ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લાના ઉત્તરા ગૌરી ગામમાં ૮૨ વર્ષનાં સરલા સિંહ નામનાં માજીને એપ્રિલ મહિનાથી તેમના ખાતામાં પેન્શન જમા થતું બંધ થઈ ગયું હતું
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
તમે ભલે હાજરાહજૂર સદેહે પૃથ્વી પર હયાત હો, સરકારી ચોપડામાં તમારું મૃત્યુ થઈ ગયું છે એવું એક વાર નોંધાઈ જાય એ પછી એને બદલવું મુશ્કેલ થઈ જાય છે. જોકે જીવતો માણસ એમ જ કેમ ચોપડે મૃત જાહેર થઈ જાય છે એ હંમેશાં કોયડો રહ્યો છે. ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લાના ઉત્તરા ગૌરી ગામમાં ૮૨ વર્ષનાં સરલા સિંહ નામનાં માજીને એપ્રિલ મહિનાથી તેમના ખાતામાં પેન્શન જમા થતું બંધ થઈ ગયું હતું. માજી માટે આ જ એક આવકનું સાધન હતું. એક-બે મહિના સુધી પેન્શન ન આવ્યું ત્યાં સુધી ઠીક હતું, પણ જેવો ઘરખર્ચમાં હાથ ખેંચાવા લાગ્યો એટલે માજી પોતાની બૅન્કમાં ગયાં. તેમના ખાતામાં પેન્શન કેમ નથી આવતું એ માટે કલાકો સુધી બૅન્કમાં એક ટેબલથી બીજા ટેબલ પૂછપરછ કરી ત્યારે ખબર પડી કે તેમનું તો મૃત્યુ થઈ ગયું છે. હા, પંચાયતના સેક્રેટરીએ નવા વર્ષના રેકૉર્ડને અપડેટ કરતી વખતે ૮૨ વર્ષનાં માજીને મૃત જાહેર કરી દીધાં હતાં. મરી ગયેલી વ્યક્તિને પેન્શન ન મળે એટલે તેમની આવક બંધ થઈ ગઈ હતી. હવે માજી પોતે જીવતાં છે એનો પુરાવો લાવશે ત્યારે જ ફરીથી પેન્શન અકાઉન્ટની અરજી પર પ્રોસેસ થશે. સરલા સિંહ અને તેમનો દીકરો સુરેન્દ્ર સિંહ પંચાયતથી લઈને તાલુકા વિકાસ અધિકારી સુધી ફરિયાદ કરી આવ્યાં છે, પણ હજી તેમની સમસ્યાનું સમાધાન નથી મળ્યું. હવે તેમણે ઉત્તર પ્રદેશ સરકારની જનસુનાવણી પોર્ટલ પર ફરિયાદ કરી ત્યારે અધિકારીઓ જાગ્યા છે. હવે તેમને જલદીથી ઉકેલ આપવામાં આવશે એવું સાંત્વન મળ્યું છે.


