સાધુના વેશમાં આવેલો શેતાન આમ કહીને ગુજરાતી મહિલા પાસેથી સાડા છ તોલાનું મંગળસૂત્ર પડાવી ગયો, પણ આખરે પકડાઈ ગયો
તાનાજી શિંદે : પહેલાં સાધુ, પછી શેતાન
ખાર-વેસ્ટના ખારદાંડા વિસ્તારમાં આવેલા ગંગાધામ બિલ્ડિગમાં રહેતી ૩૫ વર્ષની ગુજરાતી મહિલાના ઘરે સાધુના વેશમાં આવીને અને વાતોમાં ભોળવીને આશરે સાડાછ તોલાનું સોનાનું મંગળસૂત્ર લઈને રફુચક્કર થઈ ગયેલા ૩૪ વર્ષના તાનાજી શિંદેની ખાર પોલીસે આકોલાથી સોમવારે ધરપકડ કરી હતી. આ મંગળસૂત્ર મહિલાની સદ્ગત મમ્મીનું હતું. સાધુના વેશમાં ભિક્ષા માગવા આવેલા બાબાને ગુજરાતી મહિલાએ ઘરમાં બેસાડીને ચા-પાણી પીવડાવ્યાં હતાં. એ દરમ્યાન બાબાએ મહિલાને વાતોમાં ભોળવીને કહ્યું હતું કે શંકર મંદિરમાં પૂજા કરીને તમારી મમ્મીનું મંગળસૂત્ર પાછું આપી જઈશ. એ પછી બાબા ઘટનાસ્થળેથી ચાલ્યો ગયો હતો. એ વિશે ફરિયાદ નોંધાતાં પોલીસે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજના આધારે આરોપીની ધરપકડ કરી હતી.
છેતરપિંડીના આ કેસમાં મૃત્યુ પામેલી મમ્મીની એકમાત્ર યાદગીરી આરોપી તડફાવી ગયો હતો. સોનું ગયું એનાં કરતાં યાદગીરી ગઈ હોવાનું દુઃખ મહિલાને વધુ હતું. આવા કેસમાં રિકવરી તાત્કાલિક થવી જરૂરી હોય એમ જાણી અમે દિવસ-રાત આરોપીની શોધખોળ આદરી હતી એમ જણાવતાં ખારના પોલીસ-ઇન્સ્પેક્ટર દત્તા કોકનેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૯ મેએ બપોરે એક વાગ્યે મહિલા ઘરે એકલી હતી ત્યારે સાધુના વેશમાં એક માણસ ભિક્ષા માગવા આવ્યો હતો. સાધુનો વેશ હોવાથી મહિલાએ તેને ઘરની અંદર બોલાવ્યો. એ વખતે મહિલાને એકલી જોઈને તાનાજી શિંદે નામના આરોપીએ તેને વાતોમાં ભોળવીને ભિક્ષા માગી હતી. ત્યારે મહિલાએ તેને થોડા પૈસા આપ્યા હતા, પણ આરોપીએ પૈસા લેવાનો ઇનકાર કરી કોઈક વસ્તુ આપવાનું કહીને મહિલાની મમ્મીનું સોનાનું મંગળસૂત્ર હાથમાં લીધું હતું. ત્યાર બાદ નજીકના શંકરના મંદિરમાં પૂજા કરીને એ પાછું આપી જાઉં છું કહીને મંગળસૂત્ર લઈને જતો રહ્યો હતો. કલાકો બાદ રાહ જોયા પછી પણ સાધુ પાછો ન આવતાં મહિલા ઘટનાની ફરિયાદ નોંધવા આવી હતી. આ મામલે અમે ઘટનાસ્થળથી નજીકના વિસ્તારોના CCTV કૅમેરાનાં ફુટેજ સ્કૅન કરીને આરોપીની મૂવમેન્ટ ટ્રૅક કરી સોમવારે તેની ધરપકડ કરી હતી. અમે આરોપી પાસેથી મંગળસૂત્ર જપ્ત કર્યું છે.’

