બાગુ ખાન POKમાંથી ભારતમાં ઘૂસવાના રસ્તાઓનો માસ્ટર હોવાથી હ્યુમન GPS તરીકે કુખ્યાત હતો
આતંકવાદી બાગુ ખાન ઉર્ફે સમંદરચાચા
સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ગુરેઝ સેક્ટરમાં લાઇન ઑફ કન્ટ્રોલ (LoC) નજીક હ્યુમન GPS (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ) તરીકે કુખ્યાત આતંકવાદી બાગુ ખાન ઉર્ફે સમંદરચાચાને ઠાર માર્યો છે. બાગુ ખાન ૧૯૯૫થી પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (POK)માં રહેતો હતો. તે છેલ્લાં ૨૫ વર્ષથી આતંકવાદી પ્રવૃત્તિઓમાં સક્રિય હતો અને ઘૂસણખોરીના સૌથી જૂના મદદગારોમાંનો એક હતો. તે ઘૂસણખોરીની ૧૦૦થી વધુ ઘટનાઓમાં સામેલ હતો.
બાગુ ખાન જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરીના તમામ માર્ગોથી વાકેફ હતો અને પકડાઈ જવાથી બચવાના રસ્તાઓ પણ જાણતો હતો. તેથી જ તેનું નામ હ્યુમન GPS રાખવામાં આવ્યું હતું. તે સુરક્ષા એજન્સીઓની યાદીમાં હિઝબુલ મુજાહિદ્દીનનો મોસ્ટ વૉન્ટેડ આતંકવાદી હતો. તે જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તય્યબાના આતંકવાદીઓને ઘૂસણખોરીમાં મદદ કરતો હતો.
ADVERTISEMENT
૨૮ ઑગસ્ટે ગુરેઝ સેક્ટરમાં ઘૂસણખોરીના પ્રયાસ દરમ્યાન સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ વચ્ચે બાગુ ખાન સાથે એન્કાઉન્ટર થયું હતું. તે તેના એક સાથી સાથે માર્યો ગયો હતો. બીજા આતંકવાદીની ઓળખ થઈ નથી. જોકે બન્નેના મૃતદેહ મળી આવ્યા છે.

