T20 ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્ત થયેલા રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજા પોતાનો A+ કૅટેગરીનો કૉન્ટ્રૅક્ટ ગુમાવી શકે છે
રોહિત શર્મા, વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા
ભારતીય મેન્સ ક્રિકેટ ટીમના નવા સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટને લઈને કેટલાક મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલ અનુસાર ૨૯ માર્ચે ગુવાહાટીમાં ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી દેવજિત સૈકિયા, ચીફ સિલેક્ટર અજિત આગરકર અને હેડ કોચ ગૌતમ ગંભીર વચ્ચે સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટના નવા લિસ્ટ પર ચર્ચા થશે. T20 ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્ત થયેલા રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજા પોતાનો A+ કૅટેગરીનો કૉન્ટ્રૅક્ટ ગુમાવી શકે છે, કારણ કે આ કૅટેગરીમાં ત્રણેય ફૉર્મેટમાં રમનાર પ્લેયર્સને જ સ્થાન મળે છે. આ કિસ્સામાં તેમના કૉન્ટ્રૅક્ટની કૅટેગરીમાં ફેરફાર નક્કી છે.
અહેવાલ અનુસાર ડોમેસ્ટિક ક્રિકેટ અને ચૅમ્પિયન્સ ટ્રોફી 2025માં શાનદાર પ્રદર્શન કરનાર મિડલ ઑર્ડર બૅટર શ્રેયસ ઐયર ફરી સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટ લિસ્ટમાં સામેલ થઈ શકે છે, જ્યારે વર્ષ ૨૦૨૩થી ભારતીય ટીમની બહાર રહેલા ઈશાન કિશનનો સમાવેશ મુશ્કેલ છે. છેલ્લા કેટલાક મહિનામાં ભારતીય ટીમ માટે શાનદાર પ્રદર્શન કરનાર ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડી, મિસ્ટરી સ્પિનર વરુણ ચક્રવર્તી અને ઓપનર અભિષેક શર્માને તેમનો પહેલો સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટ મળી શકે છે.

