ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો અને ઇમીગ્રેશન કેસ નિયંત્રિત કરવા માટે બનાવવામાં આવેલ ઇમીગ્રેશન એન્ડ ફૉરેનર્સ એક્ટ, 2025, 1 સપ્ટેમ્બરથી લાગુ થઈ ગયું છે. ગૃહ મંત્રાલયે સોમવારે તેનું જાહેરનામું બહાર પાડ્યું.
ગૃહ મંત્રાલય (ફાઈલ તસવીર)
ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો અને ઇમીગ્રેશન કેસ નિયંત્રિત કરવા માટે બનાવવામાં આવેલ ઇમીગ્રેશન એન્ડ ફૉરેનર્સ એક્ટ, 2025, 1 સપ્ટેમ્બરથી લાગુ થઈ ગયું છે. ગૃહ મંત્રાલયે સોમવારે તેનું જાહેરનામું બહાર પાડ્યું. આ બિલ સંસદના બજેટ સત્ર દરમિયાન પસાર થયું હતું અને 4 એપ્રિલ 2025ના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા તેને મંજૂરી આપવામાં આવી હતી. હવે તેને કાયદા તરીકે લાગુ કરવામાં આવ્યું છે.
ગૃહ મંત્રાલયના અધિક સચિવ નિતેશ કુમાર વ્યાસ દ્વારા જારી કરાયેલા જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે, "કેન્દ્ર સરકાર, ઇમિગ્રેશન અને વિદેશી અધિનિયમ, 2025 (2025નો 13)ની કલમ 1ની પેટા કલમ (2) માં આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને, 1 સપ્ટેમ્બર 2025 ને અમલીકરણની તારીખ તરીકે જાહેર કરે છે."
ADVERTISEMENT
આ કાયદા હેઠળ, ભારતમાં પ્રવેશવા, રહેવા અથવા બહાર નીકળવા માટે નકલી પાસપોર્ટ અથવા વીઝાનો ઉપયોગ કરનારા (એટલે કે છેતરપિંડી કરે છે) હવે 7 વર્ષ સુધીની જેલ અને મહત્તમ 10 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે. લઘુત્તમ સજા 2 વર્ષ નક્કી કરવામાં આવી છે અને લઘુત્તમ દંડ 1 લાખ રૂપિયા છે.
જો કોઈ વિદેશી નાગરિક માન્ય પાસપોર્ટ અથવા ટ્રાવેલ ડૉક્યુમેન્ટ વગર, જેમ કે વીઝા વગર ભારતમાં પ્રવેશ કરે છે, તો તેને 5 વર્ષ સુધીની જેલ અથવા 5 લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બંને સજા થઈ શકે છે.
બ્યુરો ઑફ ઇમિગ્રેશનને નવી સત્તાઓ
આ કાયદાથી બ્યુરો ઑફ ઇમિગ્રેશનને વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે. હવે આ એજન્સી ગેરકાયદેસર વિદેશી નાગરિકોને તાત્કાલિક દેશનિકાલ કરી શકશે અને રાજ્યો સાથે સીધો સંકલન કરશે. આ સાથે, હોટલ, યુનિવર્સિટીઓ, અન્ય શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો અને નર્સિંગ હોમ માટે સમયાંતરે વિદેશી નાગરિકો સંબંધિત માહિતી પૂરી પાડવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જો ગેરકાયદેસર વિદેશી નાગરિકો કોઈપણ સંસ્થામાં ફરતા જોવા મળશે, તો તેનું નોંધણી રદ કરવામાં આવશે.
ઍરલાઇન્સ અને શિપીંગ કંપનીઓ પર પણ કડકાઈ
બધી આંતરરાષ્ટ્રીય ઍરલાઇન્સ અને શિપ કંપનીઓએ ભારતમાં પહોંચતા જ તેમના મુસાફરો અને ક્રૂની સંપૂર્ણ સ્પષ્ટ અને આગોતરી માહિતી સિવિલ ઓથોરિટી અથવા ઇમિગ્રેશન અધિકારીને આપવાની રહેશે. નવા કાયદાના અમલ પછી, જૂનો કાયદો નાબૂદ કરવામાં આવ્યો છે. આ નવો કાયદો વિદેશી નાગરિકો અને ઇમિગ્રેશન સંબંધિત તમામ બાબતોને એક જ કાયદા હેઠળ લાવે છે.
ચાર અલગ અલગ કાયદાઓ નાબૂદ કરવામાં આવ્યા
અગાઉ, ચાર અલગ અલગ કાયદા અમલમાં હતા, જેમાં પાસપોર્ટ (ભારતમાં પ્રવેશ) અધિનિયમ, 1920; વિદેશીઓની નોંધણી અધિનિયમ, 1939; વિદેશીઓ અધિનિયમ, 1946 અને ઇમિગ્રેશન (વાહકોની જવાબદારી) અધિનિયમ, 2000નો સમાવેશ થતો હતો.
હવે આ બધા કાયદાઓ નાબૂદ કરવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલય માને છે કે આ કાયદો ભારતમાં રાષ્ટ્રીય સુરક્ષા અને ઇમિગ્રેશન પ્રણાલીને વધુ મજબૂત બનાવશે, તેમજ તે વિદેશી નાગરિકો સામે કડક કાર્યવાહી કરશે જેઓ નકલી પાસપોર્ટ અથવા વીઝાની આડમાં દેશમાં રહેતા હતા.

