સ્ટૉકહોમ ઇન્ટરનૅશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના આંકડા મુજબ જાન્યુઆરી ૨૦૨૫ સુધીમાં વિશ્વમાં આટલાં પરમાણુ શસ્ત્રો છે. જે નવ દેશો પાસે પરમાણુ શસ્ત્રો છે
પ્રતીકાત્મક તસવીર
સ્ટૉકહોમ ઇન્ટરનૅશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના આંકડા મુજબ જાન્યુઆરી ૨૦૨૫ સુધીમાં વિશ્વમાં આટલાં પરમાણુ શસ્ત્રો છે. જે નવ દેશો પાસે પરમાણુ શસ્ત્રો છે એ બીજા દેશોને પરમાણુ પાવર બતાવીને બાનમાં રાખવાની કોશિશ કરી રહ્યા છે. વિશ્વને એક કરતાં વધુ વાર નાશ કરી શકે એટલાં બધાં પરમાણુ શસ્ત્રોનો જથ્થો કયા દેશો પાસે છે અને એને કારણે વૈશ્વિક રાજકારણમાં કેવી અસરો ઊભી થઈ રહી છે એ વિશે જાણીએ
દુનિયામાં પરમાણુ શસ્ત્રોનો જથ્થો એટલો બધો વધી ગયો છે કે જો એનો ઉપયોગ કરવામાં આવે તો આખી દુનિયાનો એક કરતાં વધારે વખત નાશ થઈ શકે છે. ૧૯૪૫ની ૬ ઑગસ્ટે અમેરિકાએ જપાનના હિરોશિમા શહેર પર પરમાણુ બૉમ્બ ફેંક્યો એ સાથે જગતમાં શરૂ થયેલી પરમાણુ રેસ હવે માનવજાતના અસ્તિત્વ માટે જ ખતરાજનક બની રહી છે. સ્ટૉકહોમ ઇન્ટરનૅશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI)ના આંકડા મુજબ જાન્યુઆરી ૨૦૨૫ સુધીમાં વિશ્વમાં અંદાજે ૧૨,૨૪૧ પરમાણુ શસ્ત્રો હતાં. એમાંથી ૩૯૧૨ પરમાણુ શસ્ત્રો મિસાઇલો અને વિમાનો પર તહેનાત કરવામાં આવ્યાં હતાં, જ્યારે બાકીના ભંડારમાં રાખવામાં આવ્યાં હતાં. બૅલિસ્ટિક મિસાઇલો પર તહેનાત લગભગ ૨૧૦૦ પરમાણુ શસ્ત્રો હાઈ અલર્ટની સ્થિતિમાં હતાં, જેમાંથી મોટા ભાગનાં રશિયા અને અમેરિકા પાસે હતાં. દુનિયાના જે દેશો પાસે પરમાણુ શસ્ત્રો છે એમાં અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ, ચીન, ભારત, પાકિસ્તાન, ઉત્તર કોરિયા અને ઇઝરાયલનો સમાવેશ થાય છે. આમાંથી ફક્ત રશિયા અને અમેરિકા પાસે જ કુલ પરમાણુ શસ્ત્રોના ૯૦ ટકા છે. અમેરિકા પાસે ૫૫૦૦ અને રશિયા પાસે ૫૯૭૭ પરમાણુ બૉમ્બ છે. રશિયાએ ૧૯૪૯માં જ એનો પહેલો પરમાણુ બૉમ્બ બનાવી લીધો હતો. બ્રિટને ૧૯૫૨માં અને ફ્રાન્સે ૧૯૬૦માં પરમાણુ બૉમ્બ બનાવી લીધા હતા.
ADVERTISEMENT
સામ્યવાદી ચીને એનો પહેલો પરમાણુ બૉમ્બ ૧૯૬૪માં બનાવ્યો હતો. હાલમાં ચીન પાસે ૬૦૦ પરમાણુ બૉમ્બ છે તો ફ્રાન્સ પાસે ૨૯૦ અને બ્રિટન પાસે ૨૨૫ પરમાણુ બૉમ્બ છે. ચીન ૨૦૨૩થી દર વર્ષે એના શસ્ત્રાગારમાં ૧૦૦ પરમાણુ શસ્ત્રો ઉમેરી રહ્યું છે. ભારત ૧૮૦ પરમાણુ બૉમ્બ સાથે છઠ્ઠા નંબરે આવે છે તો પાકિસ્તાન ૧૭૦ પરમાણુ બૉમ્બ સાથે સાતમા નંબરે આવે છે. ઇઝરાયલ પાસે ૯૦ પરમાણુ બૉમ્બ છે તો ઉત્તર કોરિયાએ પણ ૫૦ પરમાણુ બૉમ્બ બનાવી લીધા છે. ચીન પાસે બૅલિસ્ટિક મિસાઇલો અને બૉમ્બરો દ્વારા દુશ્મન દેશના લક્ષ્યસ્થાને પહોંચાડવા માટે ૪૪૦ પરમાણુ હથિયારો છે. જાન્યુઆરી ૨૦૨૫ સુધીમાં ચીને ૩૫૦ નવાં ઇન્ટરકૉન્ટિનેન્ટલ બૅલિસ્ટિક મિસાઇલ (ICBM) બનાવ્યાં હતાં. જો ચીન આ ગતિએ મિસાઇલ બનાવવાનું ચાલુ રાખશે તો દાયકાના અંત સુધીમાં એની પાસે રશિયા કે અમેરિકા જેટલાં ICBM થઈ શકે છે. રશિયા અને અમેરિકા વચ્ચે પરમાણુ શસ્ત્રોને નિયંત્રિત કરતો ૨૦૧૦નો NEW START કરાર ૨૦૨૬માં સમાપ્ત થાય છે. ૨૦૨૧માં એને પાંચ વર્ષ માટે રિન્યુ કરવામાં આવ્યો હતો. જો એને ૨૦૨૬માં વધુ એક વખત રિન્યુ કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં બન્ને દેશોનાં મિસાઇલો પર તહેનાત પરમાણુ શસ્ત્રોની સંખ્યા વધી શકે છે.
અમેરિકા
અમેરિકાએ પરમાણુ બૉમ્બ બનાવવા માટેનો મૅનહટન પ્રોજેક્ટ તો છેક ૧૯૪૨માં શરૂ કરી દીધો હતો. અમેરિકાએ પરમાણુ બૉમ્બ બનાવવા માટે જર્મન વિજ્ઞાનીઓની મદદ પણ લીધી હતી. ભૌતિકશાસ્ત્રી જે. રૉબર્ટ ઓપનહેમર પરમાણુ બૉમ્બ ડિઝાઇન કરનાર લૅબોરેટરીના ડિરેક્ટર હતા. મૅનહટન પ્રોજેક્ટમાં એની ટોચ પર લગભગ ૧.૩૦ લાખ લોકોને રોજગારી આપવામાં આવી હતી અને એનો ખર્ચ લગભગ બે અબજ ડૉલર હતો. આ પ્રોજેક્ટમાં પરમાણુ શસ્ત્રો માટે બળતણ તરીકે અત્યંત સમૃદ્ધ યુરેનિયમ અને પ્લુટોનિયમ બન્નેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમેરિકાનો પરમાણુ બૉમ્બ તૈયાર થઈ ગયો ત્યારે એનું પહેલવહેલું પરીક્ષણ ૧૯૪૫ની ૧૬ જુલાઈએ કરવામાં આવ્યું હતું. પહેલો પરમાણુ બૉમ્બ ઇમ્પ્લોઝન પ્રકારનો હતો. ઑગસ્ટ ૧૯૪૫માં હિરોશિમા અને નાગાસાકી પર થયેલા પરમાણુ બૉમ્બવિસ્ફોટમાં લિટલ બૉય અને ફૅટ મૅન નામના બૉમ્બનો ઉપયોગ થયો હતો.
ઑગસ્ટ ૧૯૪૫માં અમેરિકાનાં પરમાણુ શસ્ત્રો દ્વારા જપાની શહેરો હિરોશિમા અને નાગાસાકીના લગભગ ૧,૫૦,૦૦૦થી ૨,૪૬,૦૦૦ લોકો માર્યા ગયા હતા, જેમાંથી મોટા ભાગના નાગરિકો હતા. નાગાસાકી પર પરમાણુ બૉમ્બવિસ્ફોટના છ દિવસ પછી જપાને ૧૫ ઑગસ્ટના રોજ મિત્રરાષ્ટ્રો સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી, જેનાથી બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો હતો.
સેન્ટ્રલ ઇરાકમાં જ્યાં પરમાણુ શસ્ત્રો બનાવવાની ગતિવિધિ ચાલી રહી હોવાની શંકા સેવાય છે એ જગ્યાનો સૅટેલાઇટ વ્યુ.
રશિયા
૧૯૪૫માં અમેરિકા દ્વારા પરમાણુ બૉમ્બનો ધડાકો કરવામાં આવ્યો એ પછી તરત સોવિયેટ સંઘે પરમાણુ બૉમ્બ બનાવવાની રેસમાં ઝંપલાવી દીધું હતું. સોવિયેટ યુનિયનના તત્કાલીન રાષ્ટ્રપતિ જોસેફ સ્ટૅલિનને હિરોશિમા અને નાગાસાકીના પરમાણુ બૉમ્બધડાકાની જાણ થયા પછી રશિયાના જાસૂસો દ્વારા મૅનહટન પ્રોજેક્ટ અને જર્મન પરમાણુ શસ્ત્ર પ્રોજેક્ટ વિશે ગુપ્ત માહિતી એકત્રિત કરીને રશિયાના પરમાણુ કાર્યક્રમને વેગ આપવામાં આવ્યો હતો. સોવિયેટ પરમાણુ કાર્યક્રમને આગળ વધારવામાં અમેરિકન તથા જર્મન પરમાણુ વૈજ્ઞાનિકોની ભૂમિકા વિવાદનો વિષય છે, કારણ કે રશિયનોએ તેમનાં સંશોધનોને રશિયન વૈજ્ઞાનિકોને સોંપ્યાં હતાં. મૅનહટન પ્રોજેક્ટ પછી અમેરિકાએ વૈશ્વિક યુરેનિયમ બજાર પર પોતાનો એકાધિકાર પ્રસ્થાપિત કર્યો હતો. આ કારણે સોવિયેટ યુનિયનનો પરમાણુ પ્રોજેક્ટ પૂર્વ જર્મનીમાં SAG વિસ્મટ અને તાજિકિસ્તાનમાં તાબોશર ખાણના વિકાસ પર આધાર રાખતો હતો. રશિયા માટે પ્લુટોનિયમ રીઍક્ટર ચલાવવા માટે ઉચ્ચ શુદ્ધતા ધરાવતી ગ્રૅફાઇટ ધાતુ અને યુરેનિયમ ધાતુનું મોટા પાયે ઉત્પાદન એક મોટો પડકાર હતો. સોવિયેટ સંઘે ૧૯૪૯ની ૨૯ ઑગસ્ટના રોજ કઝાકના પરીક્ષણ-સ્થળ પર એનું પ્રથમ પરમાણુ શસ્ત્રપરીક્ષણ સફળતાપૂર્વક કર્યું હતું.
બ્રિટન
૧૯૫૨માં અમેરિકા અને સોવિયેટ યુનિયન પછી બ્રિટન પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ કરનાર ત્રીજો દેશ બન્યો હતો. હકીકતમાં બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન બ્રિટને ટ્યુબ ઍલૉય નામનો પરમાણુ શસ્ત્ર કાર્યક્રમ શરૂ કર્યો હતો. ઑગસ્ટ ૧૯૪૩માં ક્વિબૅક કૉન્ફરન્સમાં એને અમેરિકન મૅનહટન પ્રોજેક્ટ સાથે જોડી દેવામાં આવ્યો હતો. બ્રિટિશ સરકાર પરમાણુ શસ્ત્રોને અમેરિકાની ભાગીદારી સાથેની સંયુક્ત શોધ માનતી હતી, પરંતુ ૧૯૪૬માં અમેરિકાના મૅકમોહન ઍક્ટ દ્વારા બ્રિટન સહિત અન્ય દેશોને પરમાણુ શસ્ત્રો વિશેની માહિતી મેળવવાથી પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. અમેરિકાની ચાલબાજીથી વિચલિત થયા વિના બ્રિટને પોતાનો પરમાણુ પ્રોજેક્ટ ફરી શરૂ કર્યો, જેને હવે હાઈ એક્સપ્લોઝિવ રિસર્ચ નામ આપવામાં આવ્યું હતું. ૧૯૫૨ની ૩ ઑક્ટોબરે બ્રિટને ઑપરેશન હરિકેનમાં ઑસ્ટ્રેલિયાના મૉન્ટે બેલો ટાપુઓમાં પરમાણુ બૉમ્બનો વિસ્ફોટ કર્યો. પછીના દાયકામાં ઑસ્ટ્રેલિયામાં બ્રિટિશ પરમાણુ શસ્ત્રોનાં વધુ ૧૧ પરીક્ષણો કરવામાં આવ્યાં, જેમાં ૧૯૫૬ અને ૧૯૫૭માં મારાલિંગા ખાતે ૭ બ્રિટિશ પરમાણુ પરીક્ષણોનો સમાવેશ થતો હતો.
ચીન
પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઇનાએ રાસાયણિક અને પરમાણુ શસ્ત્રો સહિત સામૂહિક વિનાશનાં શસ્ત્રો વિકસાવ્યાં છે. સામ્યવાદી ચીનનાં પરમાણુ શસ્ત્રોનું પહેલું પરીક્ષણ ૧૯૬૪માં થયું હતું અને એનું પહેલું હાઇડ્રોજન બૉમ્બ પરીક્ષણ ૧૯૬૬માં લોપ નુર ખાતે થયું હતું. ચીનના સર્વેસર્વા માઓ ઝેદૉન્ગે પરમાણુ શસ્ત્રોનો ઉલ્લેખ કાગળના વાઘ તરીકે કર્યો હતો, જેનો ઉપયોગ મહાન શક્તિઓ દ્વારા નાના દેશોને ડરાવવા અને ધમકાવવા માટે કરી શકાય છે. ફર્સ્ટ તાઇવાન સ્ટ્રેટ કટોકટી દરમ્યાન ચીનના ફુજિયન પ્રાંતમાં લશ્કરી લક્ષ્યો સામે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની અમેરિકાના આઇઝનહોવર વહીવટી તંત્રની ધમકીઓને કારણે માઓ ચીનનો પરમાણુ કાર્યક્રમ શરૂ કરવા તૈયાર થયા હતા. સોવિયેટ સંઘે વિભાજન સામગ્રીના ઉત્પાદન માટે સમર્પિત સુવિધાઓમાં મદદ કરવા માટે સલાહકારો મોકલીને શરૂઆતના ચીની પરમાણુ કાર્યક્રમમાં સહાય પૂરી પાડી હતી.
ભારતે પોખરણમાં સફળ પરમાણુ પરીક્ષણ કરીને જગતને આપણી શક્તિ બતાવી હતી.
૧૯૬૦માં ચીની પરમાણુ કાર્યક્રમ સાથેની તમામ સોવિયેટ સહાય અચાનક સમાપ્ત કરવામાં આવી હતી અને તમામ સોવિયેટ ટેક્નિશ્યનોને પરમાણુ કાર્યક્રમમાંથી પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. તો પણ ચીને ૧૯૬૪ની ૧૬ ઑક્ટોબરે એનું પહેલું પરમાણુ પરીક્ષણ કર્યું. ૧૯૬૬માં ચીની નેતૃત્વએ પરમાણુ મિસાઇલો ચલાવવા માટે પીપલ્સ લિબરેશન આર્મીની એક નવી શાખા સેકન્ડ આર્ટિલરીની સ્થાપના કરી હતી. ચીનનું પહેલું થર્મોન્યુક્લિયર હથિયાર પરીક્ષણ ૧૯૬૬ની ૨૮ ડિસેમ્બરે થયું હતું. ચીનનું છેલ્લું પરમાણુ પરીક્ષણ ૧૯૬૬ની ૨૯ જુલાઈએ થયું હતું.
ભારત
ભારતના પરમાણુ કાર્યક્રમની શરૂઆત ૧૯૪૫માં થઈ જ્યારે ડૉ. હોમી ભાભાએ તાતા ગ્રુપની મદદથી તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચની સ્થાપના કરી હતી. ભારતની સ્વતંત્રતા પછી ૧૯૪૮ની ૧૫ એપ્રિલે પરમાણુ ઊર્જા કાયદો પસાર કરવામાં આવ્યો હતો, જેનાથી ભારતીય પરમાણુ ઊર્જા આયોગ (IAEC)ની સ્થાપના થઈ હતી. ૧૯૫૬માં ભારતનું અપ્સરા નામનું પ્રથમ પરમાણુ રીઍક્ટર ટ્રૉમ્બેના ભાભા ઍટમિક રિસર્ચ સેન્ટર (BARC) ખાતે કાર્યરત થયું હતું. ત્યાર બાદ કૅનેડા અને અમેરિકા સાથેની સમજૂતીના ભાગરૂપે ભારતને સાયરસ રીઍક્ટર આપવામાં આવ્યું હતું. ૧૯૬૨માં ભારત ચીન સાથે યુદ્ધમાં વ્યસ્ત હતું અને ચીન પોતાના પરમાણુ વિકાસ કાર્યક્રમને આગળ ધપાવી રહ્યું હતું, જેને કારણે ભારતને પરમાણુ શસ્ત્રો વિકસાવવાની જરૂરિયાત સમજાઈ હતી. ૧૯૬૧થી ૧૯૬૪ના સમયગાળા દરમ્યાન પરમાણુ ઊર્જામાંથી વીજળી ઉત્પન્ન કરવા માટે નાગરિક પરમાણુ કાર્યક્રમ અંતર્ગત પ્લુટોનિયમ પ્લાન્ટ પણ સ્થાપિત કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ભારતે પરમાણુ રીઍક્ટર બનાવવામાં મદદ કરવા માટે સોવિયેટ યુનિયન સાથે કરાર કર્યા હતા.
ડૉ. ભાભાએ પરમાણુ ઊર્જા અંગેની સંસદીય સલાહકાર સમિતિ સમક્ષ દાવો કર્યો કે ભારતનું પરમાણુ ઊર્જા સંશોધન એટલી હદ સુધી પ્રગતિ કરી ચૂક્યું છે કે એ બાહ્ય સહાય વિના પરમાણુ શસ્ત્રો બનાવી શકે છે. ૧૯૬૦માં ડૉ. ભાભાએ અંદાજ લગાવ્યો હતો કે ભારતને પરમાણુ બૉમ્બ બનાવવામાં લગભગ એક વર્ષ લાગશે. ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી પાકિસ્તાન તરફથી મળતી ધમકીઓએ નવી ચિંતાઓ ઊભી કરી હોવાથી ભારત પર પરમાણુ શસ્ત્રો બનાવવાનું દબાણ વધુ તીવ્ર બન્યું. ડૉ. ભાભા ભારતને પરમાણુ બૉમ્બની ભેટ આપી શકે એ પહેલાં ૧૯૬૬ની ૨૪ જાન્યુઆરીએ જિનીવા ખાતે વિમાન-દુર્ઘટનામાં ડૉ. ભાભાનું મૃત્યુ થયું, જેને કારણે ભારતનો પરમાણુ કાર્યક્રમ વિલંબમાં પડી ગયો હતો. આ ભેદી દુર્ઘટનામાં અમેરિકાની ગુપ્તચર સંસ્થા CIAનો હાથ હોવાના આક્ષેપો થયા હતા. ડૉ. હોમી ભાભાને ભારતીય પરમાણુ કાર્યક્રમના પિતા માનવામાં આવે છે.
ડૉ. ભાભાના આગ્રહથી ૧૯૬૪માં વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ ભૂગર્ભ પરમાણુ પરીક્ષણ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. તેમણે ભૌતિકશાસ્ત્રી વિક્રમ સારાભાઈને પરમાણુ કાર્યક્રમના વડા તરીકે નિયુક્ત કર્યા હતા. વિક્રમ સારાભાઈની અહિંસક ગાંધીવાદી માન્યતાઓને કારણે તેમણે પરમાણુ કાર્યક્રમને લશ્કરી વિકાસને બદલે શાંતિપૂર્ણ હેતુઓ તરફ દિશામાન કર્યો. આ દરમ્યાન પરમાણુ બૉમ્બ પર ડિઝાઇનનું કામ ભૌતિકશાસ્ત્રી રાજા રામન્ના હેઠળ આગળ વધ્યું, જેમણે ડૉ. ભાભાના મૃત્યુ પછી પરમાણુ શસ્ત્રોની ટેક્નૉલૉજીનું સંશોધન ચાલુ રાખ્યું હતું. ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતે વિજય મેળવ્યા પછી પરમાણુ બૉમ્બ બનાવવાનું કામ ચાલુ રહ્યું. ૧૯૭૪ની ૧૮ મેએ ભારતીય સમય મુજબ સવારે ૮.૦૫ વાગ્યે ભારતે પોખરણમાં પહેલું પરમાણુ પરીક્ષણ કર્યું ત્યારે રશિયા અને અમેરિકા જેવી મહાસત્તાઓ ચોંકી ગઈ હતી. ભારતનાં તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી પર પરમાણુ પરીક્ષણ ન કરવાનું પ્રચંડ દબાણ હતું, પણ તેમણે મહાસત્તાઓની પરવા કર્યા વિના ભારતને પરમાણુ બૉમ્બ બનાવવાની દિશામાં આગળ મૂકી દીધું હતું. ભારતે બીજું પરમાણુ પરીક્ષણ ૧૯૯૮માં કર્યું હતું, જ્યારે અટલ બિહારી વાજપેયી ભારતના વડા પ્રધાન હતા. આ પરીક્ષણના પ્રતાપે ભારતનાં અણુવીજળી મથકો પર નિયંત્રણો લાદવામાં આવ્યાં હતાં.
ભારત દ્વારા કરવામાં આવેલાં પરમાણુ પરીક્ષણોના જવાબમાં પાકિસ્તાને મે ૧૯૯૮માં પ્રથમ વખત પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ કર્યું હતું. આ કાર્યક્રમની સફળતા પાછળ પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમના પિતામહ ગણાતા વિજ્ઞાની અબ્દુલ કાદિર ખાનના ગુપ્ત આંતરરાષ્ટ્રીય પરમાણુ દાણચોરી નેટવર્કનો ફાળો હતો. પાકિસ્તાને એપ્રિલ ૧૯૭૮ સુધીમાં સમૃદ્ધ યુરેનિયમનું ઉત્પાદન કરી લીધું હતું અને ચાર વર્ષ પછી એની પાસે હથિયાર ગ્રેડનું યુરેનિયમ હતું. ૧૯૮૦ના દાયકાના મધ્ય સુધીમાં હજારો સેન્ટ્રિફ્યુજમાંથી દર વર્ષે અનેક પરમાણુ બૉમ્બ બનાવવા માટે પૂરતું યુરેનિયમ ઉત્પન્ન થઈ ગયું હતું અને ૧૯૮૮ સુધીમાં પાકિસ્તાન પાસે પરમાણુ બૉમ્બ બનાવવાની ક્ષમતા હતી. અબ્દુલ કાદિર ખાને ચીન પાસેથી પરમાણુ બૉમ્બની ડિઝાઇન મેળવી લીધી હતી. હકીકતમાં ચીન દ્વારા અબ્દુલ કાદિર ખાન મારફત ગુપ્ત રીતે પાકિસ્તાનને પરમાણુ બૉમ્બ બનાવવાની ટેક્નૉલૉજી આપવામાં આવી હતી.
ઉત્તર કોરિયા
ઉત્તર કોરિયાએ ૧૯૫૦ના દાયકાની શરૂઆતમાં જ પરમાણુ શસ્ત્રો વિકસાવવામાં રસ દાખવ્યો હતો. ૧૯૬૩માં ઉત્તર કોરિયાએ સોવિયેટ યુનિયન પાસે પરમાણુ શસ્ત્રો વિકસાવવામાં મદદ માગી, પરંતુ એનો ઇનકાર કરવામાં આવ્યો હતો. જોકે સોવિયેટ યુનિયને ઉત્તર કોરિયાને શાંતિપૂર્ણ પરમાણુ ઊર્જા કાર્યક્રમ વિકસાવવામાં મદદ કરવામાં સંમતિ આપી હતી, જેમાં પરમાણુ વૈજ્ઞાનિકોની તાલીમનો સમાવેશ થતો હતો. પાકિસ્તાને સ્વીકાર્યું હતું કે ઉત્તર કોરિયાએ ૧૯૯૦ના દાયકાના અંતમાં પાકિસ્તાનની પરમાણુ ટેક્નૉલૉજીનો ઉપયોગ કર્યો હતો. ૨૦૦૬ની ૯ ઑક્ટોબરે ઉત્તર કોરિયાએ જાહેરાત કરી કે એણે એનું પ્રથમ પરમાણુ પરીક્ષણ સફળતાપૂર્વક કર્યું છે. ૨૦૦૭ની ૬ જાન્યુઆરીએ ઉત્તર કોરિયાની સરકારે જાહેરાત કરી કે એની પાસે પરમાણુ શસ્ત્રો છે. ઉત્તર કોરિયા પાસે ૯૦ જેટલા પરમાણુ બૉમ્બ માટે પૂરતી સામગ્રી હોવાનો અંદાજ છે અને એમાંથી એણે લગભગ ૫૦ પરમાણુ બૉમ્બ બનાવી લીધા છે. તાજેતરમાં ઉત્તર કોરિયાએ ઇઝરાયલને ચેતવણી આપી છે કે જો એ ઈરાન પર પરમાણુ બૉમ્બનો પ્રયોગ કરશે તો એ ઈરાનની મદદ કરવા આવી જશે.
ઇઝરાયલ પાસે ૯૦થી ૪૦૦ પરમાણુ શસ્ત્રોનો ભંડાર હોવાનો અંદાજ છે. ૧૯૪૮માં સ્વતંત્રતા જાહેર કર્યા પછી તરત જ ઇઝરાયલે ફ્રેન્ચ સહયોગથી ગુપ્ત રીતે નેગેવ ન્યુક્લિયર રિસર્ચ સેન્ટર બનાવવાનું શરૂ કર્યું હતું. ૧૯૬૭ના છ દિવસના યુદ્ધ પછી ઇઝરાયલે પરમાણુ શસ્ત્રોનું સંપૂર્ણ પાયે ઉત્પાદન શરૂ કર્યું હોવાનું માનવામાં આવે છે. ૧૯૬૭ની શરૂઆતના અમેરિકાની સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (CIA)ના અહેવાલમાં જણાવાયું હતું કે ઇઝરાયલ પાસે છથી ૮ અઠવાડિયાંમાં બૉમ્બ બનાવવા માટે સામગ્રી હતી. એણે ડિસેમ્બર ૧૯૬૭ સુધીમાં એનો પ્રથમ પરમાણુ બૉમ્બ બનાવી લીધો હતો. ઇઝરાયલ એનાં પરમાણુ શસ્ત્રો બાબતમાં અસ્પષ્ટતાની નીતિ જાળવી રાખે છે. ઇઝરાયલે ક્યારેય પરમાણુ શસ્ત્રો હોવાનો ઇનકાર કે સ્વીકાર કર્યો નથી. એને બદલે ઇઝરાયલ વર્ષોથી રટણ કર્યા કરે છે કે એ મધ્યપૂર્વમાં પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરનાર પ્રથમ દેશ નહીં હોય.
એકમાત્ર ઇસ્લામિક દેશ પાસે
આજની તારીખમાં ઇસ્લામિક દેશોમાં પાકિસ્તાન એકમાત્ર એવો દેશ છે જેની પાસે પરમાણુ શસ્ત્રો છે. પાકિસ્તાનના પરમાણુ બૉમ્બને ઇસ્લામિક બૉમ્બ તરીકે પણ ઓળખવામાં આવે છે. દુનિયામાં પાકિસ્તાન ઉપરાંત ઈરાન, ઇરાક, સાઉદી અરેબિયા, ટર્કી, અફઘાનિસ્તાન, સિરિયા, લિબિયા, પૅલેસ્ટીન, ઇજિપ્ત, જૉર્ડન, સંયુક્ત આરબ અમીરાત, કુવૈત વગેરે માલદાર મુસ્લિમ દેશો છે જેઓ ધારે તો પેટ્રો ડૉલરની તાકાતથી પરમાણુ બૉમ્બ બનાવી શકે છે; પણ રશિયા અને અમેરિકા જેવી મહાસત્તાઓ એમને એમ કરતાં રોકે છે, કારણ કે તેઓ પાકિસ્તાન સિવાય કોઈ મુસ્લિમ દેશ પાસે પરમાણુ બૉમ્બ હોય એવું ઇચ્છતા નથી. ભૂતકાળમાં અમેરિકાની મરજીની ઉપરવટ જઈને પરમાણુ બૉમ્બ બનાવવાનો પ્રયાસ કરનારા ઇરાકના સદ્દામ હુસેનના અને લિબિયાના કર્નલ કદ્દાફીના બૂરા હાલ થયા હતા. સિરિયાના ભૂતપૂર્વ પ્રમુખ બશર અલ અસદે પણ પરમાણુ બૉમ્બ બનાવવાની તજવીજ હાથ ધરી એ કારણે જ તેમણે સત્તાનો ત્યાગ કરીને રશિયામાં આશરો લેવો પડ્યો હતો. હવે ઈરાન જો અમેરિકાની ઇચ્છાને અવગણીને પરમાણુ બૉમ્બ બનાવશે તો એમાં અમેરિકાની મોટી હાર હશે.
-સંજય વોરા

