આશીર્વાદ લેવા આવેલા જસ્ટિસ કે. કે. તાતેડને જૈનાચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજસાહેબે ભરસભામાં કહ્યું...
જૈનાચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજસાહેબ, રિટાયર્ડ જસ્ટિસ કે. કે. તાતેડ
ગઈ કાલે સવારે જુહુ જૈન સંઘમાં બિરાજમાન પદમભૂષણ જૈનાચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજસાહેબના આશીર્વાદ લેવા ગયેલા રિટાયર્ડ જસ્ટિસ કે. કે. તાતેડને ભરીસભામાં જૈનાચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજસાહેબે કહ્યું હતું કે ‘તમારી પાસે જીવદયાપ્રેમીઓ બહુ મોટી ઉમ્મીદ રાખી રહ્યા છે. જે કબૂતરને પંડિત જવાહરલાલ નેહરુએ સૌથી પહેલાં શાંતિદૂતનું બિરુદ આપ્યું એ કબૂતરોને ઇન્દિરા ગાંધીના કાળમાં એક્સપોર્ટ કરવાની દરખાસ્ત હતી, પરંતુ એક મુનિ તરીકે હું અને મારી સાથે જીવદયા મંડળના અમુક પ્રતિનિધિઓ તેમને ફક્ત ત્રણ મિનિટ મળવા ગયા હતા. તેમને મેં કહ્યું હતું કે તમારા પિતાશ્રીએ એને શાંતિદૂત કહ્યું છે. બે દેશોના નેતાઓ મળે ત્યારે કબૂતરોને મુક્ત કરીને આકાશમાં ઉડાડવામાં આવે છે એ જ કબૂતરોના ખોરાકને બંધ કરવા અત્યારે સરકાર સક્રિય બની છે. નવાઈની વાત તો એ છે કે એને દાણા ખવડાવનારાઓ સામે કાયદાકીય ગુનો નોંધવાનો કોર્ટે આદેશ આપ્યો છે. મારી પાસે અનેક પુરાવા છે કે કબૂતરો કોઈ રોગ ફેલાવવા માટે જવાબદાર નથી અને કદાચ છે તો પણ ગુટકા અને અન્ય વ્યસનોથી પણ લોકો મૃત્યુ પામે છે એ ચીજો પર પાબંદી મૂકવામાં આવી નથી તો કબૂતરોને ચણ નાખવા પર પાબંદી શું કામ? જીવદયાપ્રેમીઓ તમારી પાસે આશા રાખે છે કે તમે આ મુદ્દે યોગ્ય ન્યાય કરશો.’

