જપાનની મુલાકાત દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જપાનના વડા પ્રધાન શિગેરુ ઇશિબા ગઈ કાલે ભારત-જપાન વાર્ષિક શિખર સંમેલનમાં સહભાગી થયા હતા. બન્ને રાજનેતાઓએ બેઠક પણ કરી હતી અને અનેક સમજૂતી-કરારો પણ કર્યા હતાz
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૯ અને ૩૦ ઑગસ્ટ બે દિવસ માટે જપાનના પ્રવાસે છે. ગઈ કાલે ટોક્યોમાં તેમનું ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં જપાનના લોકોએ ગાયત્રી મંત્ર અને અન્ય વેદમંત્રોનું ગાન કરીને વડા પ્રધાનને આવકાર્યા હતા. નરેન્દ્ર મોદીએ પણ તેમની સાથે ગાયત્રી મંત્રનો પાઠ કર્યો હતો. ટોક્યોમાં વડા પ્રધાનને ગાર્ડ ઑફ ઑનર પણ આપવામાં આવ્યું હતું. ત્યાં તેઓ ભારતીય સમુદાયના લોકોને મળ્યા હતા અને ત્યાંના બિઝનેસ લીડર્સ સાથે પણ તેમણે મુલાકાત કરી હતી.
નરેન્દ્ર મોદી સામે જપાની કલાકારોએ ભારતનાટ્યમની પણ રજૂઆત કરી હતી અને જપાનની જ અન્ય મહિલાઓએ વડા પ્રધાનને ‘વારી જાવોં રે’ રાજસ્થાની ભજન ગાઈને સંભળાવ્યું હતું.
ADVERTISEMENT
જપાનની મહિલાઓએ નરેન્દ્ર મોદી સામે ગાયત્રી મંત્ર અને વેદમંત્રોનો પાઠ કરીને તેમનું જપાનમાં સ્વાગત કર્યું હતું. જપાની કલાકારોએ ભરતનાટ્યમ્ તથા રાજસ્થાનના ભજનની પ્રસ્તુતિ કરીને વડા પ્રધાનને આવકાર્યા હતા.
પંદરમા ભારત-જપાન વાર્ષિક શિખર સંમેલનમાં નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં ભારત અને જપાનના સંબંધોને વધુ મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે એવું પણ જાહેર કર્યું હતું કે ઇસરોનો ચન્દ્રયાન-5 પ્રોજેક્ટ જપાન સાથે પાર્ટનરશિપમાં લૉન્ચ કરવામાં આવશે. વડા પ્રધાને જપાનના વડા પ્રધાન શિગેરુ ઇશિબા ઉપરાંત ત્યાંની સંસદના સ્પીકર, અન્ય સંસદસભ્યો અને ભૂતપૂર્વ વડા પ્રધાન સહિત અનેક રાજનેતાઓની મુલાકાત લીધી હતી.
જપાનના વડા પ્રધાને ૬ વર્ષ પહેલાં તેઓ વારાણસી આવ્યા હતા એ મુલાકાતને યાદ કરીને ભારતીય સંસ્કૃતિની સરાહના કરી હતી.
ભારત-જપાન મજબૂત ભાગીદારી : બે વર્ષમાં આશરે સવા લાખ કરોડ રૂપિયાનું રોકાણ
જપાનના વડા પ્રધાન શિગેરુ ઇશિબાના આમંત્રણ પર પંદરમી ભારત-જપાન વાર્ષિક સમિટમાં હાજરી આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જપાનની બે દિવસની મુલાકાતે છે ત્યારે બન્ને દેશો વચ્ચેની ભાગીદારી ઝડપી આર્થિક અને વ્યૂહાત્મક જોડાણના નવા તબક્કામાં પ્રવેશી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જપાનના વડા પ્રધાન શિગેરુ ઇશિબા સાથે એક સીમાચિહનરૂપ કરારની જાહેરાત કરી છે, જેમાં આગામી ૧૦ વર્ષમાં ભારતમાં જપાની રોકાણ માટે ૧૦ ટ્રિલ્યન યેન (૬૮ બિલ્યન ડૉલર એટલે કે આશરે ૫,૯૯,૮૭૨ કરોડ રૂપિયા)નો નવો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ મહત્ત્વાકાંક્ષી ધ્યેય અગાઉના રોકાણના સ્કેલને બમણું કરવાનું છે. મોદીએ જપાની કંપનીઓને ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફૉર ધ વર્લ્ડ’ના સૂત્રને સ્વીકારવા વિનંતી કરી છે, જેમાં ભારતની ઉત્પાદન અને નિકાસ-ક્ષમતાઓને વધારવામાં મદદ કરવા માટે અત્યાધુનિક ઉદ્યોગોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ મુલાકાતમાં ભારત અને જપાન વચ્ચે જૉઇન્ટ વિઝનથી લઈને ડિજિટલ પાર્ટનરશિપ, ખનિજ સંસાધન, મિશન ચંદ્રયાન-5, ક્લીન હાઇડ્રોજન અને પર્યાવરણ સહિત વિવિધ ક્ષેત્રોમાં ૧૩ જેટલા સમજૂતીકરાર થયા હતા.
બન્ને દેશો વચ્ચે છેલ્લાં બે વર્ષમાં ૧૭૦થી વધુ મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટૅન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જે વિવિધ ક્ષેત્રોમાં ૧૩ બિલ્યન ડૉલરથી વધુ રોકાણોને દર્શાવે છે. ગુજરાતમાં સ્ટીલ પ્લાન્ટથી લઈને ગ્રામીણ ભારતમાં બાયોગૅસ પ્રોજેક્ટ્સ સુધી, આસામથી લઈને ટોક્યોના અદ્યતન સંશોધન અને વિકાસકેન્દ્રો સુધી અને સેમી-કન્ડક્ટર ફૅબ્સથી લઈને શૈક્ષણિક વિનિમય સુધી ભારત અને જપાન સહકારનો એક વ્યાપક સેતુ બનાવી રહ્યા છે.
નિપ્પોન સ્ટીલ (AM/NS ઇન્ડિયા) ૧૫ અબજ રૂપિયાના રોકાણ સાથે ગુજરાતમાં કામગીરી વધારી રહી છે.
સુઝુકી મોટરે ગુજરાતમાં નવા પ્લાન્ટ માટે ૩૫૦ અબજ રૂપિયાના રોકાણ અને ઉત્પાદન લાઇનને વિસ્તૃત કરવા માટે વધારાના ૩૨ અબજ રૂપિયાના રોકાણની જાહેરાત કરી છે.
જપાનમાં મોદીએ શું કહ્યું?
દરેક ક્ષેત્રમાં ભારત અને જપાનની ભાગીદારી વિશ્વાસનું પ્રતીક છે.
ભારત રોકાણકારો માટે સૌથી પ્રોમિસિંગ ડેસ્ટિનેશન. ભારતમાં રોકેલી મૂડી માત્ર વધતી નથી, અનેકગણી થઈ જાય છે.
આજે ભારતમાં સ્થિરતા છે. ભારત દુનિયાની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે અને થોડા જ સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે.
ડિફેન્સ અને સ્પેસ સેક્ટર પછી હવે અમે પરમાણુ ઊર્જા ક્ષેત્રને પણ ખાનગી કંપનીઓ માટે ખોલવા જઈ રહ્યા છીએ. દુનિયાની નજર પણ ભારત પર છે અને ભરોસો પણ ભારત પર છે.
જપાનની ટેક્નિક અને ભારતની ટૅલન્ટ મળીને આ સદીમાં ટેક રેવલ્યુશનનું નેતૃત્વ કરી શકે છે.
વૈશ્વિક શાંતિ માટે ભારત અને જપાન વચ્ચે સહયોગ ખૂબ જરૂરી છે.

