દેવગઢમાં સોનાની પહેલી ખાણની હરાજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ
પ્રતીકાત્મક તસવીર
ઓડિશા વિધાનસભામાં ખાણપ્રધાન બિભૂતિ ભૂષણ જેનાએ તાજેતરમાં રાજ્યના અનેક વિસ્તારોમાં સોનાના ભંડાર મળી આવ્યા હોવાની જાણકારી આપી હતી અને જિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા (GSI)ના અભ્યાસમાં પણ જાણવા મળ્યું હતું કે સુંદરગઢ, નબરંગપુર, અંગુલ, કોરાપુટ અને કેઓન્ઝરમાં નોંધપાત્ર સ્થળો પર સોનાના ભંડાર છે. ઓડિશામાં સોનાની ખાણો મળી આવવાથી આ રાજ્ય ખનીજક્ષેત્રે આગળ વધી શકે એમ છે અને એની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થઈ શકે એમ છે. રાજ્ય હવે દેવગઢમાં પહેલી સોનાની ખાણની હરાજી કરવા માટે તૈયારી કરી રહ્યું છે અને આ માટે GSI અને ઓડિશા માઇનિંગ કૉર્પોરેશન મદદ કરે છે.
ઓડિશામાં બીજાં સ્થળોએ પણ સોનાના ભંડાર છે કે નહીં એ શોધવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. મયૂરભંજ, મલકાનગિરિ અને દેવગઢના જલાડિહી વિસ્તારમાં પ્રારંભિક સર્વેક્ષણ ચાલી રહ્યું છે. એનાં પરિણામો ૨૦૨૫ના અંત સુધીમાં મળવાની ધારણા છે. કેઓન્ઝરના ગોપુર-ગાઝીપુરમાં પણ સોનાના ભંડારનું મૂલ્યાંકન ચાલી રહ્યું છે જેની બાદમાં હરાજી કરવામાં આવશે. મયૂરભંજમાં જશિપુર, સુરિયાગુડા, રુઆંસી, ઇડેલકુચા જેવાં સ્થળો પર સોનાના ભંડાર શોધવાનું કામ ચાલુ છે. આ પહેલાં દેવગઢના અદાસા-રામપલ્લી ક્ષેત્રમાં તાંબાના ભંડાર મળી આવ્યા હતા.
ઓડિશામાં સોનાના ભંડાર મળી આવતાં રાજ્યની અર્થવ્યવસ્થા બદલાઈ શકે છે, એમાં નવું રોકાણ આવી શકે એમ છે અને સોનાની ખાણો નવા રોજગાર ઉત્પન્ન કરી શકે એમ છે. આગામી દિવસોમાં સોનાની માઇનિંગમાં ઓડિશા મુખ્ય ખેલાડી બની શકે છે.

