લગ્નના પહેલા જ વર્ષે પતિ-પત્ની બન્નેની ઇચ્છા હોય તો પણ હિન્દુ મૅરેજ ઍક્ટ ૧૯૫૫ અનુસાર તલાક શક્ય નથી. લગ્નની શરૂઆતમાં આવતા પ્રૉબ્લેમ્સ સમય જતાં સમજણ સાથે સુલઝાવી શકાય છે
પ્રતીકાત્મક તસવીર
લગ્નના પહેલા જ વર્ષે પતિ-પત્ની બન્નેની ઇચ્છા હોય તો પણ હિન્દુ મૅરેજ ઍક્ટ ૧૯૫૫ અનુસાર તલાક શક્ય નથી. લગ્નની શરૂઆતમાં આવતા પ્રૉબ્લેમ્સ સમય જતાં સમજણ સાથે સુલઝાવી શકાય છે એ સિદ્ધાંતના આધારે કદાચ આ કાનૂન બન્યો હશે. આજની તારીખે લગ્નના એક જ વર્ષમાં તલાક સુધી વાત કઈ રીતે પહોંચે છે એ સમજવાની કોશિશ કરીએ. બીજું એ કે અમુક અપવાદરૂપ પરિસ્થિતિમાં કોર્ટ વ્યક્તિની તલાકની અરજી સ્વીકારી શકે છે. આ અપવાદરૂપ પરિસ્થિતિઓ કઈ-કઈ છે એ પણ જાણીએ. અંતે સમજવાનું એ છે કે કોર્ટ ઇચ્છે છે કે દરેક વ્યક્તિ લગ્નસંસ્થાને ગંભીરતાથી લે અને કોઈ પણ પ્રકારની છોકરમતમાં આવીને તલાક લેવાની ઉતાવળમાં પોતાનું અને પોતાના પાર્ટનરનું જીવન ઝેર ન કરે. સામે પક્ષે અપવાદરૂપ પરિસ્થિતિમાં એ વ્યક્તિને રક્ષણ પણ આપે છે. દરેક કેસને જુદી રીતે સમજવાની દાનત પણ દર્શાવે છે
થોડા સમય પહેલાં અલાહાબાદ હાઈ કોર્ટ દ્વારા એવું નિવેદન આપવામાં આવેલું કે બે હિન્દુ વ્યક્તિઓ વચ્ચે બંધાતો લગ્નસંબંધ અતિ પવિત્ર છે, મ્યુચ્યુઅલ ઇનકમ્પૅટિબિલિટીના આધારે એટલે કે બન્નેને એવું લાગે છે કે તેઓ એકબીજા માટે સર્જાયેલાં નથી એ કારણસર લગ્નના એક જ વર્ષની અંદર તલાકની અરજી કરી શકાય નહીં.
ADVERTISEMENT
જે દંપતીએ આ અરજી કરી હતી તેમની અરજી કબૂલવામાં આવી નહોતી. જ્યારે આ ન્યુઝ બહાર આવ્યા ત્યારે થોડી હો-હા થઈ ગઈ હતી. બે વ્યક્તિઓ એકસાથે ન રહેવા માગતી હોય તો તેમને પરાણે પવિત્રતાના નામે સાથે રાખવી કેટલી યોગ્ય છે એવો આજના કહેવાતા આઝાદ વિચારોના લોકોએ બળાપો કાઢ્યો હતો. જોકે હકીકત એ છે કે એવું નહોતું કે આ કોઈ પહેલો કેસ હતો જેમાં આવું થયું હતું. આવું ભૂતકાળમાં ઘણા કેસમાં થયું છે. સામાન્ય રીતે એવી માન્યતા છે કે પતિ-પત્ની બન્ને રાજી હોય તો તલાક ખૂબ જલદી થઈ જાય છે પરંતુ આ પરિસ્થિતિ લગ્નના પહેલા જ વર્ષમાં શક્ય નથી, કારણ કે હિન્દુ લગ્ન અધિનિયમ કે હિન્દુ મૅરેજ ઍક્ટ ૧૯૫૫ની ૧૪મી કલમ અનુસાર લગ્નની તારીખથી શરૂ કરીને જ્યાં સુધી લગ્નનું એક વર્ષ પતે નહીં એ પહેલાં તલાકની કોઈ પણ પ્રકારની અરજી દાખલ કરી શકાતી નથી. જોકે એવું તો ન હોઈ શકેને કે લગ્નના પહેલા વર્ષે કોઈ તલાક લઈ જ ન શકે? અમુક એવાં કારણો ચોક્કસ હોવાનાં જ જેમાં કોર્ટ તલાકની મંજૂરી આપે. એ કારણો વિશે જાણીશું, પણ પહેલાં એ સમજીએ કે લગ્નના પહેલા જ વર્ષમાં માણસ તલાક સુધી કેમ પહોંચી જાય છે?
કારણો શું?
આપણાં પરદાદા-પરદાદી માનતાં હતાં કે લગ્ન સાત જન્મોનું બંધન છે. આપણાં દાદા-દાદીએ પણ આ વિચારને અપનાવીને જેમ-તેમ જીવન પસાર કરી લીધું. આપણાં મમ્મી-પપ્પા લડતાં-ઝઘડતાં તો હતાં પરંતુ સમાજના ડરે છૂટાછેડા સુધી પહોંચવાનું વિચારતાં નહીં, પણ આજનો સમય જુદો છે. આખી જનરેશન તો હજી બદલાઈ નથી પરંતુ સમય એવો થઈ ગયો છે કે આજકાલ ૨૫ વર્ષનાથી લઈને ૫૦-૭૦ વર્ષના લોકો પણ તલાક લઈ રહ્યા છે. લગ્નનાં ૨૫-૩૦ વર્ષ પછી તલાક લઈ રહેલા લોકો પાસે જે કારણો હોય એના કરતાં લગ્નના એક જ વર્ષમાં તલાક લેવાનું વિચારનારા લોકો પાસે કારણો ઘણાં જુદાં હોય છે. એ વિશે વાત કરતાં ૧૮ વર્ષનો અનુભવ ધરાવનારાં રિલેશનશિપ કાઉન્સેલર નિશા મોદી કહે છે, ‘આજકાલ સંબંધોમાં વિશ્વાસ ખૂબ તૂટી રહ્યા છે. લગ્નેતર સંબંધો વધી રહ્યા છે, સબસ્ટન્સ અબ્યુઝ વધવાને લીધે ફિઝિકલ અને મેન્ટલ ટૉર્ચરના કેસ પણ વધી રહ્યા છે, એકબીજા દ્વારા મળતું જાતીય સુખ સંતોષકારક ન લાગતું હોય જેવાં કારણો ઘણાં ગંભીર કારણોમાં ગણાય; જેને લીધે લગ્નના એક જ વર્ષની અંદર લોકો અલગ થઈ જવા માગતા હોય છે. પતિ કે પત્નીના સંબંધમાં તેમનાં માતા-પિતાના વધુપડતા હસ્તક્ષેપને કારણે પણ લગ્નની શરૂઆતમાં ક્યારેક એટલા મોટા ઝઘડાઓ થઈ જાય છે કે સાથે રહેવું શક્ય બનતું નથી.’
અવાસ્તવિક અપેક્ષાઓ
જોકે આજકાલ કેટલાંક એવાં કારણો પણ છે જે સાંભળીને પાછલી પેઢીઓ તો હસી પડે કે માથું કૂટે કે આવાં કારણો પણ હોય અલગ થવાનાં? એ વિશે વાત કરતાં પોતાનો એક અનુભવ જણાવતાં નેહા મોદી કહે છે, ‘મારી પાસે એક કેસ આવેલો, જેમાં પત્ની એક ટ્રાવેલર હતી. પતિ એટલું ફરતો નહોતો. લગ્ન પહેલાં જ્યારે મળ્યાં ત્યારે એકબીજાને રસપ્રદ લાગ્યાં. પત્નીએ પહેલાં જ કહ્યું હતું કે મને ફરવાનો ખૂબ શોખ છે. એ સમયે પતિને થયું હતું કે કંઈ વાંધો નહીં, હું પણ એ શોખ ડેવલપ કરી લઈશ. પણ થયું એવું કે પતિને ઍન્ગ્ઝાયટીની તકલીફ હતી. ફરતી વખતે તેને કોઈ અજાણ ડર ઘેરી વળતો. એટલે છોકરી જે ઉલ્લાસ સાથે ફરતી એ ઉમળકો તેને તેના પાર્ટનરમાં મળતો નહીં, જેને કારણે પત્ની નિરાશ થતી ચાલી. પત્નીને દરમિયાન તેને પોતાને જેવો જોઈતો હતો એવો ઉલ્લાસથી ધબકતો અને ટ્રાવેલિંગનું પૅશન ધરાવતો માણસ મળ્યો. પતિની તકલીફ સમજવાને બદલે પત્ની એ માણસ તરફ આકર્ષાતી ચાલી. લગ્નેતર સંબંધ બંધાયો અને લગ્નના એક જ વર્ષની અંદર હવે બન્ને છૂટાં પડી જવા માગે છે. સાંભળવામાં અતિ છીછરી લાગતી આ વાતના મૂળમાં છે અવાસ્તવિક અપેક્ષાઓ અને એ પૂરી ન થવાનો ભારોભાર અફસોસ.’
લગ્નના ૨-૪ મહિના પછી
લોકો લગ્નને અને એના પછીના જીવનને પોતાના મનમાં કંઈ જુદું જ ચીતરે છે. ફિલ્મો અને મીડિયાને કારણે લગ્ન પછીનું જીવન દરેકને રોમાંચથી ભરપૂર લાગતું હોય છે. ખરા અર્થમાં એ જવાબદારીઓથી ભરપૂર હોય છે. ઘણાં કપલ્સ પર દેખાદેખીનું ખૂબ પ્રેશર હોય છે. સોશ્યલ મીડિયાએ બધાના જીવનનો ચિતાર એવો ઘડી દીધો છે કે લાગે કે વાહ, આ લોકો તો શું જીવન જીવી રહ્યા છે. હકીકતમાં એવું કશું હોતું નથી. પોતાના અનુભવને આધારે તારવેલી વાત જણાવતાં નેહા મોદી કહે છે, ‘આજે જરૂરી કમ્યુનિકેશન માટે દંપતી પાસે સમય જ નથી જેના લીધે ફરિયાદો મનમાં ગઢ બનાવતી જાય છે અને એક દિવસ એ ડુંગરમાં પ્રેશર એટલું વધે છે કે સીધો દાવાનળ જ ફાટે છે. એ સમયે એવું લાગે છે કે સાથે રહેવું તો જાણે શક્ય જ નથી. થાય છે એવું કે શરૂઆતના ૨-૪ મહિના તો ખૂબ આનંદથી પસાર થઈ જતા હોય છે, પણ રિયલ ઍડ્જસ્ટમેન્ટ એના પછી જ શરૂ થાય છે. વળી લગ્નજીવનનો અનુભવ જેને છે તે જાણે છે કે શરૂઆતમાં તકલીફો આવે, પણ પછી એ ઠીક થઈ જાય એટલે જ્યારે નવાં દંપતીઓ વચ્ચે તકલીફો આવે ત્યારે પરિવારના લોકો અને મિત્રો સમજાવવાની કોશિશો કરે છે. જોકે આજકાલ લોકોના ઈગો પણ ખૂબ વધી ગયા છે કે કોઈ સાંભળવા તૈયાર નથી હોતું. બીજું એ કે આજની તારીખે દરેક વ્યક્તિને લાગે છે કે તે જાણકાર છે, તેને બધી જ ખબર પડે છે એટલે પણ બીજા લોકોની સલાહ કામ લાગતી નથી.’
પણ તલાક શું કામ?
જોકે આવા નાનાસૂના પ્રૉબ્લેમ્સ તો દરેક દંપતીએ અનુભવ્યા જ હોય છે તેમના જીવનમાં. એમાં કોઈ સીધા તલાક સુધી થોડા પહોંચી જાય? આ વાતનો જવાબ આપતાં નેહા મોદી કહે છે, ‘આજની તારીખે એક ઘા ને બે કટકા જેવી માનસિકતા સાથે લોકો જીવે છે. પોતાની સ્વતંત્રતા અને પોતાનાં સપનાંઓનું એટલું મહત્ત્વ છે કે જેવો એના પર નાનકડો શો આઘાત પણ થાય તો તેમને એ ઘણો મોટો લાગે છે. સ્ત્રીઓ પર આવી જતી ઘરની અને બહારની બન્ને જવાબદારીઓ તેઓ હવે નિભાવવા નથી માગતી. પુરુષો પર વધી રહેલી જૉબની ડિમાન્ડ અને લાઇફસ્ટાઇલના ખર્ચાઓમાં તેઓ એટલા અટવાયા છે કે ઘરની જવાબદારી શૅર કરવી જોઈએ એ સમજવા છતાં કરવું તેમના માટે અઘરું થઈ રહ્યું છે. એકબીજા પાસેથી જ નહીં, લગ્ન નામની સંસ્થા પાસેથી જ તેમને ઘણી અપેક્ષાઓ છે જે સમય જતાં બોજ બની જતી હોય છે અને એનાથી છૂટવા તેઓ મથે છે. પડ્યું પાનું નિભાવી લેવું એ ભાવ અત્યારે નથી, જે એક રીતે સારું છે પણ એકબીજાનો તે જેવા છે એવો સ્વીકાર કરવાની હકીકત ખબર હોવા છતાં પ્રૅક્ટિકલી એ કરી બતાવવું લોકો માટે અઘરું પડે ત્યારે તેઓ છૂટાં થઈ જવાનું જ સારું સમજે છે.’
તલાક ક્યારે શક્ય?
પરંતુ લગ્નના એક વર્ષની અંદર આવી નાનીસૂની તકરારો, મનમાં ઘર કરી ગયેલો અસંતોષ કે દરરોજના એકબીજા સાથે થતા ઝઘડાઓ પર અલગ ન થવું જોઈએ; એકબીજાને સમય આપવો જોઈએ; સમજણ કેળવવી જોઈએ. લગ્ન નામની સંસ્થાનું ખરું મહત્ત્વ સમજાય એ માટે એને સમય આપવો જરૂરી છે એ સિદ્ધાંત પર જ કદાચ હિન્દુ મૅરેજ ઍક્ટ ૧૯૫૫ ઘડાયો હશે; જેમાં એ સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે નાનાંસૂનાં કારણોસર, ભલે એ કારણો પર બન્ને લોકો સહમત હોય તેમ છતાં પણ ડિવૉર્સ મળે નહીં. પણ કોઈ તો પરિસ્થિતિ હોય જ જેમાં રાહ ન જોઈ શકાય અને તલાક લેવાની તાતી જરૂર પડે તો શું કરવું? આ માટે શું કાયદામાં કોઈ જોગવાઈ છે ખરી? આ પ્રશ્નનો જવાબ આપતાં ફૅમિલી કોર્ટમાં ડિવૉર્સ અને ડોમેસ્ટિક વાયલન્સના કેસ હૅન્ડલ કરનારા અને બૉમ્બે હાઈ કોર્ટના જાણીતા ઍડ્વોકેટ આદિત્ય પ્રતાપ કહે છે, ‘હિન્દુ મૅરેજ ઍક્ટની કલમ ૧૪માં અમુક પ્રકારના અપવાદોનો પણ સમાવેશ થાય છે જેના અંતર્ગત લગ્નના ૧ વર્ષની અંદર જ તલાક માટે આવેલી કેટલીક અપવાદરૂપ અરજીઓને કોર્ટ સાંભળવા માટેની તૈયારી બતાવે છે. લગ્નના એક વર્ષની અંદર તલાક માટેની અરજી નોંધાવવી હોય તો અરજદારે ‘અસાધારણ કષ્ટ’ કે ‘અપવાદરૂપ અનૈતિકતા’ આ બન્ને કે બન્નેમાંથી એકના માપદંડમાં બંધ બેસતી હોય એવી જ અરજી કરવાની રહે છે. જો અરજીમાં આ બાબતનું ધ્યાન રખાયું હોય તો જ એ અરજીનો સ્વીકાર કરવામાં આવતો હોય છે, નહીંતર તાજેતરના અલાહાબાદ કોર્ટના કેસની જેમ એ અરજી રદ થઈ જાય છે.’
અસાધારણ કષ્ટ
પરંતુ આ ‘અસાધારણ કષ્ટ’ અને ‘અપવાદરૂપ અનૈતિકતા’ એટલે શું? કઈ બાબતો એમાં આવી શકે? એ વિશે વાત કરતાં ઍડ્વોકેટ આદિત્ય પ્રતાપ કહે છે, ‘મદ્રાસ હાઈ કોર્ટમાં મેઘનાથ નાયગર વિરુદ્ધ સુશીલાનો એક કેસ કાનૂન બન્યાના એક વર્ષ પછી ૧૯૫૬ના નવેમ્બરમાં આવેલો. એ સમયે કોર્ટે એક ગાઇડલાઇન આપેલી કે ‘અસાધારણ કષ્ટ’ અને ‘અપવાદરૂપ અનૈતિકતા’માં કયા પ્રકારની બાબતોનો સમાવેશ થાય છે. એમાં પતિનો બીજી સ્ત્રી સાથે લગ્નેતર સંબંધ હોય અને એ સ્ત્રીને કારણે તે પોતાની પત્નીને છોડી દે કે તેના પર કોઈ ક્રૂરતા આચરે તો એ આ કૅટેગરીમાં આવી શકે. આ વાત પત્ની માટે પણ એટલી જ લાગુ પડે છે. એ લગ્નેતર સંબંધને કારણે બાળક પણ જન્મ્યું હોય તો પણ તલાક માટે અરજી કરી શકાય. આમ જો વ્યક્તિ લગ્નેતર સંબંધને કારણે પોતાના પાર્ટનરને ત્યાગી દે કે તેનું સંતાન હોય કે પછી કોઈ પણ પ્રકારની ક્રૂરતા આચરી હોય તો એ ‘અપવાદરૂપ અનૈતિકતા ગણાય છે. આમ લગ્ન પછી ખબર પડે કે પતિનું કોઈ સંતાન હતું કે પત્નીનું કોઈ સંતાન હતું તો એના આધારે તલાકની અરજી થઈ શકે છે. આ સિવાય બન્નેમાંથી એક વ્યક્તિ વિકૃત પ્રકારની વાસના ધરાવતી હોય, વ્યક્તિ દારૂ પીને પોતાના જીવનસાથી પર હુમલો કરે, શારીરિક અને માનસિક રીતે તેને રંજાડે તો લગ્નના એક જ વર્ષની અંદર પણ તલાક માટે અરજી કરી શકાય છે.’
અપવાદરૂપ અનૈતિકતા
મદ્રાસ હાઈ કોર્ટના આ બહુચર્ચિત કેસમાં સુશીલાએ ફરિયાદ કરી હતી કે તેના પતિએ પહેલેથી કોઈ કન્યા સાથે લગ્ન કરી લીધાં છે અને એ બન્નેનો એક દીકરો પણ છે, એની જાણ સુશીલા અને તેમના ઘરના લોકોને લગ્ન પહેલાં કરવામાં આવી નહોતી. લગ્ન પછી જ્યારે તેમને ખબર પડી કે તરત જ તેમણે કેસ કર્યો. અનૈતિકતા અને અપવાદરૂપ અનૈતિકતા બન્ને વચ્ચેનો ભેદ સમજાવતાં આદિત્ય પ્રતાપ કહે છે, ‘ફક્ત લગ્નેતર સંબંધ હોય તો એ અનૈતિકતા છે પણ અપવાદરૂપ અનૈતિકતા નથી. જો સ્ત્રી કે પુરુષ લગ્નેતર સંબંધ ધરાવે છે તો આ પરિસ્થિતિમાં સીધા ડિવૉર્સની અરજી સ્વીકારાતી નથી, પરંતુ લગ્નનાં અમુક જ અઠવાડિયાંમાં પતિ સ્વીકારે કે તેના એક નહીં, ઘણા વધારે લોકો સાથે જાતીય સંબંધો છે કે પછી પત્નીની બહેન જોડે તેના સંબંધ છે કે ઘરની કામવાળી સાથે સંબંધ છે તો કદાચ એને આ કૅટેગરીમાં ગણી પણ શકાય. દરેક કેસની ગંભીરતા કેસ કરનાર વ્યક્તિ પર થયેલી અસર પર આધારિત છે. એ લગ્નને બચાવવા માટે કે સફળ બનાવવા માટે બન્નેના પ્રયત્નો સમજ્યા પછી એ કોશિશોનું શું પરિણામ આવ્યું એ જાણ્યા પછી જ કોર્ટ નક્કી કરે છે કે આવી અરજીઓ લેવી કે નહીં. જો કોર્ટને અપાયેલાં કારણો તેને સંતોષકારક ન લાગે તો અરજીનો સ્વીકાર ન થાય.’
લગ્નેતર સંબંધનું કારણ
જો એક છોકરીને લગ્ન પછીના જ મહિને ખબર પડે કે તેનો પતિ લગ્નેતર સંબંધમાં જોડાયો છે તો શું તેણે તેના પતિ સાથે જ રહેવું પડે? પુરુષ માટે પણ એવી સ્ત્રી સાથે રહેવું કેટલું અઘરું છે જે તેની પત્ની છે પણ તેના સિવાયના પુરુષમાં રસ ધરાવે છે. સ્ત્રી હોય કે પુરુષ, લગ્નેતર સંબંધ કોઈ કેવી રીતે સહી શકે? આ પરિસ્થિતિમાં તો કોઈ પણને લાગે કે આ વ્યક્તિ સાથે જીવન નહીં જીવી શકાય. તો શું લગ્નના એક વર્ષની રાહ જોવાની? આ વિશે સમજાવતાં ઍડ્વોકેટ આદિત્ય પ્રતાપ કહે છે, ‘લગ્નેતર સંબંધ કોઈ પણ પ્રકારના તલાક માટે એક માન્ય કારણ છે, પરંતુ તલાક ક્યારેય એકદમ જ થઈ જતી પ્રોસીજર નથી. ખાસ કરીને લગ્નના એક વર્ષની અંદર આવો કોઈ બનાવ બને અને વ્યક્તિને સાથે ન રહેવું હોય તો લીગલ સેપરેશન માટે તે અરજી કરી શકે છે. લગ્નેતર સંબંધોના ગ્રાઉન્ડ પર બન્ને અલગ રહી શકે છે. એ પછી પતિ-પત્ની બન્નેને કાઉન્સેલિંગ માટે મોકલવામાં આવે છે અને જો પછી પણ તેમને સાથે ન રહેવું હોય તો તલાક મળી શકે. પણ એની એક પ્રોસીજર હોય. ટૂંકમાં તલાકનો કોઈ પણ કેસ હોય એમાં કાઉન્સેલિંગ થાય, કોર્ટ પૂરી કોશિશ કરે કે બન્ને વ્યક્તિઓ તેમના લગ્નજીવનને સફળ બનાવે અને જો એ શક્ય ન જ બને તો તલાક આપવામાં આવે.’
દરેક કેસ જુદો
બૉમ્બે હાઈ કોર્ટમાં ૨૦૦૭માં ડિવૉર્સની એક અરજી આવી. ડૉ. રાજસી વિરુદ્ધ ડૉ. શશાંક દાંડગે. ૨૦૦૬ની ૧૬ ડિસેમ્બરે તેમનાં લગ્ન થયાં હતાં અને ૨૪ એપ્રિલે કોર્ટ સમક્ષ આ અરજી ગઈ. એ વિશે વાત કરતાં ઍડ્વોકેટ આદિત્ય પ્રતાપ કહે છે, ‘આ કેસમાં પતિને તેની પત્ની વારંવાર આત્મહત્યા કરવાની ધમકી આપતી હતી. એ બાબતે કોર્ટે નોંધ્યું હતું કે ચાર જ મહિનામાં આ પ્રકારની તકલીફ સામે આવવી થોડી વિચિત્ર કહી શકાય. પતિએ આ વાતના પુરાવાઓ આપ્યા કે તે કંઈ પણ કહે કે પૂછે તો પત્ની સીધી તેને આત્મહત્યાની ધમકી જ આપતી એટલું જ નહીં, તેણે મરવાની કોશિશ પણ કરેલી. જો ન કરે નારાયણ અને એ સ્ત્રીએ આત્મહત્યા કરી તો પતિ પર ૪૯૮-A અને ૩૦૪-B જેવી કલમો લાગી જાય. વળી આ પ્રકારની ધમકી તેણે એક વાર નહીં, વારંવાર આપી હતી. કોર્ટને સમજાયું કે આ પરિસ્થિતિમાં પતિ સાઇકોલૉજિકલ ટ્રૉમામાંથી પસાર થઈ રહ્યો છે. આ કેસમાં આ કારણને ‘અસાધારણ કષ્ટ’ અને ‘અપવાદરૂપ અનૈતિકતા’ની કૅટેગરીમાં સામેલ કરવામાં આવ્યું હતું. અહીં એ સમજવાનું છે કે દરેક કેસ અને એની ગંભીરતા જુદી હોય છે, જેને સમજીને કોર્ટ નિર્ણય લેતી હોય છે.’

