૨૦૨૩ પહેલાં ઉત્પાદિત થયેલાં વાહનોમાં ૨૦ ટકા ઇથેનૉલ સાથેના પેટ્રોલનો ઉપયોગ થવાનો છે, એની સામે કોઈ વિદેશીએ અરજી કરી હતી : સર્વોચ્ચ અદાલતે ભડકીને કહ્યું કે પેટ્રોલનો ઉપયોગ કેવી રીતે કરવો એ શું વિદેશીઓ આપણને કહેશે?
સુપ્રીમ કોર્ટની ફાઈલ તસવીર
કેન્દ્ર સરકારે ૨૦૨૫-’૨૬ સુધીમાં ૨૦ ટકા ઇથેનૉલ સાથે પેટ્રોલનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. સરકારના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે અરજીને સંપૂર્ણપણે ફગાવી દીધી છે. ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (CJI) બી. આર. ગવઈ અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે અરજી ફગાવી દેતાં કહ્યું હતું કે કોઈ વિદેશી આપણે પેટ્રોલનો ઉપયોગ કેવી રીતે કરવો એ ન કહી શકે.
સુપ્રીમ કોર્ટે અરજી કેમ ફગાવી?
ADVERTISEMENT
કેન્દ્ર સરકાર વતી ઍટર્ની જનરલ આર. વેન્કટરમણીએ સુપ્રીમ કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. અરજીની સુનાવણી શરૂ થતાં જ ઍટર્ની જનરલે બેન્ચને જણાવ્યું કે અરજદાર ખરેખર ઇંગ્લૅન્ડનો છે, જેણે ઇથેનૉલમાંથી પેટ્રોલ બનાવવા સામે વાંધો ઉઠાવ્યો છે. આ સાંભળીને બેન્ચે અરજી ફગાવી દીધી હતી.
અરજદારે કોર્ટમાં શું કહ્યું?
કેસની સુનાવણી દરમ્યાન વરિષ્ઠ વકીલ શાદાન ફરાસેટે અરજદાર વતી દલીલ કરતાં ૨૦૨૧ના નીતિ આયોગના અહેવાલનો ઉલ્લેખ કર્યો હતો. આ અહેવાલ મુજબ ૨૦૨૩ પહેલાં ઉત્પાદિત વાહનોમાં ઇથેનૉલ સાથે બનેલા પેટ્રોલનો ઉપયોગ કરવામાં આવશે.
અરજદારના વકીલે કહ્યું હતું કે ‘અમને એક વિકલ્પ આપવો જોઈએ. અમે E20ની વિરુદ્ધ નથી, પરંતુ સપ્લાયર્સે ધ્યાન રાખવું જોઈએ કે ૨૦૨૩ પહેલાં ઉત્પાદિત મોટા ભાગનાં વાહનો E20નો સામનો કરી શકશે નહીં.’
કેન્દ્ર સરકારે પોતાનો પક્ષ રજૂ કર્યો
ઍટર્ની જનરલ આર વેન્કટરમણીએ કોર્ટમાં દલીલ કરતાં કહ્યું કે ‘અરજદાર કોઈ લૉબીનો ભાગ હોઈ શકે છે. શેરડીના ખેડૂતોને E20થી સીધો ફાયદો થશે અને દેશના વિદેશી હૂંડિયામણ-ભંડારમાં પણ બચત થશે. ઍટર્ની જનરલે કહ્યું હતું કે શું દેશની બહાર રહેતા લોકો હવે નક્કી કરશે કે ભારતમાં કયા બળતણનો ઉપયોગ કરવામાં આવશે?’
E20 પેટ્રોલ પર વિવાદ
ઘણા લોકો માને છે કે E20માંથી બનેલું પેટ્રોલ કાર અને ઑટોના એન્જિન અને માઇલેજને અસર કરી શકે છે, ઉપરાંત વાહનને નુકસાન થવાનું જોખમ રહેશે. જોકે સરકારનું કહેવું છે કે E20 બ્લેન્ડ પેટ્રોલનો ઉપયોગ કરવાથી પ્રદૂષણ ઘટશે એટલું જ નહીં, પૈસા પણ બચશે; આ સાથે એ વાહનની ક્ષમતામાં પણ વધારો કરશે.

