ભારતની સૌથી લાંબી અને ભારેખમ માલગાડી સાડાત્રણ કિલોમીટર લાંબી છે. એના પહેલાં વાસુકિ, શેષનાગ અને સુપર એનાકૉન્ડા જેવી ભારે માલગાડીઓના રેકૉર્ડ પણ બન્યા છે
સુપર વાસુકિ
૨૦થી ૨૫ લાખ ઘરોમાં વીજળી મળી રહે એટલો કોલસો એકસાથે ઊંચકીને લઈ જઈ શકે એવી ભારતની સૌથી લાંબી અને ભારેખમ માલગાડી સાડાત્રણ કિલોમીટર લાંબી છે. એના પહેલાં વાસુકિ, શેષનાગ અને સુપર એનાકૉન્ડા જેવી ભારે માલગાડીઓના રેકૉર્ડ પણ બન્યા છે પરંતુ સુપર વાસુકિ આ બધામાં સૌથી અલગ જ છે
જ્યારે રેલવેની વાત આવે ત્યારે આમ જનતાનો રસ તહેવારોના સમયમાં કેટલી વધારે ટ્રેનો મુકાઈ કે કેટલા વધારે કોચ મુકાયા કાં તો ટિકિટ કે કૅન્સલેશન ચાર્જમાં કેટલો વધારો-ઘટાડો થયો એ જાણવામાં હોય છે. પરંતુ જ્યારે રેલવે-સ્ટેશન પર પોતાની ટ્રેનની રાહ જોતા હોઈએ ત્યારે જ્યારે માલગાડી આવે ત્યારે બે કે ત્રણ મિનિટ સુધી ચાલતી જોઈએ તો પણ એ વિચાર ન કરીએ કે આ માલગાડી આટલી લાંબી કેમ છે. સુપર વાસુકિ વિશે જાણ્યા પછી હવે રેલવે પ્લૅટફૉર્મ પરથી માલગાડી પસાર થશે એના કેટલા ડબ્બા હતા એ ગણવાની ગેમ રમતા થઈ જશો. ભારતની સૌથી લાંબી સુપર વાસુકિ ફ્રેટ ટ્રેન શું છે એ જાણો.
ADVERTISEMENT
ભારતીય રેલવે વિશ્વનાં સૌથી મોટાં રેલ નેટવર્કમાંનું એક છે અને સમયાંતરે ભારતીય રેલવેએ પોતાનો પાવર, ટેક્નૉલૉજી અને ક્ષમતા દર્શાવતા ઘણા મહત્ત્વના સફળ પ્રયોગો કર્યા છે. એમાં સૌથી નોંધપાત્ર અને તાજેતરનો પ્રયોગ છે સુપર વાસુકિ, જે ભારતની અત્યાર સુધીની સૌથી લાંબી અને સૌથી ભારે માલગાડી તરીકે ઓળખાય છે. આ ટ્રેન માત્ર લંબાઈ કે વજન માટે જ નહીં પરંતુ ભારતના ઊર્જા અને પરિવહન ક્ષેત્રમાં મોટો લૉજિસ્ટિક્સ સિદ્ધાંત બદલવા માટે પણ મહત્ત્વ ધરાવે છે. પરિવહનની ભાષામાં લૉજિસ્ટિક્સ એટલે વ્યક્તિ કે વસ્તુને કોઈ જગ્યાએ કઈ રીતે પહોંચવું અને કેટલો ખર્ચ થાય એ વિશેની માહિતી.
સુપર વાસુકિ શું છે?
સુપર વાસુકિ એક માલગાડી છે જેને ભારતીય રેલવેએ ૨૦૨૨ની ૧૫ ઑગસ્ટના ચલાવી હતી. ભારતના ૭૫માં સ્વતંત્રતા દિન નિમિત્તે, આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે આ ટ્રેને છત્તીસગઢના કોર્બામાંથી નીકળી રાજનંદગાંવ સુધી જઈને લગભગ ૨૬૭ કિલોમીટરનું અંતર ૧૧ કલાક ૨૦ મિનિટમાં કાપ્યું હતું. આ ટ્રેન ૨૯૫ કોચ-વૅગન અને ૬ ઇલેક્ટ્રિક એન્જિનો સાથે ચાલી હતી. ટ્રેનની કુલ લંબાઈ લગભગ ૩.૫ કિલોમીટર હતી એટલે કે એક ટાઇમમાં પાંચ જુદી-જુદી ટ્રેનોને જોડીને એક મેગા ટ્રેન બનાવવામાં આવી હતી. આ ટ્રેન શા માટે ખાસ છે? સામાન્ય માલગાડીમાં ૯૦ કોચ હો, જેમાં દરેક કોચમાં ૧૦૦ ટન વજન હોય છે. સુપર વાસુકિ સામાન્ય માલગાડીથી ત્રણગણી વધારે તાકાતવર છે.
આ ટ્રેનનું એક એન્જિન ૪૦૦ કાર એન્જિનની ક્ષમતા ધરાવે છે
સુપર વાસુકિ લગભગ ૨૭,૦૦૦ ટન કોલસો લઈને ચાલી હતી એટલો કોલસો કે એનાથી ૩૦૦૦ મેગાવૉટ ક્ષમતાવાળા પાવરની જરૂર પડે એવા વિદ્યુત ઉત્પાદનના યુનિટને આખો દિવસ પાવર આપી શકે. સામાન્ય રીતે સમજો તો એકસાથે આશરે ૨૦થી ૨૫ લાખ ઘરોમાં એકસાથે જેટલા પાવરનો ઉપયોગ થાય એટલો પાવર કાં તો ઉનાળા દરમ્યાન ૧૫ લાખ AC એકસાથે ચાલતાં હોય એટલો પાવર થાય. સાદી ભાષામાં એન્જિનને સમજો. ૨૯૫ કોચ ખેંચવા માટે જબરી ક્ષમતા જોઈએ. સુપર વાસુકિમાં ૬ ઇલેક્ટ્રિક એન્જિનો છે જેને WAG 9 કહેવાય છે. દરેક એન્જિનમાં ૬૦૦૦ હૉર્સ પાવર એટલે કે ૪૦૦ કારને જોડીને ખેંચવામાં આવે એટલો પાવર છે. ૬ એન્જિન સાથે મળીને ૩૬,૦૦૦ હજાર હૉર્સ પાવર ધરાવે છે. એટલે હવે નવાઈ ન લાગે કે ૨૭,૦૦૦ ટન કોલસાનું વજન કેવી રીતે ખેંચાય.
વાસુકિ નામને પણ જાણો
સુપર વાસુકિ નામ ભારતીય પૌરાણિક સાહિત્યના પ્રસિદ્ધ સાપ વાસુકિ પરથી રાખવામાં આવ્યું છે. વાસુકિ ભગવાન શિવના નિકટના સાથી માનવામાં આવે છે અને સમુદ્ર મંથન વખતે વિષ્ણુ અને દેવતાઓએ વાસુકિનો જ વાંસ તરીકે ઉપયોગ કર્યો હતો. રેલવેમાં એ શક્તિ, લાંબી ગતિ અને સતત સેવા આપે એવા સિદ્ધાંતોને દર્શાવે છે. પહેલાં પણ રેલવે દ્વારા વાસુકિ (૨૦૨૧), ત્રિશૂલ અને શેષનાગ જેવી લાંબી ટ્રેનો ચલાવવામાં આવી હતી પરંતુ સુપર વાસુકિ એ બધાંમાં સૌથી ભારે અને લાંબી ટ્રેન છે.
અતૂટ લૉજિસ્ટિક્સ સિસ્ટમ તરફ કદમ
સુપર વાસુકિ માત્ર એક પ્રયોગ નહોતો પરંતુ એની પાછળ રેલવેનો હેતુ માલવહનની પ્રક્રિયાને વધારે સ્મૂધ, સક્ષમ બનાવવાનો છે અને સાથે જ પર્યાવરણને બચાવવાનો પણ છે. કોલસામાંથી ઊર્જા પેદા થાય છે અને આખા દેશમાં રેલવે દ્વારા જ એને પહોંચાડવામાં આવે છે. તહેવારોના સમયમાં રેલવે સૌથી વધારે વ્યસ્ત નેટવર્ક હોય છે અને માલની ડિલિવરીમાં મોડું થતું હોય છે ત્યારે આ સમયે પરિવહનને ઝડપી બનાવવાનો પ્રયાસ છે. જ્યારે કોલસાની અછત થાય છે ત્યારે આવી ટ્રેનો ઘણી અગત્યની બની જાય છે. એક જ ટ્રિપમાં ત્રણ ટ્રેનો જેટલો સામાન લઈ જવાથી માનવશક્તિ, ઈંધણ અને ટ્રાફિકનો ખર્ચ ઘટે છે. આ ટ્રેન સાથે રેલવેએ પોતાના ડેડિકેટેડ ફ્રેટ કૉરિડોર (DFC) માટેનો માર્ગ પણ તૈયાર કર્યો છે જ્યાં ખાસ માલગાડીઓ માટે અલગ પાટા બનાવવામાં આવી રહ્યા છે જેથી પૅસેન્જર ટ્રેનો પર ભાર ન આવે અને માલવહન ઝડપથી થાય.
ભારતીય રેલવે માટે આ ટ્રેન શું છે?
સુપર વાસુકિ ક્યારેય પૅસેન્જરોને નથી લઈ જવાની પરંતુ આધુનિક ભારતમાં આવી ટ્રેનનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક વિકસિત રેલવે ટ્રૅકનું સીમાચિહન છે. લોકોમોટિવ પાઇલટ એટલે કે ટ્રેનના મુખ્ય ડ્રાઇવર, અસિસ્ટન્ટ પાઇલટ, ટેક્નિકલ સ્ટાફ, સપોર્ટિંગ સ્ટાફ, ગાર્ડ એમ કુલ મળીને ૧૫ જણ દ્વારા આ ટ્રેન ઑપરેટ થાય છે.

