કલ્યાણ રેલવે-સ્ટેશને સોમવારે મોડી રાતે એક ચોંકાવનારી ઘટના બની હતી
બાળક ચોરનાર કાકી-ભત્રીજાની પોલીસે ધરપકડ કરી હતી.
કલ્યાણ રેલવે-સ્ટેશને સોમવારે મોડી રાતે એક ચોંકાવનારી ઘટના બની હતી. મમ્મી સાથે સૂતેલા ૮ મહિનાના બાળકને ચાલાકીપૂર્વક ઉપાડી જઈને ચોર સ્ટેશન પરથી ફરાર થઈ ગયો હતો. બાળકની મમ્મી જાગી ત્યારે તેનો દીકરો ગુમ હતો. બેબાકળી બનેલી મમ્મીની મદદે આવેલી કલ્યાણ રેલવે પોલીસે ૬ કલાકમાં તેના બાળકને શોધી કાઢ્યું હતું.
પોલીસે આપેલી માહિતી મુજબ બાળકનાં પપ્પા-મમ્મી નીલેશ અને પૂનમ કુંચે કામની શોધમાં પુણેથી કલ્યાણ આવ્યાં હતાં. મજૂરી કરીને ગુજરાન ચલાવતા આ દંપતીને તાત્કાલિક રોજગાર કે રહેઠાણ ન મળતાં તેમનાં ત્રણ બાળકો સાથે તેઓ કલ્યાણ રેલવે-સ્ટેશનના ફુટઓવર બ્રિજ પર સૂતાં હતાં ત્યારે આ બનાવ બન્યો હતો.
ADVERTISEMENT
કલ્યાણ રેલવે પોલીસને જાણ થતાં સ્ટેશન પરના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસવાનું શરૂ કર્યું એના આધારે કલ્યાણ રેલવે પોલીસે અને મહાત્મા ફુલે પોલીસે સંયુક્ત સર્ચ ઑપરેશન હાથ ધરીને આરોપીને શોધી કાઢ્યો હતો.
ટ્રૅકિંગ અને ફીલ્ડ ઇન્ટેલિજન્સ દ્વારા અધિકારીઓએ આરોપી અક્ષય ખરેની ધરપકડ કરી હતી અને તેને સાથ આપનાર કાકી સવિતા ખરેની પણ ધરપકડ કરવામાં આવી હતી. સહીસલામત મળી આવેલા બાળકને પછી મમ્મી-પપ્પાને સોંપવામાં આવ્યું હતું.


