નાગપુરમાં ઝીરો ટૉલરન્સ ઍક્શન પ્લાન વિશે વાત કરી દેવેન્દ્ર ફડણવીસે, મુખ્ય પ્રધાને કહ્યું કે માલેગાંવ કનેક્શન સ્પષ્ટ થઈ ગયું છે, બંગલાદેશ કનેક્શનની તપાસ ચાલે છે
ગઈ કાલે નાગપુરમાં મીડિયા સાથે વાત કરતા દેવેન્દ્ર ફડણવીસ. તેમની સાથે મિનિસ્ટર ચંદ્રશેખર બાવનકુળે અને નાગપુરના પોલીસ કમિશનર રવીન્દર કુમાર સિંગલ.
ગયા સોમવારે નાગપુરમાં ફાટી નીકળેલી હિંસા બાદ ગઈ કાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાગપુરમાં જઈને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદ પત્રકારોને રમખાણ પછીના ઍક્શન પ્લાન વિશેની માહિતી આપતાં કહ્યું હતું કે ‘પોલીસે ચાર-પાંચ કલાકમાં રમખાણ પર નિયંત્રણ મેળવી લીધું હતું. બાદમાં પોલીસે રમખાણના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ અને સ્થાનિક લોકોએ મોબાઇલમાં શૂટ કરેલા વિડિયોના આધારે રમખાણ કરનારાઓને ઓળખી કાઢીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધી રમખાણ ફેલાવનારા ૧૦૪ લોકોને ઓળખી કાઢીને ૯૨ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ૧૨ આરોપી સગીર હોવાથી તેમની સામે કાયદા મુજબ કાર્યવાહી થઈ રહી છે. જે વ્યક્તિ રમખાણ કરતી હોય એવું દેખાતી હોય કે રમખાણ ફેલાવનારાઓને મદદ કરતી હોવાનું જણાઈ આવશે એવી દરેક વ્યક્તિ સામે પોલીસ કાર્યવાહી કરશે. સોશ્યલ મીડિયામાં અફવા ફેલાવનારાઓ સામે પણ ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવામાં આવશે. લોકોને ભડકાવનારી પૉડકાસ્ટ કરનારાઓ સામે પણ પગલાં લેવામાં આવશે. રમખાણમાં જેમનું નુકસાન થયું છે, કાર તોડી નાખવામાં આવી છે તેમને ત્રણ-ચાર દિવસમાં નુકસાનની ભરપાઈ કરી દેવામાં આવશે. આરોપીઓની પ્રૉપર્ટીનું વેચાણ કરીને નુકસાનની ભરપાઈ કરવામાં આવશે. નાગપુરમાં અત્યારે કેટલાક વિસ્તારોમાં કરફ્યુ છે એને લીધે શાંતિ છે. ધીમે-ધીમે કરફ્યુમાં રાહત આપવામાં આવશે. ફરી કોઈ છમકલું ન થાય એ માટે પોલીસ જોકે સતર્ક રહેશે. બંગલાદેશમાંથી રમખાણ ફેલાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો કે નહીં એની તપાસ કરવામાં આવી રહી છે. માલેગાંવનું કનેક્શન જોકે સ્પષ્ટ થઈ ગયું છે. ઝીરો ટૉલરન્સ ઍક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે એટલે કોઈને બક્ષવામાં નહીં આવે.’



