કેમિકલ ભરેલા ટૅન્કરે તેમની કારને મુંબઈ-નાશિક હાઇવે પર મુંઢેગાવ શિવાર પાસે ટક્કર મારી હતી
આ અકસ્માત ગુરુવારે બપોરે એક વાગ્યે થયો હતો
ગુરુપૂર્ણિમા નિમિત્તે શેનવાઢમાં આવેલા બાબા રામદાસ સમાધિ આશ્રમમાં દર્શન કરવા ગયેલા અંધેરીના એક જ પરિવારનાં ત્રણ અપરિણીત ભાઈ-બહેન પાછાં ફરી રહ્યાં હતાં ત્યારે મુંબઈ-નાશિક રોડ પર તેમની કાર સાથે ટૅન્કર અથડાતાં થયેલા અકસ્માતમાં ચાર જણનાં મોત થયાં હતાં.
આ અકસ્માત ગુરુવારે બપોરે એક વાગ્યે થયો હતો. કેમિકલ ભરેલા ટૅન્કરે તેમની કારને મુંબઈ-નાશિક હાઇવે પર મુંઢેગાવ શિવાર પાસે ટક્કર મારી હતી. એ ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં પ્રવાસ કરી રહેલા ૬૫ વર્ષના નિત્યાનંદ સાવંત, ૬૫ વર્ષનાં વિદ્યા સાવંત, ૬૮ વર્ષનાં વીણા સાવંત અને ૪૨ વર્ષના ડ્રાઇવર દત્તારામ અંબાળેનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. ટક્કરને કારણે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને હેવી ટૅન્કર પણ પલટી મારી ગયું હતું. કારના કાટમાળમાં ખરાબ રીતે ફસાઈ ગયેલા સાવંત પરિવારના સભ્યોના મૃતદેહોને બહાર કાઢવા બહુ જ જહેમત ઉઠાવવી પડી હતી. પતરાં કાપીને તેમના મૃતદેહ બહાર કાઢવા પડ્યા હતા. આ અકસ્માતને કારણે મુંબઈ-નાશિક રોડ થોડા વખત માટે જૅમ થઈ ગયો હતો.

