૩૦ એપ્રિલથી શરૂ થાય છે ચારધામ યાત્રા
કેદારનાથ માટે ૨.૭૫ લાખ, બદરીનાથ માટે ૨.૨૪ લાખ, યમુનોત્રી માટે ૧.૩૪ લાખ અને ૧.૩૮ લાખ અને હેમકુંડ સાહિબ માટે ૮૦૦૦ ભાવિકોએ રજિસ્ટ્રેશન કરાવ્યાં છે
ઉત્તરાખંડમાં આ વર્ષે ૩૦ એપ્રિલથી ચારધામની યાત્રા શરૂ થઈ રહી છે અને યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદરીનાથ ધામની યાત્રા માટે અત્યાર સુધીમાં ૯ લાખ ભાવિકોએ ઑનલાઇન રજિસ્ટ્રેશન કરાવી દીધું છે. સૌથી વધુ પોણાત્રણ લાખ ભાવિકોએ કેદારનાથ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ વખતે કેદારનાથ અને બદરીનાથ ધામમાં સોશ્યલ મીડિયામાં મૂકવા માટે રીલ્સ બનાવનારાઓને નો એન્ટ્રી છે. આ સિવાય VIP દર્શન પણ બંધ કરી દેવામાં આવ્યાં છે.
૩૦ એપ્રિલે અક્ષયતૃતીયાએ યમનોત્રી અને ગંગોત્રીધામનાં કપાટ ખૂલશે. બીજી મેથી કેદારનાથ અને ચોથી મેથી બદરીનાથ ધામનાં કપાટ ખૂલશે. આ બે ધામમાં ભાવિકો બરાબર દર્શન કરી શકે એ માટે પ્રશાસન અને બદરીનાથ-કેદારનાથ ટેમ્પલ કમિટીએ કમર કસી છે. આ વખતે મંદિર પરિસરમાં રીલ્સ, વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. મંદિરથી ૩૦ મીટરના દાયરામાં મોબાઇલ અને કૅમેરા નહીં લઈ જઈ શકાય. કોઈ પણ ભાવિકને સોશ્યલ મીડિયા સાથે સંકળાયેલાં ઉપકરણો લઈ જવા દેવામાં નહીં આવે. મંદિર સમિતિએ સ્પષ્ટ કર્યું છે કે આ નિયમોનું પાલન નહીં કરનાર સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. મંદિર પરિસરમાં પોલીસ સિવાય ઇન્ડો તિબેટન બૉર્ડર પોલીસ (ITBP)ના જવાનો તહેનાત રહેશે.
ADVERTISEMENT
દસ હોલ્ડિંગ સ્થળ
આ વખતે યાત્રામાર્ગને ૧૦-૧૦ કિલોમીટરના ઝોનમાં વહેંચી દેવામાં આવ્યો છે. દરેક હિસ્સામાં ૬-૬ પોલીસ કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. વાતાવરણ ખરાબ થાય તો ભાવિકોને રાહત આપવા માટે ૧૦ સ્થળે હોલ્ડિંગ-સ્થળ બનાવવામાં આવ્યાં છે, જ્યાં ભાવિકોને ખાવા-પીવાની અને બીજી સગવડો ઉપલબ્ધ થશે.

