જોકે કોઈ ઇનામી રકમ વિશે ખુલાસો કર્યો નહોતો
દેવેન્દ્ર ફડણવીસની ફાઇલ તસવીર
વિમેન્સ વર્લ્ડ કપ જીતવાનો ઇતિહાસ રચવા બદલ દરેક રાજ્ય સરકાર તેમના રાજ્યની ખેલાડીઓને કરોડોનાં ઇનામ જાહેર કરીને સન્માનિત કરી રહી છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ ગઈ કાલે ભારતીય ટીમને શુભેચ્છા આપીને રાજ્યની ખેલાડીઓ સ્મૃતિ માન્ધના, જેમિમા રૉડ્રિગ્સ અને રાધા યાદવને સન્માનિત કરવાની જાહેરાત કરી હતી. જોકે તેમણે કોઈ ઇનામી રકમ વિશે ખુલાસો કર્યો નહોતો.
ભારતીય ટીમને શુભેચ્છા આપતાં ફડણવીસે કહ્યું હતું કે ‘આપણી મહિલા ટીમે ICC વિમેન્સ વર્લ્ડ કપમાં અસાધારણ પ્રદર્શન કર્યું હતું અને પહેલી વાર ટુર્નામેન્ટ જીતી લીધી હતી. છેલ્લાં ૨૫ વર્ષમાં ફક્ત ત્રણ દેશનું પ્રભુત્વ જોવા મળતું હતું અને પહેલી વાર દુનિયાને એક નવી ચૅમ્પિયન મળી છે. કૅબિનેટે આ ઐતિહાસિક જીત બદલ ટીમને શુભેચ્છા આપી છે અને સરકારે રાજ્યની ત્રણ ખેલાડીઓ સ્મૃતિ માન્ધના, જેમિમા રૉડ્રિગ્સ અને રાધા યાદવનું સન્માન કરવાનો પ્રસ્તાવ મંજૂર કર્યો છે.’
ADVERTISEMENT
ક્રાન્તિ ગૌડ અને રેણુકા સિંહ ઠાકુરને મળશે એક-એક કરોડ રૂપિયા
મધ્ય પ્રદેશ સરકારે રાજ્યની ક્રાન્તિ ગૌડને અને હિમાચલ પ્રદેશ સરકારે રાજ્યની રેણુકા સિંહ ઠાકુરને ઐતિહાસિક પર્ફોર્મન્સ બદલ એક-એક કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે.


