રવિવારની પ્રેસ-કૉન્ફરન્સની શરૂઆતમાં શિવ તાંડવ સ્તોત્ર રજૂ થયું હતું, ગઈ કાલે કૃષ્ણની ચેતવણી અને રામચરિતમાનસની ચોપાઈથી ભારતે આખી દુનિયાને સંદેશ આપ્યો
ગઈ કાલે પ્રેસ કૉન્ફરન્સમાં (ડાબેથી) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈ, ઍર માર્શલ એ. કે. ભારતી, વાઇસ ઍડ્મિરલ એ. એન. પ્રમોદ અને મેજર જનરલ એસ. એસ. શારદા.
પાકિસ્તાનને પાઠ ભણાવનારી આર્મીનો હુંકાર : પાકિસ્તાની આર્મી આતંકવાદીઓ સાથે ઊભી હતી, પહલગામ સુધીમાં પાપનો ઘડો ભરાઈ ચૂક્યો હતો, જરૂર પડ્યે આગામી મિશન માટે તૈયાર
ભારતીય સેનાએ રામચરિતમાનસની ચોપાઈ ટાંકીને પાકિસ્તાનને આપી દીધો ખતરનાક સંદેશ
ADVERTISEMENT
ઑપરેશન સિંદૂર વિશે ગઈ કાલે ભારતીય સેનાએ જાણકારી આપતાં રામચરિતમાનસની ચોપાઈ ટાંકીને પાકિસ્તાનને ખતરનાક સંદેશ આપતાં જણાવ્યું હતું કે ‘‘ભય બિનુ હોઈ ન પ્રીતિ’ અર્થાત્ ડર વિના પ્રીત થવી સંભવ નથી. સેના દરેક હુમલાનો જવાબ આપવા માટે તૈયાર છે. આપણી ડિફેન્સ સિસ્ટમ અભેદ્ય છે, જેને ભેદવી અશક્ય છે. સેના પોતાના આગલા મિશન માટે તૈયાર છે.’
પ્રેસ-બ્રીફિંગની શરૂઆતમાં રાષ્ટ્રકવિ રામધારી સિંહ દિનકરની કવિતા અને જોશીલા ગીતથી શરૂઆત કરવાના મુદ્દે પૂછવામાં આવેલા સવાલના સંદર્ભમાં ડિરેક્ટર જનરલ ઑફ ઍર ઑપરેશન્સ (DGAO) એ. કે. ભારતીએ રામચરિતમાનસની કેટલીક ચોપાઈનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે હું માત્ર એટલું જ કહેવા માગીશ કે ભય બિનુ હોઈ ન પ્રીતિ.
આમ ભારતે ગઈ કાલે પાકિસ્તાનને સાફ શબ્દોમાં સંદેશ આપ્યો હતો કે જો તેઓ ફરી આવું કોઈ કૃત્ય કરશે તો એનાં પરિણામો એણે ભોગવવાં પડશે. ભારતનાં તમામ મિલિટરી બેઝ, ઇક્વિપમેન્ટ્સ અને સિસ્ટમ મિશન-રેડી છે.
શું છે આ ચોપાઈ?
વિનય ન માનત જલધિ જડ, ગએ તીનિ દિન બીતિ
બોલે રામ સકોપ તબ, ભય બિનુ હોઈ ન પ્રીતિ
રામચરિતમાનસમાં સંત તુલસી દાસે આ ચોપાઈ એ પ્રસંગ પર લખી છે જ્યારે ભગવાન શ્રી રામ સમુદ્ર પાસે લંકા જવા માટે રસ્તો માગી રહ્યા હતા. હનુમાનજી લંકા જઈને સીતા માતાની શોધ કરી લાવે છે એ પછી આખી વાનરસેના સમુદ્રતટે આવે છે. સવાલ એ ઊઠે છે કે આખી વાનરસેના લંકા કેવી રીતે જશે. એ સમયે ભગવાન શ્રી રામ સમુદ્રતટ પર સાધનામાં બેસી જાય છે અને સમુદ્રને રસ્તો આપવા વિનંતી કરે છે. ત્રણ દિવસ સુધી સમુદ્રએ વિનંતી માની નહીં એટલે ભગવાન રામ ક્રોધિત થઈને સાધનામાંથી ઊઠે છે અને કહે છે કે લક્ષ્મણ, જ્ઞાનીજનોએ સાચું જ કહ્યું છે કે ક્યારેક-ક્યારેક ભય વિના પ્રીત થતી નથી. તેઓ લક્ષ્મણજીને તેમનું ધનુષ્યબાણ લાવવા કહે છે અને સમુદ્રને સુકાવી દેવાની ઘોષણા કરે છે. વિદ્વાનોએ પણ સાચું કહ્યું છે કે મૂર્ખને વિનંતી કરીને, કુટિલને પ્રીત કરીને અને કંજૂસ પાસેથી નીતિની અપેક્ષા મૂર્ખતા છે.
લછિમન બાન સરાસન આનૂ, સૌષોં બારિધિ બિસિખ કૃસાનુ
સઠ સન બિનય કુટિલ સન પ્રીતિ, સહજ કૃપન સન સુંદર નીતિ
આ પ્રેસ-કૉન્ફરન્સની શરૂઆતમાં ‘યાચના નહીં, અબ રણ હોગા’ ગીતથી શરૂ થતા વિડિયોમાં દર્શાવવામાં આવ્યું હતું કે સેનાએ પાકિસ્તાનના હુમલાનો આકરો જવાબ આપ્યો છે એટલું જ નહીં, પાડોશી દેશના નાપાક ઇરાદાઓને પણ ધ્વસ્ત કરી દીધા છે. આ વિડિયોની ખાસ વાત એ રહી હતી કે એમાં કવિવર રામધારી સિંહ દિનકરની પ્રસિદ્ધ કવિતાની પંક્તિ ‘જબ નાશ મનુજ પર છાતા હૈ, પહલે વિવેક મર જાતા હૈ’ પણ સામેલ હતી.
આ કવિતા ઇન્ડિયન આર્મીના ઑપરેશન સિંદૂરના વિડિયોમાં એકદમ પ્રભાવી અને ઘાતક લાગી રહી હતી. આ કવિતા વીર રસમાં લખવામાં આવી છે અને એ દિનકરની કૃતિ ‘રશ્મિરથી’માં ત્યારે આવે છે જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ શાંતિદૂત બનીને હસ્તિનાપુર પહોંચે છે અને એ સમજાવવાનો પ્રયાસ કરે છે કે યુદ્ધ કોઈ પણ સમસ્યાનો ઉકેલ નથી, શાંતિ સર્વોપરી છે.
અમારી લડાઈ આતંકવાદ સામે, પાકિસ્તાન તેમની સાથે, નુકસાન માટે ખુદ જવાબદાર
પ્રેસ-બ્રીફિંગમાં ઇન્ડિયન આર્મીના ડિરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઑપરેશન્સ (DGMO) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ કહ્યું હતું કે ‘અમારી લડાઈ આતંકવાદ અને આતંકવાદીઓ સામે હતી એટલે ૭ મેએ અમે માત્ર આતંકવાદીઓના અડ્ડાઓ પર જ હુમલો કર્યો હતો, પણ અફસોસ એ વાતનો છે કે પાકિસ્તાની સેનાએ આતંકવાદીઓને સાથ આપવાનું મુનાસિબ માન્યું. આ લડાઈને તેમણે પોતાની લડાઈ બનાવી દીધી. એના પછી અમે જવાબી કાર્યવાહી કરી અને એમાં તેમને જે નુકસાન થયું છે એના માટે તેઓ ખુદ જવાબદાર છે. અમારી ઍર ડિફેન્સ સિસ્ટમ દીવાલની જેમ મજબૂત હતી. અમે હુમલાને નિષ્ફળ કરવાની તૈયારી કરી રાખી હતી. કહેવાય છે કે જ્યારે ઉત્સાહ ઊંચો હોય ત્યારે લક્ષ્યો પણ તમારા પગને ચૂમે છે.’
પાપનો ઘડો ભરાયો હતો, LoC કે IB પાર કર્યા વિના આતંકવાદીઓ પર હુમલા કર્યા
લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ જણાવ્યું હતું કે ‘ઑપરેશન સિંદૂરની ઍર ડિફેન્સ કાર્યવાહીમાં આપણે એક સંદર્ભ સમજવાની જરૂર છે. ગયાં કેટલાંક વર્ષોમાં આતંકવાદી ગતિવિધિના કૅરૅક્ટરમાં બદલાવ આવી રહ્યો હતો. તેઓ આપણી સેના સિવાય હવે નિર્દોષ લોકો પર પણ હુમલા કરી રહ્યા હતા. ૨૦૨૪માં શિવખોડી મંદિર જનારા તીર્થયાત્રીઓ પર અને હવે પહલગામમાં નિર્દોષ ટૂરિસ્ટો પર હુમલો કરવામાં આવ્યો હતો. પહલગામ સુધીમાં તેમના પાપનો ઘડો ભરાઈ ચૂક્યો હતો. અમે લાઇન ઑફ કન્ટ્રોલ (LoC) કે ઇન્ટરનૅશનલ બૉર્ડર (IB) પાર કર્યા વિના આતંકવાદીઓ પર હુમલા કર્યા હતા. અમને ખબર હતી કે તેઓ હુમલો કરશે એટલે આપણી ઍર ડિફેન્સ સિસ્ટમ જવાબ આપવા તૈયાર હતી.’
ટર્કીના ડ્રોનની શું હાલત થઈ એ દુનિયાએ જોયું, ચીનની મિસાઇલ PL-15 તોડી પાડી
ઍર માર્શલ એ. કે. ભારતીએ એક સવાલના જવાબમાં કહ્યું હતું કે ‘ટર્કીનાં ડ્રોન હોય કે બીજા કોઈ પણ દેશનાં ડ્રોન હોય, આપણી ઍર ડિફેન્સ સિસ્ટમ સામે તેઓ ટકી ન શક્યાં, એનો કાટમાળ લોકોએ જોયો છે. ટર્કીનાં ડ્રોનની શું હાલત થઈ છે એ દુનિયાએ જોઈ છે. પાકિસ્તાન દ્વારા છોડવામાં આવેલી ચીની મૂળની PL-15 મિસાઇલ એના લક્ષ્યને ચૂકી ગઈ અને એના ટુકડાઓ મળ્યા. આ માટે આપણી આકાશ સિસ્ટમનો ઉપયોગ થયો હતો. પાકિસ્તાનના એક-એક ડ્રોનને લેઝર ગન અને સ્વદેશી કાઉન્ટર ડ્રોન સિસ્ટમથી તોડી પાડ્યાં હતાં. અમે નૂર ખાન ઍર બેઝને નષ્ટ કર્યું છે.’
એ. કે. ભારતીએ પાકિસ્તાન દ્વારા ઉપયોગમાં લેવાતી મિસાઇલ અને અન્ય શસ્ત્રોનાં ચિત્રો પણ શૅર કર્યાં જેને ભારત દ્વારા તોડી પાડવામાં આવ્યાં હતાં. એમાં લાંબા અંતરનાં રૉકેટ, લોઇટર દારૂગોળા અને ટર્કી મૂળનાં YIHA ડ્રોન સામેલ હતાં.
નૌકા દળે દુશ્મનનાં હવાઈ જહાજોને પાસે આવવાનો મોકો ન આપ્યો
નૌકા દળના વાઇસ ઍડમિરલ એ. એન. પ્રસાદે જણાવ્યું હતું કે ‘ભારતીય નૌકા દળે પાકિસ્તાન તરફથી કોઈ પણ ખતરાનો સામનો કરવા અનેક લેયરની તૈયારી કરી હતી. અમારાં ફાઇટર વિમાનો, રડાર રાત-દિવસ તૈયાર હતાં. દુશ્મનનાં હવાઈ જહાજોને આપણી ૧૦૦ કિલોમીટર નજીક આવવાનો મોકો આપ્યો નહોતો.’

