EOWની તપાસમાં એવું બહાર આવ્યું છે કે ૨૦૧૧માં ઍક્ટ્રેસે લીધેલી ૧૮ કરોડ રૂપિયાની લોન ૨૦૧૪માં ૧૦.૭૪ કરોડ રૂપિયામાં સેટલ કરવામાં આવી હતી
પ્રીતિ ઝિન્ટા
ન્યુ ઇન્ડિયા કો-ઑપરેટિવ બૅન્કના ૧૨૨ કરોડ રૂપિયાના કૌભાંડની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગે (EOW) બૅન્કના ભૂતપૂર્વ ચૅરમૅન હિરેન ભાનુના રોલની તપાસ કરતાં જાણવા મળ્યું છે કે તેઓ કથિત રીતે પૈસા લઈને લોકોને લોન મંજૂર કરીને આપતા હતા એટલું જ નહીં, તેમને એ પણ જાણવા મળ્યું છે કે ઍક્ટ્રેસ અને પંજાબ કિંગ્સ ટીમની સહ-માલિક પ્રીતિ ઝિન્ટાએ લીધેલી લોનની ભરપાઈ વખતે તેના ૧.૫૫ કરોડ રૂપિયા માફ કરી દેવામાં આવ્યા હતા.
EOWની તપાસમાં એવું બહાર આવ્યું છે કે પ્રીતિ ઝિન્ટાને બૅન્ક તરફથી લોન પાછી આપવામાં ફાયદો કરી આપવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ ‘પ્રીતિ ઝિન્ટાને ૨૦૧૧ની ૭ જાન્યુઆરીએ ૧૮ કરોડ રૂપિયાની લોન મંજૂર કરવામાં આવી હતી. ત્યાર બાદ ૨૦૧૩ની ૩૧ માર્ચે આ લોનને નૉન પર્ફોર્મિંગ ઍસેટ (NPA) જાહેર કરવામાં આવી હતી. એના પછી આ લોન ૧૦.૭૪ કરોડ રૂપિયામાં સેટલ કરવામાં આવી હતી, જેમાં પ્રીતિ ઝિન્ટાને ૧.૫૫ કરોડ રૂપિયા માફ કરવામાં આવ્યા હતા. પ્રીતિએ સેટલમેન્ટની રકમ ૨૦૧૪ની પાંચ એપ્રિલે ભરી હતી.’
ADVERTISEMENT
કૉન્ગ્રેસે આક્ષેપ કર્યો હતો
ગયા મહિને કેરલા કૉન્ગ્રેસે એવો આક્ષેપ કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી (BJP)ને સપોર્ટ કરવા બદલ ન્યુ ઇન્ડિયા કો-ઑપરેટિવ બૅન્કે તેની ૧૮ કરોડની લોન માફ કરી દીધી છે. આના જવાબમાં પ્રીતિએ કહ્યું હતું કે ‘મને કોઈએ લોન કે બીજું કંઈ પણ માફ નથી કર્યું. પૉલિટિકલ પાર્ટી અને એના પ્રતિનિધિઓ આવા ફેક ન્યુઝને પ્રોત્સાહન આપી રહ્યાં હોવાથી મને આઘાત લાગ્યો છે. તમારા રેકૉર્ડ ખાતર કહી રહી છું કે મેં લોન લીધી હતી અને ૧૦ વર્ષ પહેલાં એ સંપૂર્ણ ભરી પણ દીધી છે. મને લાગે છે કે મેં કરેલી આ સ્પષ્ટતાને લીધે હવે ભવિષ્યમાં કોઈ ગેરસમજનો અવકાશ નહીં રહે’

