નૅશનલ એજ્યુકેશન પૉલિસીનો સ્વીકાર ઉદ્ધવ ઠાકરેની સરકારે કર્યો હતો, એના અમલ માટે તેમણે બનાવેલી સમિતિની ભલામણના આધારે જ અમે ચાલી રહ્યા હતા
ગઈ કાલે વિધાનસભાના મૉન્સૂન સેશનની પૂર્વસંધ્યાએ યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સમાં એક પેપર-કટિંગ દેખાડતા દેવેન્દ્ર ફડણવીસ, જેમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે નૅશનલ એજ્યુકેશન પૉલિસીનો જલદી જ અમલ થશે. તસવીર : આશિષ રાજે
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ત્રિભાષાના મુદ્દે અગાઉનાં બન્ને ગવર્નમેન્ટ રેઝોલ્યુશન કૅન્સલ કરીને નવી સમિતિ જાહેર કરી
હિન્દીવિરોધનો મોરચો હવે રદ, પણ પાંચ જુલાઈએ વિજયોત્સવ ઊજવીશું એમ જણાવતાં ઉદ્ધવ ઠાકરે કહે છે કે મરાઠી માણસો એકત્ર ન આવે એ માટે રાજ્ય સરકારે એનો નિર્ણય પાછો ખેંચ્યો
ADVERTISEMENT
સરકાર ડરી ગઈ હોય તો આવો ડર હોવો જ જોઈએ એમ જણાવીને રાજ ઠાકરેએ કહ્યું કે હવે કોઈ નવી સમિતિનો નિર્ણય ગાંઠવામાં નહીં આવે
આમ જણાવીને દેવેન્દ્ર ફડણવીસે અગાઉનાં GR રદ કર્યાં અને નવી સમિતિ જાહેર કરીને કહ્યું કે એ જે નિર્ણય આપશે એના આધારે નિર્ણય લેવાશે
મહાયુતિ સરકાર પહેલા ધોરણથી ત્રીજી ભાષા તરીકે હિન્દી ફરજિયાત કરવા માગે છે એવો આક્ષેપ કરીને વિરોધપક્ષોએ હોબાળો મચાવતાં ગઈ કાલે વિધાનસભાના મૉન્સૂન સેશનની પૂર્વસંધ્યાએ ૧૬ એપ્રિલે અને ૧૭ જૂને કાઢવામાં આવેલાં ગવર્નમેન્ટ રેઝોલ્યુશન (GR) સરકારે રદ કરી દીધાં હતાં. ૧૬ એપ્રિલના GRમાં ત્રીજી ભાષા તરીકે હિન્દી ફરજિયાત કરવામાં આવી હતી અને પછી ૧૭ જૂને ૧૬ એપ્રિલના GRમાં સુધારો કરીને હિન્દીની જગ્યાએ કોઈ પણ ભારતીય ભાષા ફરજિયાત લેવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ જાહેરાત કરી હતી. સાથે જ તેમણે કહ્યું હતું કે ‘મરાઠી ભાષાના એક્સપર્ટ ડૉ. નરેન્દ્ર જાધવના વડપણ હેઠળ એક કમિટી બનાવવામાં આવશે જે ત્રીજી ભાષાના મુદ્દે એ કયા ધોરણથી લાગુ કરવી, કઈ ભાષા લાગુ કરવી, કેવી રીતે કરવી, વિકલ્પ શું આપવા, એ બધી જ બાબતોનો અભ્યાસ કરીને રિપોર્ટ આપશે અને એ પછી એ રિપોર્ટના આધારે નિર્ણય લેવામાં આવશે. અમારે આ બાબતે કોઈ રાજકારણ કરવું નથી.’
ગઈ કાલે BMCના હેડક્વૉર્ટરની સામે થ્રી-લૅન્ગ્વેજ પૉલિસીના જાહેરનામાની હોળી કરતા ઉદ્ધવ ઠાકરે, સંજય રાઉત અને તેમના પક્ષના અન્ય કાર્યકરો. તસવીરો : આશિષ રાજે
આ મુદ્દે માહિતી આપતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પત્રકારોને સંબોધતાં કહ્યું હતું કે ‘નૅશનલ એજ્યુકેશન પૉલિસીનો સૌથી પહેલાં કર્ણાટક, એ પછી મધ્ય પ્રદેશ, પછી તેલગંણ અને ઉત્તર પ્રદેશે સ્વીકાર કર્યો હતો. જ્યારે રાજ્યમાં મહા વિકાસ આઘાડીની સરકાર હતી ત્યારે ૨૦૨૦ની ૨૧ સપ્ટેમ્બરે ત્યારના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના વડપણ હેઠળની સરકારે એ પૉલિસી કઈ રીતે લાગુ કરવી એ જાણવા ડૉ. રઘુનાથ માશેલકરના વડપણ હેઠળ ૧૮ જણની કમિટી બનાવી હતી. એની એક પેટાકમિટી બનાવવામાં આવી હતી જેના વડા શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ના ઉપનેતા વિજય કદમ હતા. આ પેટાકમિટીએ અહેવાલ આપ્યો હતો કે મરાઠી તો ફરજિયાત છે જ, પણ પહેલા ધોરણથી બારમા ધોરણ સુધી ઇંગ્લિશ ફરજિયાત કરો, પણ સાથે હિન્દી પણ ફરજિયાત કરો; જો જરૂર જણાય તો કૉલેજમાં પણ હિન્દી ફરજિયાત કરો. આ અહેવાલ મંત્રીમંડળમાં સબમિટ પણ કરાયો, એ સ્વીકારવામાં આવ્યો અને ત્યાર બાદ એનું અમલીકરણ કઈ રીતે કરવું એની કમિટી બનાવાઈ. તેમની બનાવેલી એ કમિટીએ એના પર કામ કરી અમારી સરકારને જે અહેવાલ આપ્યો એના આધારે જ અમે નિર્ણય લઈને એ GR બહાર પાડ્યા હતા.’
૨૦૨૧ની ૧૪ સપ્ટેમ્બરે તત્કાલીન મુખ્ય પ્રધાન ઉદ્વવ ઠાકરેએ નૅશનલ એજ્યુકેશન પૉલિસી ૨૦૨૦નો ડૉ. રઘુનાથ માશેલકરના વડપણ હેઠળની સમિતિનો અહેવાલ સ્વીકારીને કહ્યું હતું કે એમાંનાં સૂચનો અને ભલામણોનો જલદી અમલ કરવામાં આવશે. ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં દેવેન્દ્ર ફડણવીસે ઉદ્વવ ઠાકરેના એ ટ્વીટનો પ્રિન્ટઆઉટ દેખાડ્યો હતો.
તસવીરો : આશિષ રાજે
ત્રીજી ભાષા કઈ રીતે મહત્ત્વની એ સમજાવ્યું દેવેન્દ્ર ફડણવીસે
રાજ્યની શૈક્ષણિક વ્યવસ્થામાં ઍકૅડેમિક બૅન્ક ઑફ ક્રેડિટની સિસ્ટમ અમલમાં છે. ત્રીજી ભાષાના માર્ક્સની આ ઍકૅડેમિક બૅન્ક ઑફ ક્રેડિટમાં ગણતરી થતી હોય છે જે નેક્સ્ટ યરના ઍડ્મિશન વખતે પણ ગણતરીમાં લેવાય છે અને એનો ફાયદો સ્ટુડન્ટ્સને થતો હોય છે. ઇંગ્લિશ મીડિયમ કે અન્ય ભાષાના સ્ટુડન્ટ્સ પહેલી ભાષા ઇંગ્લિશ, બીજી મરાઠી ફરજિયાત અને ત્રીજી ભાષા હિન્દી લઈ સારો સ્કોર કરી લેશે અને એની ગણતરી ઍકૅડેમિક બૅન્ક ઑફ ક્રેડિટમાં પણ થશે. જો મરાઠી સ્ટુડન્ટ એ ત્રીજી ભાષા નહીં લે તો નેક્સ્ટ યર તે મરાઠી સ્ટુડન્ટ અન્ય કરતાં પાછળ રહી જશે, તેનું નુકસાન થશે. મરાઠી અને મરાઠી વિદ્યાર્થીઓનું નુકસાન ન થાય એ માટે અમે ગંભીર છીએ એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું.
ગઈ કાલે BMCના હેડક્વૉર્ટરની સામે થ્રી-લૅન્ગ્વેજ પૉલિસીને લગતા રાજ્ય સરકારના જાહેરનામાની હોળી કરવા પહોંચેલા ઉદ્વવ ઠાકરે.
મરાઠી જનતાએ કરેલા સતત વિરોધને કારણે હિન્દી લાદવાનો નિર્ણય અટક્યો : રાજ ઠાકરે
પહેલા ધોરણથી ત્રણ ભાષા શીખવવાના નામે હિન્દી ભાષા લાદવાનો નિર્ણય પાછો લેવાયો. સરકારે એ સંદર્ભના બે GR રદ કર્યા. આને મોડેથી સૂઝેલું ડહાપણ ન કહી શકાય, કારણ કે સરકારે આ સખ્તી ફક્ત ને ફક્ત મરાઠી જનતાએ સતત વિરોધ દર્શાવવાને કારણે પાછી ખેંચી. હિન્દી ભાષા માટે સરકાર કેમ આટલો આગ્રહ કરતી હતી? સરકાર પર ચોક્કસ ક્યાંથી દબાણ હતું એ તો રહસ્ય હજી પણ છે જ, પણ મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓએ હિન્દી શીખવી જ જોઈએ એટલે ત્રણ ભાષા લાદવાનો જે પ્રયત્ન હતો એ તોડી પડાયો છે અને એ માટે મહારાષ્ટ્રની તમામ જનતાને અભિનંદન. હિન્દીના વિરોધમાં જો મોરચો નીકળ્યો હોત તો એટલો વિશાળ નીકળ્યો હોત કે સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળના કાળની યાદ આવી ગઈ હોત. કદાચ આ એકતાથી ડરીને સરકારે આ નિર્ણય લીધો છે; પણ વાંધો નહીં; આ ડર હોવો જોઈએ.
હજી એક વાત, સરકારે ફરી એક નવી સમિતિ નીમી છે. હું સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે સમિતિનો અહેવાલ આવે કે ન આવે, પણ આવા પ્રકાર ચલાવી નહીં લેવાય, નહીં જ ચલાવાય. આ બાબત સરકારે કાયમ માટે યાદ રાખી લેવી પડશે. આ નિર્ણય કાયમ માટે રદ થયો એવું અમે ધારી લઈએ છીએ અને મહારાષ્ટ્રની જનતા પણ એમ જ માની રહી છે. એથી ફરી સમિતિના અહેવાલનું નામ લેતા નહીં, અન્યથા સમિતિને મહારાષ્ટ્રમાં કામ જ કરવા નહીં દેવાય એની સરકારે નોંધ લેવી.
હવે પાંચમી જુલાઈએ વિજયરૅલી : ઉદ્ધવ ઠાકરે
પ્રાઇમરીથી જ હિન્દી ભાષાને ત્રીજી ભાષા તરીકે ફરજિયાત કરવાના રાજ્ય સરકારના નિર્ણયના વિરોધમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે બન્ને પાંચમી જુલાઈએ સાથે મોરચો કાઢવાના હતા, જે હાલ શિવસેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની યુતિ થવાની સંભાવનાઓની શક્યતા ઉજાગર કરતું હતું. હવે સરકારે એ નિર્ણય પાછો ખેંચ્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ‘મરાઠી માણસ એકત્રિતપણે સાથે ન આવે એ માટે રાજ્ય સરકારે એ નિર્ણય પાછો ખેંચ્યો છે. હવે પાંચમી જુલાઈએ અમે વિજય મોરચો અથવા વિજયસભા ભરીશું. સરકાર તરફથી ખોટી માહિતી આપવામાં આવી રહી છે. BJP અફવાની ફૅક્ટરી છે. મરાઠી અને બિનમરાઠી બધા સુખેથી સાથે હળીમળીને રહેતા હતા. એમાં જાણીજોઈને આ કમ્પલ્સરી હિન્દીનો મીઠાનો ગાંગડો નાખી રહ્યા હતા. હવે તેમનો એ પ્રયાસ ફેલ ગયો અને એથી હવે મરાઠી માણૂસ એકસાથે ભેગા ન થાય એ માટે આ બીજો દાવ નાખ્યો છે.’
ઠાકરે જ બ્રૅન્ડ : સોશ્યલ મીડિયા પર રાઉતની પોસ્ટ
હિન્દી કમ્પલ્સરી કરવાનો સરકારી આદેશ રદ થયો એ મરાઠી એકતાનો વિજય. ઠાકરે સાથે આવશે એનો ડર. પાંચમી જુલાઈએ એકિત્રત મોરચો હવે નહીં નીકળે, પણ ઠાકરે જ બ્રૅન્ડ (ફડણવીસ યાંની ઘેતલેલા નિર્ણય છાન).

