Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

આપણ જિંકલો

Published : 03 September, 2025 07:31 AM | Modified : 03 September, 2025 07:34 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સરકાર માની ગઈ, મનોજ જરાંગેએ પારણાં કર્યાં અને મરાઠાઓ રાજી થઈને જતા રહ્યા : મહારાષ્ટ્ર સરકારે મોટા ભાગની માગણીઓ માની લીધી, મનોજ જરાંગેએ ઉપવાસના પાંચમા દિવસે લીંબુપાણી પીને પારણાં કર્યાં અને કર્યો વિજયનાદ

આઝાદ મેદાનમાં ગઈ કાલે મહારાષ્ટ્ર સરકાર તરફથી આવેલા ગવર્નમેન્ટ રેઝોલ્યુશન સાથે લોકોને સંબોધતા મનોજ જરાંગે.

આઝાદ મેદાનમાં ગઈ કાલે મહારાષ્ટ્ર સરકાર તરફથી આવેલા ગવર્નમેન્ટ રેઝોલ્યુશન સાથે લોકોને સંબોધતા મનોજ જરાંગે.


કી હાઇલાઇટ્સ

  1. મુંબઈ પાછું નૉર્મલ
  2. સરકાર માની ગઈ, મનોજ જરાંગેએ પારણાં કર્યાં અને મરાઠાઓ રાજી થઈને જતા રહ્યા
  3. હૈદરાબાદ ગૅઝેટ પ્રમાણે મરાઠાઓને કુણબી ગણવાની મુખ્ય ડિમાન્ડ સરકારે સ્વીકારી

મનોજ જરાંગે પાટીલના પાંચ દિવસના આમરણાંત ઉપવાસ બાદ મરાઠા આંદોલન આખરે સફળ રહ્યું હતું. સરકારે મરાઠા આરક્ષણ માટેની મોટા ભાગની માગણીઓનો સ્વીકાર કર્યા બાદ જરાંગેએ આઝાદ મેદાનમાં ‘આપણ જિંકલો’નો વિજયનાદ કર્યો હતો. હૈદરાબાદ ગૅઝેટનો સ્વીકાર કરીને કુણબી સર્ટિફિકેટ આપવા સહિતની મુખ્ય માગણીઓ સ્વીકારવામાં આવતાં મરાઠા આંદોલન પાછું ખેંચાયું હતું.


મનોજ જરાંગેએ ગઈ કાલે સાંજે ૬ વાગ્યે કૅબિનેટની મરાઠા આરક્ષણ  માટેની ઉપસમિતિના અધ્યક્ષ રાધાકૃષ્ણ વિખે પાટીલના હાથે લીંબુપાણી પીને પારણાં કર્યાં હતાં. મનોજ જરાંગેના નેતૃત્વમાં શરૂ થયેલું આંદોલન ગઈ કાલે રાતે વિજયયાત્રામાં ફેરવાયું હતું અને જરાંગે તેમના સમર્થકો સાથે મુંબઈથી જાલના રવાના થયા હતા.




11.23 am

ગઈ કાલે સવારે આઝાદ મેદાનની બહાર જે જગ્યા આંદોલનકારીઓથી ખીચોખીચ હતી ત્યાં રાત્રે સ્થિતિ સામાન્ય જણાતી હતી. તસવીરો : શાદાબ ખાન


08.51 pm

સરકાર તરફથી કૅબિનેટની ઉપસમિતિનું શિષ્ટમંડળ મરાઠા અનામતનો મુસદ્દો લઈને મનોજ જરાંગે સાથે ચર્ચા કરવા પહોંચ્યું હતું. રાધાકૃષ્ણ વિખે પાટીલ સાથે સમિતિના અન્ય સભ્યો શિવેન્દ્ર સિંહ ભોસલે, ઉદય સામંત અને માણિકરાવ કોકાટે બપોરે ૩.૩૦ વાગ્યે આઝાદ મેદાન પહોંચ્યા હતા. મુસદ્દા મુજબ જરાંગેની આઠમાંથી ૬ માગણીઓ સ્વીકારવામાં આવી હતી અને બે માગણીઓ માટે મુદત માગવામાં આવી હતી. સરકારના મુસદ્દાને જરાંગેએ માન્ય રાખ્યો હતો અને સરકારના મુસદ્દા પર ગવર્નમેન્ટ રેઝોલ્યુશન (GR) નીકળે એ પછી એક કલાકમાં જ મુંબઈ ખાલી કરવાની ખાતરી આપી હતી. જોકે સરકાર પર વિશ્વાસ રાખીને મનોજ જરાંગેએ GRની રાહ જોયા વિના પારણાં કરી લીધાં હતાં. જોકે સરકારે હૈદરાબાદ ગૅઝેટ પર તાત્કાલિક GR કાઢ્યો હતો.

પારણાં કર્યા બાદ જરાંગે ભાવુક થઈને રડી પડ્યા હતા ત્યારે તેમના સમર્થકોએ તેમને ખભે બેસાડીને, ગુલાલ ઉડાડીને, ફટાકડા ફોડીને વિજયની ઉજવણી કરી હતી.

મરાઠા આરક્ષણ બાબતે થયેલી માગણીઓ અને સરકારના જવાબ

માગણી : હૈદરાબાદ ગૅઝેટને સરકાર માન્યતા આપે.

સરકારનો જવાબ : હૈદરાબાદ ગૅઝેટ લાગુ કરવાની માન્યતા આપીને તાત્કાલિક GR કાઢવામાં આવ્યો.

માગણી : સાતારા ગૅઝેટની ખામી દૂર કરવી.

સરકારનો જવાબ : ઔંધ અને સાતારાના ગૅઝેટમાં રહેલી ખામીનો ૧૫ દિવસમાં અભ્યાસ કરીને ૧ મહિનામાં નવો GR કાઢવામાં આવશે.

માગણી : મરાઠા આંદોલનકારીઓ વિરુદ્ધ નોંધાયેલા ગુના રદ કરવા.

સરકારનો જવાબ : સપ્ટેમ્બરના અંત સુધીમાં મરાઠા આંદોલનકારીઓ વિરુદ્ધ નોંધાયેલા તમામ ગુના પાછા ખેંચી લેવામાં આવશે.

માગણી : મરાઠાને કાયદા મુજબનું આરક્ષણ.

સરકારનો જવાબ : મરાઠા આરક્ષણ પર સરકારની સમિતિએ આખરી મુસદ્દો ઘડ્યો.

માગણીઃ ૫૮ લાખ કુણબીની ગ્રામપંચાયતમાં નોંધણી.

સરકારનો જવાબ : જેટલા દાખલા છે એના પર તાત્કાલિક નિર્ણય લેવામાં આવશે.

માગણી : મરાઠા-કુણબી એક જ હોવાનો કાયદેસર સ્વીકાર થવો જોઈએ.

સરકારનો જવાબ : એને માટેની પ્રક્રિયામાં સમય લાગશે એટલે બે મહિનાનો સમય આપો.

માગણી : સગાંસંબંધીઓ બાબતે નિર્ણય લેવો.

સરકારનો જવાબ : આવી ૮ લાખ અરજીઓમાં ભૂલ છે એટલે એને માટે સમય લાગશે.

માગણી : જેઓ કુણબી તરીકે નોંધાયેલા છે તેમનાં સગાંસંબંધીઓને પ્રમાણપત્ર આપવું.

સરકારનો જવાબ : ગામમાં, નાતમાં અને કુળ મુજબ લોકોની ચકાસણી કરીને કુણબીનું પ્રમાણપત્ર આપવામાં આવશે.

મરાઠાને કુણબી તરીકે માન્યતા આપવા માટે ગ્રામ્ય સ્તરે ત્રણ સભ્યોની સમિતિ રચાશે

મરાઠા આંદોલનકારીઓની મુખ્ય માગણી હતી મરાઠાને કુણબી તરીકેની ઓળખ મળે એ માટે હૈદરાબાદ ગૅઝેટના રેકૉર્ડ તપાસીને ૫૮ લાખ મરાઠાઓને કુણબીનું સ્ટેટસ આપવા માટે ગ્રામ્ય સ્તરે ૩ સભ્યોની સમિતિની રચના થશે.

આંદોલનમાં જીવ ગુમાવનારના પરિવારજનોને આર્થિક મદદ અને નોકરી

મરાઠા આરક્ષણ માટેના આંદોલન દરમ્યાન જીવ ગુમાવનારના પરિવારને એક અઠવાડિયામાં આર્થિક મદદ તેમ જ સરકારી નોકરી આપવાની જાહેરાત કરવામાં આવી છે. મરાઠા આંદોલન માટે બલિદાન આપનારાના વારસદારને એક અઠવાડિયામાં સરકાર કુલ ૧૫ કરોડ રૂપિયાની આર્થિક મદદ કરશે.

ટ્રાફિક-નિયમોના ઉલ્લંઘન માટે પણ માફી

આંદોલન દરમ્યાન ટ્રાફિક-નિયમોના ઉલ્લંઘન માટે આંદોલનકારીઓને ફટકારવામાં આવેલા દંડને પણ માફ કરવાની જરાંગેની માગણી સ્વીકારવામાં આવી છે.

હવે મામલો અદાલતમાં

સરકારે નીમેલી શિંદે સમિતિનાં સૂચનો અનુસાર કૅબિનેટની મરાઠા અનામત માટેની ઉપસમિતિએ મરાઠા અનામત માટે કરેલી માગણીઓનો સ્વીકાર કર્યો છે. હવે મરાઠા અનામત બાબતે આખરી નિર્ણય અદાલત લેશે. જોકે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના જણાવવા મુજબ કાયદાકીય રીતે ટકે એ રીતે બંધારણના દાયરામાં રહીને નિર્ણય લેવામાં આવ્યો છે. એથી અદાલત પણ આ નિર્ણયને માન્ય રાખે એવી શક્યતા છે.

શું છે હૈદરાબાદ ગૅઝેટ અને કેવી રીતે લેવાયો કુણબી સ્ટેટસ માટેનો નિર્ણય?

૧૯૫૬ની ૧ નવેમ્બરે મરાઠવાડા દ્વિભાષી રાજ્ય બૉમ્બે સ્ટેટનો હિસ્સો બન્યું.

૧૯૬૦ની ૧ મેએ મરાઠવાડા મહારાષ્ટ્ર રાજ્યનો ભાગ બન્યું.

અગાઉ નિઝામ રાજમાં આવતા મરાઠવાડા પ્રદેશમાં નિઝામ રાજ મુજબ કામકાજ ચાલતું હતું.

એ સમયે કુણબી, કુણબી-મરાઠા અને મરાઠા-કુણબી જ્ઞાતિના રેકૉર્ડ હૈદરાબાદ ગૅઝેટમાં મળી આવે છે.

મરાઠવાડાના મરાઠાઓને કુણબી તરીકેનું સ્ટેટસ મળે એ માટેના આંદોલન બાદ ૨૦૨૩ની ૭ સપ્ટેમ્બરે રિટાયર્ડ જસ્ટિસ સંદીપ શિંદેની અધ્યક્ષતા હેઠળ એક સમિતિની રચના કરવામાં આવી જે મરાઠા અને કુણબી જ્ઞાતિનો ઇતિહાસ તપાસીને આ બાબતની ખરાઈ કરી શકે.

નિઝામ રાજની રાજધાની હૈદરાબાદ હતી એટલે હૈદરાબાદ ગૅઝેટ અને સાતારા અને બૉમ્બે ગૅઝેટની ચકાસણી સમિતિ દ્વારા કરવામાં આવી.

સમિતિએ મરાઠવાડાના ૮ જિલ્લાના તમામ સરકારી રેકૉર્ડ તપાસીને પહેલાં ક્યારેય ધ્યાનમાં ન લેવાયા હોય એવા કુણબી સમાજના અસંખ્ય રેકૉર્ડ મેળવ્યા.

હૈદરાબાદની બે વાર મુલાકાત લઈને ૭૦૦૦ જૂના દસ્તાવેજો મેળવ્યા.

દિલ્હી લાઇબ્રેરી અને સેન્સસ ઑફિસની મુલાકાત લઈને નિઝામ યુગના દસ્તાવેજો મેળવ્યા.

કુણબી-મરાઠા સમાજના લોકોની માગણી હતી કે જ્ઞાતિના પ્રમાણપત્ર માટે હૈદરાબાદ ગૅઝેટને પુરાવા તરીકે અપનાવવામાં આવે. એથી સમિતિએ હૈદરાબાદ, સાતારા અને બૉમ્બે ગૅઝેટનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરીને સરકાર સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો.

શિંદે સમિતિનાં સૂચનો મુજબ ૨૦૨૪ની ૧૮ જુલાઈએ મહારાષ્ટ્રના શેડ્યુલ્ડ કાસ્ટ (SC), શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ (ST), ડી-નૉટિફાઇડ ટ્રાઇબ્સ (DT), નોમૅડિક ટ્રાઇબ્સ (NT), અધર બૅકવર્ડ ક્લાસ (OBC) અને સ્પેશ્યલ બૅકવર્ડ કૅટેગરી (SBC) અધિનિયમ હેઠળ સુધારો ધરાવતા નવા નિયમો જાહેર કરવામાં આવ્યા હતા.

એને પગલે મરાઠા સમાજને કુણબી, કુણબી-મરાઠા અથવા મરાઠા-કુણબી કૅટેગરી હેઠળ સર્ટિફિકેટ મળી શકે છે.

મનોજ જરાંગેની મુખ્ય માગણી સ્વીકારીને હૈદરાબાદ ગૅઝેટિયરના રેકૉર્ડ મુજબ લાયકાત ધરાવતા મરાઠા સમાજના લોકોને યોગ્ય ચકાસણી કરીને કુણબી જ્ઞાતિનું પ્રમાણપત્ર આપવા માટે ગ્રામ્ય સ્તરે ત્રણ સભ્યોની સમિતિ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

03 September, 2025 07:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK