દક્ષિણ કોરિયાની રાજધાની સોલમાં સુરક્ષા વધારવાના હેતુથી પોલીસ-પૅટ્રોલિંગ ઉપરાંત ઠેર-ઠેર પોલીસના હોલોગ્રામ પણ ઊભા કરવામાં આવ્યા છે.
હોલોગ્રામ
રાતના સમયે શહેરમાં કોઈ પણ અનિચ્છનીય ઘટના ન ઘટે એ માટે પોલીસ-પૅટ્રોલિંગ થતું હોય છે. જોકે દક્ષિણ કોરિયાની રાજધાની સોલમાં સુરક્ષા વધારવાના હેતુથી પોલીસ-પૅટ્રોલિંગ ઉપરાંત ઠેર-ઠેર પોલીસના હોલોગ્રામ પણ ઊભા કરવામાં આવ્યા છે. લેસર અને લાઇટના પ્રોજેક્શનથી ક્રીએટ થતી આભાસી પોલીસની આકૃતિને કારણે લોકોને સતત તેઓ પોલીસની નિગરાનીમાં છે એવો ભાસ થયા કરે છે. રોજ સાંજે સાત વાગ્યાથી રાતના મોડે સુધી સોલ શહેરના વ્યસ્ત વિસ્તારો, પાર્ક અને જાહેર જગ્યાઓ વિપુલ માત્રામાં કૅમેરાની નિગરાનીમાં લાગેલા છે. જોકે એમ છતાં અપરાધીઓને ખોટું કરતાં ડર લાગે એ માટે પોલીસે હોલોગ્રાફિક પોલીસ ખડી કરી છે. આ પોલીસોની જગ્યાઓ સતત બદલાતી રહે છે એને કારણે લોકોને વારંવાર ભાન થયા કરે છે કે પોલીસ અહીં આસપાસમાં જ છે. સ્થાનિક પ્રશાસનનું કહેવું છે કે જ્યારથી આ આભાસી પોલીસ તહેનાત કરવામાં આવી છે ત્યારથી એ વિસ્તારોમાં ગુનાખોરીના આંકડામાં નોંધનીય ઘટાડો થયો છે. આ પોલીસો હકીકતમાં નાગરિકોની સુરક્ષા નથી કરી શકવાના, છતાં ગુનેગારોના મનમાં પોલીસના ડરને કારણે ગુનાની સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો છે. જોકે હોલોગ્રાફિક પોલીસ જ્યાં દેખાય છે ત્યાં આસપાસમાં કૅમેરાનું સઘન નેટવર્ક હોય છે એટલે સર્વરરૂમમાંથી એના પર સતત ચાંપતી નજર રહે છે અને કોઈ ખોટું કામ કરતું હોય તો ગણતરીની મિનિટોમાં અસલી પોલીસ ત્યાં પહોંચી જઈ
શકે છે.

