવા જરૂરી છે.
૮૦ ટકા ઓરલ કૅન્સર પાછળ તમાકુ, સોપારી, સ્મોકિંગ અને કેટલીક હદે આલ્કોહોલનું સેવન પણ જવાબદાર છે. જોકે ઓરલ કૅન્સરના દરદીઓમાં ૧૦ ટકા દરદીઓ એવા પણ હોય છે જેમને આ પ્રકારનું કોઈ પણ વ્યસન હોતું નથી. છતાં તેઓ આ કૅન્સરનો ભોગ બને છે. ઓરલ કૅન્સર મ્યુકોસલ ટ્રૉમાને કારણે થાય એ સાબિત થયેલું સત્ય છે. આ ટ્રૉમા અત્યંત સ્પાઇસી ખોરાકને લીધે પણ થઈ શકે છે. ઘણા લોકોના દાંત ખૂબ જ અણીવાળા હોય અને એ સતત મ્યુકોસા જોડે ઘસાયા કરતા હોય તો પણ ટ્રૉમા આવી શકે છે. આ સિવાય HPV વાઇરસ, જે સર્વાઇકલ કૅન્સર માટે જવાબદાર છે એ HPV વાઇરસને કારણે મોઢાનું કૅન્સર થઈ શકે છે. HPV વાઇરસ સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ પ્રૉબ્લેમ છે. આજકાલ એને કારણે HPVની વૅક્સિન ઓરલ કૅન્સર માટે પણ આપવામાં આવે એવું રેકમન્ડેશન બહાર આવી રહ્યું છે.
ADVERTISEMENT
ઓરલ કૅન્સર એક એ પ્રકારનું કૅન્સર છે જેનું વહેલું નિદાન શક્ય છે. એનું કારણ એ છે કે મોઢું શરીરનો બહારનો ભાગ છે. આ ભાગમાં કોઈ પણ તકલીફ હોય તો એ તકલીફ બહાર તરત જ દેખાઈ આવે છે. આપણે ત્યાં લોકોની બેદરકારી અને ડરને કારણે ઓરલ કૅન્સર જેવાં કૅન્સર પણ ઍડ્વાન્સ સ્ટેજમાં ખબર પડે છે, જે શરમજનક છે. ઓરલ કૅન્સરની શરૂઆતમાં જ વ્યક્તિને તરત જ ચિહ્નો દેખાવા લાગે છે. એ ભાગમાં ઇરિટેશન થાય કે કોઈ ઊપસેલો ભાગ દેખાય અથવા જીભમાં હોય તો જીભ પહેલાં કરતાં થોડી હેવી લાગે. આ પ્રકારનાં કોઈ પણ ચિહ્નો અવગણવાં મૂર્ખામીભર્યું છે. જો ઓરલ કૅન્સરનું નિદાન વહેલું થઈ જાય તો ચોક્કસ દરદીને બચાવી શકાય છે.

