મુંબઈના કેટલાક વિસ્તારોમાં ૨૦૦ મિલીમીટર કરતાં પણ વધુ વરસાદ નોંધાયો, વિક્રોલીમાં ૨૪૮ મિલીમીટર : BMCએ ભરાયેલા પાણીનો કલાકમાં નિકાલ કર્યો : આજે મુંબઈમાં ઑરેન્જ અલર્ટ
મુંબઈમાં શુક્રવારે મધરાત બાદ ધોધમાર વરસાદ પડતાં BMCના કમિશનર રાતે જ કન્ટ્રોલરૂમમાં પહોંચી ગયા હતા અને ઑફિસરોને સૂચનાઓ આપી હતી.
આ વર્ષના મૉન્સૂનમાં શુક્રવારે ૧૫ ઑગસ્ટે રાતે વરસાદે જોરદાર બૅટિંગ કરી હતી. ગઈ કાલે પણ વરસાદનાં ભારે ઝાપટાં આખો દિવસ ચાલુ જ હતાં. ધોધમાર વરસાદને કારણે મુંબઈગરાઓએ હાલાકી ભોગવવી ન પડે એ માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના કમિશનર ભૂષણ ગગરાણી રાતના જ BMCના કન્ટ્રોલરૂમમાં પહોંચી ગયા હતા. તેમણે મુંબઈના વિવિધ વિસ્તારો પર ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાના નેટવર્ક દ્વારા નજર રાખીને એ માટેની સૂચનાઓ આપી હતી.
વરસાદે શુક્રવારે મધરાત બાદ જોર પકડ્યું હતું જેને કારણે ઈસ્ટર્ન અને વેસ્ટર્ન સબર્બ્સના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું હતું. વિક્રોલી, ઘાટકોપર, ભાંડુપ, ચૂનાભઠ્ઠી, આરે, અંધેરી, કિંગ્સ સર્કલ, મલાડ અને ગોરેગામમાં પણ પાણી ભરાયાં હતાં.
ADVERTISEMENT
સિટીમાં વરસાદનું જોર ઓછું, સબર્બ્સમાં વધુ નોંધાયો
હવામાન ખાતાના જણાવ્યા અનુસાર શુક્રવારે સવારના ૮ વાગ્યાથી શનિવારે સવારના ૮ વાગ્યાના ૨૪ કલાક દરમ્યાન વિક્રોલીમાં સૌથી વધુ ૨૪૮.૫ મિલીમીટર વરસાદ નોંધાયો હતો; જ્યારે સાંતાક્રુઝમાં ૨૩૨.૫, સાયનમાં ૨૨૧ અને જુહુમાં ૨૦૮ મિલીમીટર વરસાદ નોંધાયો હતો. મુંબઈ સિટીમાં વરસાદનું જોર ઓછું હતું. કોલાબામાં ૭૦ મિલીમીટર વરસાદ નોંધાયો હતો.
BMCએ ભરાયેલા પાણીનો કલાકમાં નિકાલ કર્યો
ધોધમાર વરસાદ વરસવાને કારણે નીચાણવાળા અનેક વિસ્તોરામાંથી પાણી ભરાવાની ફરિયાદ મળી હતી. એથી BMCના કમિશનર ભૂષણ ગગરાણી રાતના જ BMCના કન્ટ્રોલરૂમમાં પહોંચી ગયા હતા. ભૂષણ ગગરાણી જાતે જ્યાં-જ્યાં પાણી ભરાયેલાં દેખાય એ વિસ્તારના વૉર્ડ ઑફિસરનો સંપર્ક સાધી, ચોક્કસ જગ્યાએ કર્મચારીઓ મોકલીને પાણીનો નિકાલ કરવાની સૂચના આપતા હતા. ભરાયેલા પાણીનો નિકાલ કરવા BMCના કર્મચારીઓની ટીમ રસ્તા પર ઊતરી હતી, પણ ભારે વરસાદને કારણે તેમને પણ તકલીફ પડી રહી હતી. જોકે જેવું વરસાદનું જોર ઓછું થયું એટલે એક જ કલાકમાં ભરાયેલા પાણીનો નિકાલ કરી દેવાયો હતો. પાણી ભરાયેલા ૩૦થી ૩૫ એરિયામાં પમ્પ ચાલુ કરવામાં આવ્યા હતા અને BMCના કર્મચારીઓ વહેલી તકે પાણીનો નિકાલ થાય એ માટે ખડેપગે ફરજ બજાવી રહ્યા હતા. સંખ્યાબંધ ગટરની જાળીઓ પર પાણી સાથે આવીને ફસાઈ ગયેલા કચરાને હટાવી લેતાં પાણી એમાં સરળતાથી વહી ગયું હતું. એથી બહુ જલદી પાણીનો નિકાલ થઈ શક્યો હતો. આવી વિષમ પરિસ્થિતિમાં કામ કરવા બદલ ભૂષણ ગગરાણીએ કર્મચારીઓની પીઠ થપથપાવી હતી અને તેમને બિરદાવ્યા હતા.
લોકલ ટ્રેન અને બેસ્ટની બસનાં ટાઇમ-ટેબલ ખોરવાયાં
મુંબઈની લાઇફ-લાઇન ગણાતી લોકલ ટ્રેનને પણ ભારે વરસાદની અસર થઈ હતી. સેન્ટ્રલ રેલવેમાં માટુંગા, સાયન, કુર્લા, વિદ્યાવિહાર, ઘાટકોપર અને ભાંડુપમાં પાટા પર પાણી ફરી વળ્યાં હતાં. હાર્બર લાઇનમાં ચૂનાભઠ્ઠી, તિલકનગર અને કુર્લામાં પાટા પર પાણી ભરાયાં હતાં જેને કારણે હાર્બર લાઇનની ટ્રેનોનું ટાઇમ-ટેબલ ખોરવાઈ ગયું હતું અને ટ્રેનો અટકી પડી હતી. વેસ્ટર્ન લાઇનમાં દાદર અને માહિમ સ્ટેશન વચ્ચે પાટા પર પાણી આવી ગયાં હતાં.
સેન્ટ્રલ રેલવેના પ્રવક્તા ડૉ. સ્વપ્નિલ નીલાએ કહ્યું હતું કે ‘રાતે વરસેલા ધોધમાર વરસાદને કારણે ટ્રૅક પર કેટલીક જગ્યાએ પાણી ભરાયાં હતાં. જોકે ગઈ કાલે સવારે ૮ વાગ્યા બાદ વરસાદ ધીમો પડ્યા પછી પાણી ઓસરતાં ધીમે-ધીમે ટ્રેનો રાબેતા મુજબ દોડવા માંડી હતી. સવારના ૧૧.૩૦ સુધી ટ્રેનો ૧૫થી ૨૦ મિનિટ મોડી દોડી રહી હતી.’
જોકે ગઈ કાલે ગોકુળાષ્ટમી હોવાથી મોટા ભાગની સરકારી અને પ્રાઇવેટ ઑફિસોમાં રજા ડિક્લેર કરવામાં આવી હોવાથી ટ્રેનોમાં એટલી ગિરદી નહોતી.
બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ના પ્રવક્તાએ કહ્યું હતું કે ‘ભારે વરસાદને કારણે બસ-સર્વિસને પણ અસર થઈ હતી. રસ્તા પર પાણી ભરાવાને કારણે સાયન, કિંગ્સ સર્કલ, આરે કૉલોની અને મલાડ સબવેના રૂટ પરની ઘણીબધી બસને ડાઇવર્ટ કરવામાં આવી હતી.’
આજે મુંબઈમાં ઑરેન્જ અલર્ટ
ભારે વરસાદનાં કારણો આપતાં રીજનલ મિટિયરોલૉજિકલ સેન્ટર, મુંબઈનાં ડિરેક્ટર શુભાંગી ભુતેએ કહ્યું હતું કે ‘બંગાળના ઉપસાગરમાં હળવા દબાણનો પટ્ટો સર્જાતાં પૂર્વ-પશ્ચિમ પવનો ફૂંકાઈ રહ્યા છે જેને કારણે આખા કોકણ વિસ્તારમાં એનો પ્રભાવ દેખાશે. એથી મુંબઈ માટે ગઈ કાલે સવારે જે ઑરેન્જ અલર્ટ જાહેર કરી હતી એ અપગ્રેડ કરીને રેડ કરવામાં આવી હતી. રવિવાર સવાર સુધીના ૨૪ કલાક દરમ્યાન કોકણના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ આવવાની શક્યતા છે. રાયગડ, થાણે, મુંબઈ અને નાશિક ઘાટ રીજન માટે શનિવારે રેડ અલર્ટ જાહેર કરવામાં આવી હતી, જ્યારે રવિવાર માટે આખા કોંકણમાં ઑરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવી છે. આવનારા કેટલાક દિવસ વરસાદનો પ્રભાવ કોંકણમાં વધુ જોવા મળશે. ઘણી જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે, જ્યારે કેટલીક જગ્યાએ અતિથી અતિભારે વરસાદ પડવાની પણ સંભાવના છે.’

