તમે નાના હતા ત્યારે બાપુજી સાથે અમારે ત્યાં આવતા. આપણા વડીલો વચ્ચે કેવો સ્નેહભાવ હતો!
પ્રતીકાત્મક તસવીર
ઘણી વખત આપણાં જૂનાં સગાંસંબંધીઓ કે મિત્રો ફરિયાદરૂપે કે કટાક્ષમાં કહેતાં હોય છે કે ‘તમે તો અમને સાવ ભૂલી જ ગયા. તમે નાના હતા ત્યારે બાપુજી સાથે અમારે ત્યાં આવતા. આપણા વડીલો વચ્ચે કેવો સ્નેહભાવ હતો!’
વડીલોની એક પેઢી પૂરી થયા પછી બીજી પેઢીના નવી જનરેશનના સભ્યોએ પોતાના વડીલોના જૂના સંબંધો ચાલુ રાખવા કે નહીં એ દરેક પરિવારની ભિન્ન-ભિન્ન વિચારધારાઓ અને સંસ્કાર પર આધાર રાખે છે. જે સ્નેહ, આત્મીયતા અને લાગણી આપણા વડીલો પરસ્પર સ્નેહીજનો-મિત્રો સાથે રાખતા એ કદાચ નવી પેઢીના યુવાનો ન રાખી શકતા હોય. વ્યક્તિએ-વ્યક્તિએ સ્વભાવ, ગમા-અણગમા અલગ હોય છે.
ADVERTISEMENT
પહેલાં વડીલોનું જે કાર્યક્ષેત્ર હતું એમાં તેઓ એકઠા થઈ ગયા હોય અને સંબંધો વિકસ્યા હોય. હવે નવી પેઢીનાં કાર્યક્ષેત્ર, વ્યાપાર, ઉદ્યોગ કે વ્યવસાય જ બદલાઈ ગયાં હોય એને કારણે વારંવાર મળવાનું ન બનતું હોય. તેમની વચ્ચે વાતોનો કે ચર્ચાનો જે સમાન વિષય હોય એ હવે રહ્યો જ ન હોય તેથી જૂના સંબંધોને ઘસારો પહોંચે એ સ્વાભાવિક છે અને એ આપણે સ્વીકારી લેવું જોઈએ. એમાં તેમને આપણા પ્રત્યે અણગમો છે કે પ્રેમનો અભાવ છે એવું ધારી લેવું ભૂલભરેલું છે.
બીજી હકીકત એ પણ છે કે નવી પેઢીના યુવાનોનું પણ પોતાનું આગવું વર્તુળ હોય છે. તેમને પરણાવ્યા હોય તો તેમના સાસરાનાં સગાં-વેવાઈ વગેરે વધ્યાં હોય. નવા કાર્યક્ષેત્રને કારણે નવા વ્યાવસાયિક સંબંધો બંધાયા હોય. આમ નવી પેઢીનું પોતાનું જ એક નવું વર્તુળ હોવાને લીધે તેઓ બધા જ જૂના સંબંધો ન પણ સાચવી શકે. આ રીતે વિચારીએ તો આપણે તેમનાથી ઉપેક્ષિત થયા છીએ એવો વિષાદયોગ આપણને પજવશે નહીં. આપણા જૂના સંબંધો વિશે નવી પેઢીને પૂરી રીતે માહિતગાર કરવી જરૂરી છે.
આપણા અંતરમાં પડેલી જૂના સંબંધોની છબિઓ ભૂલવી મુશ્કેલ હોય છે. ક્યારેક શુભપ્રસંગોએ જૂના સંબંધીઓ-મિત્રોને નિમંત્રણ આપવાનું રહી જતું હોય છે એ વખતે દુ:ખ થાય એ સ્વાભાવિક છે. જોકે એ સમયે હરીન્દ્ર દવેનું વાક્ય યાદ રાખવું કે કોઈનો પણ પ્રેમ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ વધારે હોય છે. સંબંધો ક્યારેય પોતાની મેળે તૂટતા નથી. આપણો અહંકાર, અજ્ઞાન અને ખોટું વલણ સંબંધો તૂટવા માટે જવાબદાર હોય છે.
એક આડ વાત. સુખી કેવી રીતે દેખાવું એ નવી પેઢી પાસેથી શીખાય અને સુખી કેવી રીતે બનવું એ જૂની પેઢી પાસેથી શીખાય.
-હેમંત ઠક્કર

