માટુંગામાં રહેતાં અને વ્યવસાયે અગરબત્તીના મૅન્યુફૅક્ચરર પોતાની ફૅમિલી સાથે ૧૦ દિવસની થાઇલૅન્ડની ટૂર પર ગયા છે.
અશ્વિન (જગુભાઈ) ગોકલગાંધી
અમે સફારી પાર્કમાં જમવા બેઠા હતા ત્યારે ઝુમ્મર ડોલવા માંડ્યાં, અમે ફટાફટ બહાર દોડી ગયા
માટુંગામાં રહેતાં અને વ્યવસાયે અગરબત્તીના મૅન્યુફૅક્ચરર પોતાની ફૅમિલી સાથે ૧૦ દિવસની થાઇલૅન્ડની ટૂર પર ગયા છે. તેમને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે તેમણે આ ગોઝારા દિવસના સાક્ષી બનવાનો વારો આવશે. એ સંદર્ભે માહિતી આપતાં ૭૧ વર્ષના અશ્વિન (જગુભાઈ) ગોકલગાંધી કહે છે, ‘હું મારી ફૅમિલી સાથે ૧૦ દિવસની થાઇલૅન્ડ-ટૂર પર આવ્યો છું. શુક્રવારે જ્યારે મ્યાનમાર સહિત પાડોશી દેશોમાં વિનાશક ભૂકંપના આંચકાનો અનુભવ થયો ત્યારે અમે બૅન્ગકૉકના સફારી પાર્કમાં હતા. ભૂકંપ આવ્યો ત્યારે ૭૦ વર્ષની મારી વાઇફને લાગ્યું કે તેને ચક્કર આવી રહ્યાં છે અને તે પડી જશે, પણ થોડી વારમાં અમને ખબર પડી ગઈ કે આ ભૂકંપ છે. અમે એ સમયે સફારી પાર્કમાં જમવા બેઠાં હતાં. જ્યાં જમવા બેઠા હતાં ત્યાં ઉપર મૂકેલાં ઝુમ્મર ડોલવા માંડ્યાં હતાં. અમે ફટાફટ બહાર દોડી ગયાં હતાં. અમે જોયું કે આકાશમાં સેંકડો પક્ષીઓનાં ટોળાં ગભરાઈને આમતેમ ઊડી રહ્યાં હતાં અને એ બધું મેં મારા કૅમેરામાં ક્લિક કર્યું છે. જોકે ભગવાનની મહેરબાનીથી અમને કોઈને ઈજા નહોતી થઈ. ત્યાંના મૅનેજમેન્ટનું કહેવું પડે. તેઓ ફરી રૂટીનમાં આવી ગયા હતા. ત્યાંના લોકલ લોકોમાં જરાસરખુંય પૅનિક નહોતું. અમે થોડા ડરી ગયા હતા પણ તેમને જોઈને અમને પણ હિંમત આવી ગઈ હતી. અમે ત્યાર પછી પાછી સફારી પણ શરૂ કરી દીધી હતી. સફારી પૂરી કર્યા બાદ હોટેલ સુધી પહોંચતાં અમને ૪ કલાક લાગ્યા હતા જેનું કારણ એ છે કે મીડિયામાં ભૂકંપ વિશે એટલું બધું પછી આવવા લાગ્યું હતું કે લોકો સામાન અને વાહન લઈને બીજે ઠેકાણે જઈ રહ્યા હતા અને એને લીધે રસ્તા જૅમ થઈ ગયા હતા. જોકે સાંજ સુધીમાં અમે હેમખેમ હોટેલ પર આવી ગયા હતા.’
ADVERTISEMENT
બૅન્ગકૉકમાં રહેતાં ગુજરાતી શ્રુતિ શાહ કહે છે : ચાર કલાક ઘરની બહાર રહ્યાં
બૅન્ગકૉકમાં જ રહેતાં ગુજરાતી શ્રુતિ શાહ કહે છે, ‘એ ખૂબ જ ભયંકર ધ્રુજારી હતી. એક સેકન્ડ તો ખબર જ ન પડી કે શું થઈ રહ્યું છે. જેવું અમને લાગ્યું કે આ તો બહુ જબરદસ્ત ભૂકંપ છે એટલે તરત અમે બાળકોને લઈને નીચે ઊતરી ગયાં. ભૂકંપની તીવ્રતાને જોઈને લાગતું હતું કે કદાચ આફ્ટર-શૉક્સ આવશે. બિલ્ડિંગ હલી રહ્યાં હતાં એટલે લાગ્યું કે થોડા સમયમાં કંઈક ભાગે નુકસાન જોવા મળશે પરંતુ એવું કશું થયું નહીં, માત્ર એક અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ હતું એ તૂટી પડ્યું હતું. બાકી અમારા બિલ્ડિંગમાં કે આસપાસ એવી કોઈ અત્યાર સુધી નુકસાની જોવા નથી મળી. જે ચાર કલાક અમે અમારા ઘરની બહાર કાઢ્યા એ ખરેખર ભયાનક હતા. નૉ ડાઉટ, બધા એકબીજાને મદદ કરતા હતા અને ગવર્નમેન્ટ પણ ખૂબ સહકાર આપી રહી હતી. જોકે જે નજર સામે થયું એ હંમેશાં યાદ રહી જશે. એમાં પાછાં બાળકો પણ સાથે હતાં એટલે તેમને સંભાળવાનાં અને તેમને પૅનિક થતાં રોકવાનું પણ અમારા માટે ટાસ્ક જેવું જ હતું. અત્યારે ઑલ વેલ છે અને અમે અમારા ઘરમાં સેફ છીએ.’

