પ્રીમિયમ ઍર ટ્રાવેલ પર GST ૧૨થી વધારીને ૧૮ ટકા થઈ શકે છે
પ્રતીકાત્મક તસવીર
કેન્દ્ર સરકાર બિઝનેસ ક્લાસ અને પ્રીમિયમ હવાઈ મુસાફરી પર ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટેક્સ (GST)ને ઇનપુટ ટૅક્સ ક્રેડિટ (ITC) સાથે વર્તમાન ૧૨ ટકાથી વધારીને ૧૮ ટકા કરવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બન્ને મુસાફરી માટે ઇકૉનૉમી ક્લાસ ટિકિટો પર પાંચ ટકા GST દર છે એ યથાવત્ રહેશે. હાલમાં પ્રીમિયમ ઇકૉનૉમી, બિઝનેસ અને ફર્સ્ટ ક્લાસ ટિકિટો પર ૧૨ ટકા કર લાદવામાં આવે છે જે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બન્ને પર સમાન રીતે લાગુ પડે છે. ITC ક્લેમ્સ ફક્ત ત્યારે જ માન્ય છે જો મુસાફરી સીધી રીતે કૉન્ફરન્સ, ક્લાયન્ટ મીટિંગ્સ અથવા વિક્રેતા વાટાઘાટો જેવી વ્યાવસાયિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી હોય. આ દરખાસ્ત GST રેટ રૅશનલાઇઝેશનની પૃષ્ઠભૂમિમાં આવી છે. GST પર ગ્રુપ ઑફ મિનિસ્ટર્સ (GoM) ૧૨ ટકા અને ૨૮ ટકા સ્લૅબને દૂર કરવાની ભલામણ કરે એવી અપેક્ષા છે, જેનો હેતુ આઇટમ મુજબ પુનઃ વર્ગીકરણ સાથે માળખાને સરળ બનાવવાનો છે. કેટલાક દરોમાં ઘટાડો થવાની સંભાવના છે ત્યારે પ્રીમિયમ વર્ગોમાં હવાઈ મુસાફરી મોંઘી થઈ શકે છે.

