આ બાળકી ભવિષ્યમાં પુરુષ ટીમમાં સ્થાન મેળવવાની કલ્પના રાખી શકે છે.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
પાકિસ્તાનની છ વર્ષની સોનિયા ખાન નામની બાળકીએ ખૂબ જ પર્ફેક્શન સાથે પુલ શૉટ માર્યો હોવાનો વિડિયો દુનિયાભરના ક્રિકેટરસિકોમાં વાઇરલ થયો છે. ક્રિકેટમાં એને સૌથી સારો શૉટ માનવામાં આવે છે અને ટીમ ઇન્ડિયાનો કૅપ્ટન રોહિત શર્મા આવા શૉટ મારવા માટે જાણીતો હોવાથી લોકો તેની તુલના રોહિત સાથે કરી રહ્યા છે. ઇંગ્લિશ ક્રિકેટ અમ્પાયર રિચર્ડ કેટલબોરોએ આ વિડિયો સોશ્યલ મીડિયામાં શૅર કર્યો છે અને એની કૅપ્શનમાં લખ્યું છે, ‘છ વર્ષની પાકિસ્તાનની પ્રતિભાશાળી સોનિયા ખાન (રોહિત શર્માની જેમ પુલ શૉટ રમે છે).’ આ વિડિયોને એક મિલ્યનથી વધારે લોકોએ જોયો છે અને હજારો લોકોએ એને લાઇક કર્યો છે. આ વિડિયો જોઈને યુઝર્સે મજેદાર કમેન્ટ્સ આપી છે. એક યુઝરે લખ્યું છે કે જે રીતે ન્યુ ઝીલૅન્ડ સામેની સિરીઝમાં પાકિસ્તાનની પુરુષ ટીમ રમી રહી છે એ જોતાં આ બાળકી ભવિષ્યમાં પુરુષ ટીમમાં સ્થાન મેળવવાની કલ્પના રાખી શકે છે. ઘણા યુઝર્સે તો લખ્યું છે કે તેને હાલમાં જ પાકિસ્તાનની ટીમમાં રમવા મોકલી દેવી જોઈએ.

