BJPના મુંબઈના પ્રેસિડન્ટ અમીત સાટમને એવું લાગે છે : મુંબઈની ૧.૪ કરોડની વસ્તીમાં મરાઠીઓની સંખ્યા ૩૫ ટકા કરતાં ઓછી છે અને ઉત્તર ભારતીયો, ગુજરાતીઓ, રાજસ્થાનીઓ મળીને સંખ્યા ઑલમોસ્ટ અડધી છે એનો ફાયદો થવાનો વિશ્વાસ
BJPના મુંબઈના પ્રેસિડન્ટ અમીત સાટમ
બિહારનાં પરિણામની અસર બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણી પર જોવા મળશે અને બિહારની ચૂંટણી તો ટ્રેલર છે, ખરું પિક્ચર તો BMC છે એમ ગઈ કાલે બિહારની ચૂંટણીમાં નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA)ને મળેલી જીત બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)ના મુંબઈના પ્રેસિડન્ટ અમીત સાટમે કહ્યું હતું.
અંદાજે ૧.૪ કરોડની વસ્તી ધરાવતા મુંબઈમાં અને થાણે, મીરા-ભાઈંદર, કલ્યાણ-ડોમ્બિવલીમાં ઉત્તર ભારતીય મતદારોની સંખ્યા બહોળી છે એથી BJPનું માનવું છે કે બિહારનાં પરિણામની અસર BMCની ચૂંટણીમાં પણ જોવા મળશે. બિહારીઓ અને ઉત્તર ભારતીયોની વસ્તીને ધ્યાનમાં રાખીને દિવાળી બાદ આવતા અને તેમના દ્વારા ઊજવાતા તેમના છઠપૂજાના પર્વને લઈને મોટા ભાગના પક્ષોએ તેમને શુભેચ્છા આપતાં મોટાં-મોટાં બૅનર્સ તેમના વિસ્તારમાં લગાડ્યાં હતાં.
ADVERTISEMENT
ઠાકરેબંધુઓ મરાઠીને પ્રમોટ કરે છે અને મરાઠી ભાષા ન બોલનારાઓને ટાર્ગેટ કરે છે. હવે જ્યારે BMCની ચૂંટણીમાં ઠાકરેબંધુઓ સાથે મળીને ચૂંટણી લડે એવી શક્યતા જોવાઈ રહી છે ત્યારે એ જોતાં BMCની આ ચૂંટણી મરાઠી-બિનમરાઠી વચ્ચેની વધુ બની રહેશે એવું હાલનું ડેવલપમેન્ટ જોતાં લાગી રહ્યું છે.
એક કાચો અડસટ્ટો મુકાય તો મરાઠી બોલનારા લોકોની સંખ્યા હવે મુંબઈમાં ૩૫ ટકા જેટલી રહી છે; જ્યારે ગુજરાતીઓ, રાજસ્થાનીઓ અને ઉત્તર ભારતીયોની ગણતરી કરવામાં આવે તો તેમની સંખ્યા કુલ વસ્તી ૧.૪ કરોડની અડધોઅડધ હોવાનું જણાયું છે.


