સસરાએ પોલીસ કન્ટ્રોલરૂમમાં ફોન કરીને રેઇડ પડાવી, ડુમસની હોટેલમાંથી કુલ છ યુવકો-યુવતીઓને પોલીસે રવિવારે ઝડપી લીધાં
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)
સુરતમાં રવિવારે પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને એક સસરાએ પોલીસને કહ્યું હતું કે મારી પુત્રવધૂ હોટેલમાં બેસીને મિત્રો સાથે પાર્ટી કરી રહી છે. આવી ફરિયાદ કરીને ડુમસની હોટેલમાં દારૂની પાર્ટી કરતી વહુને સસરાએ પોલીસમાં ફોન કરીને રેઇડ કરાવીને પકડાવી દીધી હતી. પોલીસે હોટેલની રૂમમાંથી યુવાન વહુની સાથે બીજી યુવતી સહિત કુલ છ યુવકો-યુવતીઓને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કિરણકુમાર હરગોવન પટેલે પોલીસને ફોન કરીને તેમના દીકરાની પત્ની તેના મિત્રો સાથે એક હોટેલમાં દારૂની પાર્ટી કરી રહી છે એવી ફરિયાદ કરી હતી. ડુમસ પોલીસે હોટેલની રૂમમાં રેઇડ કરતાં ચાર પુરુષ અને બે મહિલા ફ્લોર પર કૂંડાળું વાળીને દારૂની મહેફિલ કરતાં મળી આવ્યાં હતાં. આ બધાની પાસે પરિમટ પણ નહોતી. પોલીસને રૂમમાંથી વિદેશી દારૂની એક બૉટલ પણ મળી આવી હતી.

