ભારત-પાકિસ્તાનના ટેન્શન વચ્ચે IMAએ ડૉક્ટરોને કહ્યું...
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ છે ત્યારે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ઇન્ડિયન મેડિકલ અસોસિએશન (IMA)એ એક ઍડ્વાઇઝરી જાહેર કરી છે, જેમાં ડૉક્ટરોને અલર્ટ રહીને ઇમર્જન્સી મેડિકલ રિસ્પૉન્સ માટે તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે.
IMAના મહારાષ્ટ્ર ચૅપ્ટરના પ્રેસિડન્ટ ડૉ. સંતોષ કદમે ઍડ્વાઇઝરી વિશે કહ્યું હતું કે ‘રાષ્ટ્રીય સંકટના સમયમાં અમારી સ્વાસ્થ્ય સેવા સિસ્ટમની તાક માત્ર મૂળભૂત ઢાંચામાં નહીં પણ ડૉક્ટરોની તત્પરતા અને ભાવનામાં રહેલી છે. IMAએ તમામ મેમ્બર ક્લિનિક્સ, નર્સિંગ હોમ્સ અને હૉસ્પિટલોને જરૂરી ઇમર્જન્સી મેડિસિન્સ, ડ્રેસિંગ મટીરિયલ્સ અને લાઇફ-સેવિંગ ડ્રગ્સનો પૂરતો પુરવઠો રાખવાનો નિર્દેશ આપ્યો છે. ઉપરાંત અમે દરેક બ્રાન્ચમાં ડૉક્ટર, સર્જ્યન, ઍનેસ્થેસ્ટિટ્સ, ઇમર્જન્સી ફિઝિશ્યન્સ અને વૉલન્ટિયર્સ સહિત ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ટાસ્ક ફોર્સ બનાવવાની ભલામણ કરી છે.’
ADVERTISEMENT
રક્તદાન કરીને જીવન બચાવો
યુદ્ધના સમયમાં લોહીની વધુ જરૂર રહે છે એને ધ્યાનમાં રાખીને અસોસિએશન ઑફ મેડિકલ કન્સલ્ટન્ટ્સ (AMC) - મુંબઈએ ભારતના નાગરિકોને રક્તદાન કરવાની અપીલ કરી છે. બૉર્ડર પર યુદ્ધ લડી રહેલા આપણા સૈનિકો અને સીમા પાસેના રહેવાસીઓ ઘાયલ થઈ રહ્યા છે તેમને પૂરતું લોહી મળી શકે એ માટે બ્લડ ડોનેટ કરવાની અપીલ કરવામાં આવી હોવાનું AMCના પ્રેસિડન્ટ ડૉ. રાજીવ અગરવાલે કહ્યું હતું. બ્લડ ડોનેટ કરવા માટે ડૉ. રાજીવ અગરવાલનો 93245 47676 અને ડૉ. પ્રશાંત કેરકરનો 98205 52108 પર સંપર્ક કરી શકાશે.

