મંદિરનો પૌરાણિક ઇતિહાસ લોકો જાણી શકે એ હેતુથી ૫.૫૩ કરોડ રૂપિયાના ખર્ચે શોનું નિર્માણ થયું
ભૂપેન્દ્ર પટેલે હાટકેશ્વર મહાદેવ મંદિર પર ધ્વજારોહણ કર્યું હતું.
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તર ગુજરાતમાં આવેલા વતન વડનગરમાં હાટકેશ્વર મંદિરમાં લાઇટ ઍન્ડ સાઉન્ડ શો થશે. મંદિરનો પૌરાણિક ઇતિહાસ શ્રદ્ધાળુઓ જાણી શકે એ હેતુથી ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા ૫.૫૩ કરોડ રૂપિયાના ખર્ચે શોનું નિર્માણ થયું છે જેનું ગઈ કાલે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું હતું.
ભૂપેન્દ્ર પટેલ વડનગરમાં શિવપંચાયત પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા અને હાટકેશ્વર મહાદેવનું પૂજન કરીને દર્શન કર્યાં હતાં. ત્રિદિવસીય મહોત્સવમાં તેમણે લાઇટ ઍન્ડ સાઉન્ડ શો ઉપરાંત સુવર્ણ શિખર, ધ્વજારોહણ તથા નવી નિર્માણ થયેલી યજ્ઞશાળાનાં લોકાર્પણ કર્યાં હતાં.
ADVERTISEMENT
હાટકેશ્વર મહાદેવ મંદિરના પુરાતન ઇતિહાસનો નાગરખંડ તથા સ્કંદ પુરાણમાં પણ ઉલ્લેખ
હાટકેશ્વર મહાદેવ મંદિરના પુરાતન ઇતિહાસનો નાગરખંડ તથા સ્કંદ પુરાણમાં પણ ઉલ્લેખ છે. નાગર જ્ઞાતિના કુળદેવતા તરીકે જાણીતા હાટકેશ્વર મહાદેવનું આ મંદિર વિશ્વભરમાં આસ્થા માટે આગવું સ્થાન ધરાવે છે. આ પુરાતન મંદિરની શિલ્પકળા વૈભવમય છે જેમાં વિશાળ મંડપ, શિલ્પો દ્વારા દર્શાવાયેલા વિષ્ણુના દશાવતાર તથા પાંડવોના અરણ્યવાસથી સંકળાયેલાં શિલ્પો દર્શનાર્થીઓનું ધ્યાન ખેંચે છે. દેશ-વિદેશથી નાગર સમુદાય સહિત હજારો ભક્તો દર વર્ષે હાટકેશ્વર મહાદેવનાં દર્શનાર્થે આવે છે. મંદિરના આવા પૌરાણિક અને ગૌરવમય વારસાને વધુ ઊંડાણપૂર્વક સમજાવવા માટે લાઇટ ઍન્ડ સાઉન્ડ શોનું આયોજન કરાયું છે.

