IPLની મૅચ સ્ટેડિયમમાં જોવા માટે ઑનલાઇન ટિકિટ ખરીદતાં પહેલાં સાવધાન
તસવીર સૌજન્ય : મિડ-ડે
અત્યારે ઇન્ડિયન પ્રીમીયર લીગ (IPL) ચાલી રહી છે ત્યારે ક્રિકેટના અસંખ્ય ચાહકો સ્ટેડિયમમાં જઈને મૅચ જોવા ઉત્સુક હોય છે, પણ મોટા ભાગની ટિકિટો વેચાઈ ગઈ હોવાથી સ્ટેડિયમમાં જઈને મૅચ જોઈ નથી શકતા. જોકે કેટલાક લોકો ઑનલાઇન ટિકિટ ખરીદીને સ્ટેડિયમમાં જવા માટેનો પ્રયાસ કરે છે ત્યારે તેઓ છેતરપિંડીનો ભોગ બને છે. મીરા રોડમાં રહેતા ગુજરાતી કપલે ગઈ કાલે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) વચ્ચે રમવામાં આવેલી મૅચ જોવા માટે વાનખેડે સ્ટેડિયમની ત્રણ ટિકિટ ઑનલાઇન બુક કરાવી હતી, પરંતુ પેમેન્ટ થઈ ગયા બાદ આ કપલને ટિકિટ નહોતી મળી અને રીફન્ડ પણ નહોતું આપવામાં આવ્યું. આથી આ કપલે કાશીમીરા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મીરા રોડમાં રહેતા મનોજ પટેલે (નામ બદલ્યું છે) ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું પત્ની અને પુત્ર સાથે વાનખેડે સ્ટેડિયમાં MI અને RCB વચ્ચેની મૅચ જોવા માગતો હતો. આથી ટિકિટ બુક કરવા માટે bookmyshowમાં તપાસ કરી હતી, પણ બધી ટિકિટ વેચાઈ ગઈ હોવાનું જણાયું હતું. આથી ઑનલાઇન બીજે ક્યાંકથી ટિકિટ બુક થાય છે કે કેમ એ ચેક કરતો હતો ત્યારે ફેસબુકમાં IPL મૅચની ટિકિટ મેળવવા માટેની એક લિન્ક જોઈ હતી. આ લિન્કમાં ટિકિટ બુક કરાવવા માટેના મોબાઇલ નંબર આપવામાં આવ્યા હતા. મોબાઇલ નંબર પર ફોન કરીને વાનખેડે સ્ટેડિયમમાં મૅચની ટિકિટ ખરીદવા માટે ઇન્ક્વાયરી કરી હતી ત્યારે મને પાંચ હજાર રૂપિયામાં ટિકિટ મળી જશે એમ કહેવામાં આવ્યું હતું. ત્રણ ટિકિટ બુક કરવા માટે પેમેન્ટ કર્યું હતું ત્યારે મને એક-બે દિવસમાં ટિકિટ ઘરે પહોંચી જશે એવું કહેવામાં આવ્યું હતું. રવિવાર સુધી ટિકિટ ન મળતાં મેં ટિકિટ બુક કરાવી હતી એ નંબર પર ફોન કર્યો હતો ત્યારે મને ટિકિટ ડિલિવરી કરનારાનો નંબર આપવામાં આવ્યો હતો. એ નંબર પર મેં ટિકિટ વિશે પૂછપરછ કરી ત્યારે ટિકિટ મેળવવા માટે વધુ ૬૦૦૦ રૂપિયાનું પેમેન્ટ કરવાનું કહેવામાં આવ્યું હતું. પેમેન્ટ કરશો તો જ ટિકિટ મળશે એવો આગ્રહ વારંવાર કરવામાં આવતાં દાળમાં કંઈ કાળું હોવાની શંકા ગઈ હતી. ત્યાર બાદ અમે ટિકિટ ન જોઈતી હોવાનું કહીને રીફન્ડ માગ્યું હતું, પણ કોઈ જવાબ ન મળતાં સાઇબર સેલમાં ઑનલાઇન ફરિયાદ કરી હતી. મોબાઇલ નંબર મુંબઈનો હતો, પણ વાત કરનારો પાકિસ્તાન કે બીજા કોઈ દેશનો હોય એવું તેની વાત પરથી લાગ્યું હતું. અમે તો છેતરાયા છીએ, પણ કોઈએ ઑનલાઇનથી કંઈ ખરીદતાં પહેલાં ખાતરી કરવી જોઈએ જેથી તેઓ છેતરપિંડીથી બચી જાય.’

