બે વિમાનની ડિલિવરી પછી વધુ ૯૭ તેજસ જેટ સેનામાં જોડાશે
તેજસ માર્ક-1A ફાઇટર જેટ
સંરક્ષણસચિવ આર. કે. સિંહે શનિવારે જણાવ્યું હતું કે ‘કેન્દ્ર સરકાર સંચાલિત ઍરોસ્પેસ કંપની હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ લિમિટેડ (HAL) આવતા મહિને બે તેજસ માર્ક-1A ફાઇટર જેટ ડિલિવર કરે એવી શક્યતા છે. બે વિમાનની ડિલિવરી પછી સરકાર ૯૭ તેજસ જેટના વધારાના બૅચ ખરીદવા માટે HAL સાથે નવો કરાર કરી શકે છે.’
ઇન્ડિયન ઍરફોર્સે અગાઉના કરાર હેઠળ તેજસ માર્ક 1A જેટની ડિલિવરીમાં વિલંબ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
ADVERTISEMENT
સંરક્ષણસચિવે જણાવ્યું હતું કે ‘સપ્ટેમ્બરના અંત સુધીમાં મળનારાં બે તેજસ જેટમાં શસ્ત્રો ફિટ કરવામાં આવ્યા બાદ ડિલિવરી કરવામાં આવશે. ૩૮ તેજસ સર્વિસમાં છે અને બીજાં ૮૦ તેજસનું મૅન્યુફૅક્ચરિંગ કરવામાં આવી રહ્યું છે.’
૨૦૨૧ના ફેબ્રુઆરી મહિનામાં સંરક્ષણ મંત્રાલયે ઇન્ડિયન ઍરફોર્સ માટે ૮૩ તેજસ Mk-1A જેટ ખરીદવા ૪૮,૦૦૦ કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો. અમેરિકાની GE ઍરોસ્પેસ કંપની તરફથી ઍરો એન્જિન આવવામાં વિલંબના કારણે ડિલિવરીમાં મોડું થઈ રહ્યું છે. ગયા અઠવાડિયે સરકારે વધારાનાં ૯૭ તેજસ ફાઇટર્સ બનાવવા માટે ૬૭,૦૦૦ કરોડ રૂપિયાની મંજૂરી આપી છે.

