આ આરોપી એક રીઢો ગુનેગાર હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. તેની સામે અગાઉ પણ થાણે અને મુંબઈમાં છેતરપિંડીના કેસ નોંધાયેલા છે.
પ્રતીકાત્મક તસવીર
મીરા રોડના એક જ્વેલર સાથે ૨૭.૫ લાખ રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપસર થાણેમાંથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આપેલી માહિતી પ્રમાણે આરોપી ભાઈંદરનો રહેવાસી છે. આ વર્ષના જુલાઈ મહિનામાં આરોપીએ રિયલ એસ્ટેટ માટેની એક ઑનલાઇન વેબસાઇટના માધ્યમથી ૫૭ વર્ષના આ જ્વેલરને ફ્રેન્ડ બનાવ્યો હતો. એટલું જ નહીં, એક ફ્લૅટ ખરીદવા માટે ૬૬ લાખ રૂપિયાનો ઍડ્વાન્સ ચેક આપીને તેમનો વિશ્વાસ પણ કેળવ્યો હતો. એ પછી આરોપીએ કોઈ પેમેન્ટ વગર તેમની પાસેથી ૨૭.૫ લાખ રૂપિયાના સોનાના દાગીના ખરીદ્યા હતા. એ પછી મિલકતના સોદા માટે ઇશ્યુ કરેલા ચેકનું આરોપીએ સ્ટૉપ-પેમેન્ટ કરાવી દીધું હતું. આ બનાવ પછી જ્વેલરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ધરપકડથી બચવા માટે આરોપી વારંવાર દિલ્હી, નોએડા અને મુંબઈમાં ફરતો રહ્યો હતો; પણ આખરે થાણેની એક હોટેલમાંથી પોલીસે તેને શોધી કાઢ્યો હતો. આ આરોપી એક રીઢો ગુનેગાર હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. તેની સામે અગાઉ પણ થાણે અને મુંબઈમાં છેતરપિંડીના કેસ નોંધાયેલા છે.


