Jio Institute: પદવીદાન સમારંભમાં AI અને ડેટા સાયન્સ, ડિજિટલ મીડિયા અને માર્કેટિંગ કોમ્યુનિકેશન્સ અને સ્પોર્ટ્સ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએટ્સ થયેલા સ્ટુડન્ટ્સને પોંખાયા
સ્નાતકોની પ્રતીકાત્મક તસવીર
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સ્થાપિત જિયો ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તેના પહેલીવાર પદવીદાન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંસ્થાની શૈક્ષણિક ઉત્કૃષ્ટતાની યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ કહી શકાય. નવી મુંબઈમાં સંસ્થાના પરિસરમાં જ આયોજિત આ કાર્યક્રમમાં અતિથિ તરીકે જાણીતી વ્યક્તિઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો તેમજ ઉદ્યોગના અગ્રણીઓ અને શૈક્ષણિક નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા.
Jio Institute: આ સમારંભમાં સેલ્સફોર્સ ઇન્ડિયા અને સાઉથ એશિયાના સીઇઓ, ચેરપર્સન સુશ્રી અરુંધતી ભટ્ટાચાર્યએ પણ હાજરી આપી હતી. જેઓ આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે આવ્યાં હતાં. જિયો ઇન્સ્ટિટ્યૂટના વાઇસ ચાન્સેલર ડૉ. દીપક સી જૈને આ પદવીદાન સમારંભની અધ્યક્ષતા કરી હતી.
ADVERTISEMENT
આ મહત્વપૂર્ણ કાર્યક્રમ જિયો ઇન્સ્ટિટ્યૂટનાં ચેરપર્સન નીતા અંબાણી અને ચેરમેન શ્રી મુકેશ અંબાણીના વિઝનને સાકાર કરે છે, જેમણે ભારતીય મૂલ્યો સાથે શૈક્ષણિક સખતાઈને જોડતી વિશ્વ કક્ષાની સંસ્થા બનાવવાની કલ્પના કરી હતી. આ સમારંભમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સાયન્સ, ડિજિટલ મીડિયા અને માર્કેટિંગ કોમ્યુનિકેશન્સ અને સ્પોર્ટ્સ મેનેજમેન્ટમાં અત્યાધુનિક અનુસ્નાતક કાર્યક્રમો સહિત વિવિધ શાખાઓમાં શૈક્ષણિક પ્રોગ્રામ્સ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓની સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી.
જિયો ઇન્સ્ટિટ્યૂટ (Jio Institute)ના ચાન્સેલર ડૉ. રઘુનાથ એ. માશેલકરે વિદ્યાર્થીઓને સંબોધન કરતી વખતે સંસ્થાના મિશન પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, "જિયો ઇન્સ્ટિટ્યૂટ માત્ર એક સંસ્થા નથી; તે એક આંદોલન છે-શિક્ષણનું! તે એક દીવાદાંડી સમાન છે. જ્યાં નવીનતા, હિંમત અને ઉત્કૃષ્ટતા આવતીકાલના લીડર્સને આકાર આપવા માટે ભેગા થાય છે" કહી તેઓએ ગ્રેજ્યુએટ્સ થયેલાં વિદ્યાર્થીઓની સરાહના કરી હતી.
અતિથિ સુશ્રી અરુંધતી ભટ્ટાચાર્યએ મહાભારતમાંથી પ્રેરણા લઈ વિદ્યાર્થીઓને વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે,"તમને જે પણ જૉબ આપવામાં આવે, તેમાં ઉત્કૃષ્ટ આપવાનું રાખો. હંમેશા બોક્સની બહારનું વિચારવાનું શીખો, અને પડકારો માટે અર્થપૂર્ણ ઉકેલ માટે વિશ્વાસ કરી શકાય તેવી વ્યક્તિ બનો"
જિયો ઇન્સ્ટિટ્યૂટના ડીન શૈલેશ કુમારે સંસ્થા (Jio Institute)ની સિદ્ધિઓ પર પ્રકાશ પાડતાં કહ્યું ત્રણ વર્ષ પહેલાં તેની શરૂઆત થઈ ત્યારથી, જિયો સંસ્થાએ ભારતના 26 રાજ્યો અને ચાર દેશોના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને આકર્ષ્યા છે.
અહીંનાં સ્ટુડન્ટ્સ નોર્થવેસ્ટર્ન, યુનિવર્સિટી ઓફ હ્યુસ્ટન, જ્યોર્જિયા યુનિવર્સિટી, પેસ યુનિવર્સિટી, યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયા, યુનિવર્સિટી ઑફ ન્યૂ હેવન, વિક્ટોરિયા યુનિવર્સિટી, સિંગાપોર મેનેજમેન્ટ યુનિવર્સિટી જેવી પ્રખ્યાત યુનિવર્સિટીઓ તેમજ ગૂગલ, માઇક્રોસોફ્ટ, ડેલોઇટ, મેકડોનાલ્ડ્સ, ટીસીએસ, અમૂલ, સોની, ટાટા પ્લે, મિન્ત્રા, વર્લ્ડ પિકલબોલ લીગ અને હીરો ઇલેક્ટ્રિક જેવી કંપનીઓમાંથી ઉદ્યોગનો અનુભવ મેળવનારા વિવિધ ફેકલ્ટીઓ પાસેથી શિક્ષણ અને ઉદ્યોગ બંનેમાં નિપુણતા સાથે શીખી રહ્યાં છે.
Jio Institute: EY, KPMG, PwC, સુઝલોન, સ્વિગી, GEP વર્લ્ડવાઇડ, બેનેટ કોલમૅન, રિલાયન્સ, મોતીલાલ ઓસવાલ, કોટક એસેટ મેનેજમેન્ટ અને હિન્ડાલ્કો જેવી અગ્રણી કંપનીઓ મુખ્ય રિક્રુએટર રહી છે. આ વર્ષે 50થી વધુ કંપનીઓએ જિયો સંસ્થાના સ્ટુડન્ટ્સને ઇન્ટર્નશિપ ઓફર કરી હતી. કહી શકાય કે આ સંસ્થાએ સંશોધનમાં પણ નોંધપાત્ર પ્રગતિ કરી છે. `નેચર`, `IEEE ટ્રાન્ઝેક્શન્સ`, `Cell` જેવા ટોચના સ્તરના સામયિકોમાં પ્રકાશિત 30થી વધુ રિસર્ચ પેપર અને કેટલાક ફેકલ્ટી સભ્યો CVPR, MICCAI, ICCV જેવી પ્રતિષ્ઠિત કોન્ફરન્સમાં રજૂઆત પણ કરી ચૂક્યાં છે.
આ પદવીદાન સમારંભ સામૂહિક (Jio Institute) સિદ્ધિની ભાવના સાથે સંપન્ન થયો. તમામ સ્નાતક સ્ટુડન્ટ્સ પોતાની વ્યાવસાયિક યાત્રા શરૂ કરવા માટે આતુર દેખાઈ રહ્યાં હતાં.

