ઉત્તર પ્રદેશના BJPના એક વિધાનસભ્યના એક વર્ષથી ઉપવાસ તો ચાલુ જ છે, હવે ૩૦ દિવસનું મૌનવ્રત શરૂ કર્યું
ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય બ્રિજભૂષણ રાજપૂત
ઉત્તર પ્રદેશમાં મહોબા જિલ્લાના ચરખારી મતવિસ્તારના ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય બ્રિજભૂષણ રાજપૂતે જાહેરાત કરી છે કે તેઓ શ્રાવણ મહિનામાં ૩૦ દિવસનું મૌનવ્રત રાખશે. ઉત્તર ભારતમાં શુક્રવારથી શ્રાવણ માસની શરૂઆત થઈ છે. આ જાહેરાત બ્રિજભૂષણ રાજપૂતે તેમના સત્તાવાર ફેસબુક અકાઉન્ટ દ્વારા કરી હતી. ભાવનાત્મક પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે ‘મહાદેવની દૈવીકૃપાથી મારા ઉપવાસના ૩૬૫ દિવસ પૂર્ણ થયા છે. આ યાત્રા ૩૬૬મા દિવસે પણ ચાલુ રહે છે. પવિત્ર શ્રાવણ મહિનામાં હું ૩૦ દિવસનું મૌનવ્રત રાખીશ. આ વ્રત મારા આત્મચિંતન, ભક્તિ અને ભગવાન શિવ સાથેના જોડાણને વધુ ગાઢ બનાવવાનો પ્રયાસ છે.’
ધાર્મિક ઉપવાસમાં રાજપૂત ફક્ત ફ્રૂટ્સ ખાય છે. બ્રિજભૂષણ રાજપૂતે તેમના મતદારોને ખાતરી આપી કે તેમનો પરિવાર અને ટીમ આ સમયગાળા દરમ્યાન જનતાની સેવા કરવાનું ચાલુ રાખશે, તેઓ સોશ્યલ મીડિયા દ્વારા લોકો સાથે જોડાયેલા રહેશે.

