તેમના નેતૃત્વમાં મળેલા ઇન્ટેલિજન્સ ઇનપુટ્સને લીધે પાકિસ્તાનના આતંકવાદી માળખા પર યોગ્ય ઠેકાણે મિસાઇલ-અટૅક કરવામાં સફળતા મળી હતી.
પરાગ જૈન
ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS)ના સિનિયર ઑફિસર પરાગ જૈનને ભારતની એક્સટર્નલ ઇન્ટેલિજન્સ એજન્સી રિસર્ચ ઍન્ડ ઍનૅલિસિસ વિન્ગ (RAW)ના ચીફ નિયુક્ત કરવામાં આવ્યા છે. પરાગ જૈન ઑપરેશન સિંદૂર દરમ્યાન મહત્ત્વના ગુપ્તચર ઑપરેશનમાં સક્રિય હતા. તેમના નેતૃત્વમાં મળેલા ઇન્ટેલિજન્સ ઇનપુટ્સને લીધે પાકિસ્તાનના આતંકવાદી માળખા પર યોગ્ય ઠેકાણે મિસાઇલ-અટૅક કરવામાં સફળતા મળી હતી.
અત્યારે RAWના એવિયેશન રિસર્ચ સેન્ટર (ARC)નું નેતૃત્વ કરતા પરાગ જૈન બે વર્ષ સુધી RAWના વડા રહેશે. ARCની કામગીરીમાં અન્ય બાબતોની સાથે હવાઈ જાપ્તો પણ સામેલ છે. ૧૯૮૯ના પંજાબ કૅડરના IPS ઑફિસર પરાગ જૈનને RAWમાં બે દાયકાનો અનુભવ છે. RAWમાં તેમણે પાકિસ્તાન ડેસ્ક સંભાળી છે અને આર્ટિકલ ૩૭૦ને રદ કરવામાં આવ્યો ત્યારે તેઓ જમ્મુ-કાશ્મીરમાં કાર્યરત હતા. પંજાબમાં આતંકવાદ જ્યારે ચરમસીમાએ હતો ત્યારે ત્યાં મહત્ત્વની કામગીરી કરનારા પરાગ જૈન શ્રીલંકા અને કૅનેડામાં પણ કામ કરી ચૂક્યા છે. કૅનેડાના પોસ્ટિંગ વખતે તેમણે ત્યાં પ્રવૃત્ત ખાલિસ્તાની ટેરર મૉડ્યુલ્સનું મૉનિટરિંગ કર્યું હતું.

