માત્ર ૧૯૭૧ અને ૨૦૨૧માં મળી હતી ટેસ્ટ-જીત, આ મેદાન પર છેલ્લે ભારત ઑસ્ટ્રેલિયા સામે WTC ફાઇનલ હાર્યું હતું
પ્રૅક્ટિસ દરમ્યાન ધ ઓવલમાં પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ ક્રિષ્ના અને આકાશ દીપ.
શુભમન ગિલ ઍન્ડ કંપનીએ લંડનના ધ ઓવલ સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડ સામેની પાંચમી ટેસ્ટ-મૅચની તૈયારી શરૂ કરી દીધી છે. આ મેદાન પર ભારતનો રેકૉર્ડ સાધારણ રહ્યો છે. ભારત અહીં ૧૫માંથી માત્ર બે ટેસ્ટ-મૅચ જીત્યું છે, જ્યારે ૬ મૅચ હાર્યું છે અને ૭ મૅચ ડ્રૉ રહી છે. આ મેદાન પર ભારત છેલ્લે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC) ફાઇનલ મૅચ રમ્યું હતું અને ૨૦૯ રને હાર્યું પણ હતું.
ઇંગ્લૅન્ડ સામે અહીં ભારત સપ્ટેમ્બર ૨૦૨૧માં છેલ્લી ટેસ્ટ-મૅચ રમ્યું હતું. ઑગસ્ટ ૧૯૭૧માં મુંબઈના દિવંગત ક્રિકેટર અજિત વાડેકરના નેતૃત્વમાં પહેલી વખત ટેસ્ટ ચાર વિકેટે જીત્યું હતું. એનાં ઑલમોસ્ટ ૫૦ વર્ષ બાદ ભારતે ૨૦૨૧માં વિરાટ કોહલીના નેતૃત્વમાં ૧૫૭ રને બીજી ટેસ્ટ-જીત નોંધાવી હતી.
ADVERTISEMENT
વિકેટકીપર-બૅટર નારાયણ જગદીસને પણ ટીમ સાથે જોડાઈને તૈયારી શરૂ કરી.
ભારતના મુખ્ય સ્પિનર બોલર કુલદીપ યાદવે પણ ખૂબ પ્રૅક્ટિસ કરી હતી.
આ મેદાન પર ઇંગ્લૅન્ડ ૧૦૬માંથી ૪૫ મૅચ જીત્યું છે અને ૨૪માં હાર્યું છે, જ્યારે ૩૭ ટેસ્ટ ડ્રૉ રહી છે. વિદેશી ટીમોમાંથી ઑસ્ટ્રેલિયા અહીં સૌથી વધુ મૅચ રમ્યું છે અને જીત્યું-હાર્યું પણ છે. ઑસ્ટ્રેલિયા ધ ઓવલમાં ૪૦ ટેસ્ટ રમ્યું છે જેમાં ૮ જીત, ૧૮ હાર અને ૧૪ ડ્રૉ સામેલ છે. એના સિવાય વેસ્ટ ઇન્ડીઝ (૧૬ ટેસ્ટમાંથી ૬ જીત, ૭ હાર, ૩ ડ્રૉ), સાઉથ આફ્રિકા (૧૬ ટેસ્ટમાંથી ૧ જીત, ૮ હાર, ૭ ડ્રૉ), પાકિસ્તાન (૧૦ ટેસ્ટમાંથી પાંચ જીત, ૩ હાર અને બે ડ્રૉ), ન્યુ ઝીલૅન્ડ (૯ ટેસ્ટમાંથી ૧ જીત, ૪ હાર, ૪ ડ્રૉ) અને શ્રીલંકા (બે ટેસ્ટમાંથી બે હાર)નો રેકૉર્ડ પણ અહીં સાધારણ જ રહ્યો છે.
ગઈ કાલે સાઈ સુદર્શને નેટમાં ખૂબ બૅટિંગ-પ્રૅક્ટિસ કરી હતી.
3189
આટલા રન ફટકારી ચૂકી છે ભારતીય ટીમ આ ટેસ્ટ-સિરીઝમાં, વિદેશની ધરતી પર ભારતનો આ સૌથી વધુનો રેકૉર્ડ છે.
ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા વિદેશમાં ટેસ્ટ-મૅચ જિતાડી શકતો નથી : નવજોત સિંહ સિધુ
ભૂતપૂર્વ ભારતીય ઓપનર અને કૉમેન્ટેટર નવજોત સિંહ સિધુએ ભારતીય ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેઓ કહે છે, ‘મેં જાડેજાની ખૂબ પ્રશંસા કરી છે, પણ એક કમી તેની વિદેશોમાં બહાર આવી છે. કપિલ દેવ બોલિંગ ઑલરાઉન્ડર હતા છતાં તેમણે વિદેશમાં ભારત માટે ઘણી ટેસ્ટ-મૅચ જિતાડી છે. જાડેજા વિદેશોમાં સહાયક ભૂમિકામાં ઝડપી અને ચુસ્ત બોલિંગ કરે છે, પરંતુ ટેસ્ટ-મૅચ જિતાડી શક્યો નથી અને આ પહેલી ટેસ્ટ-મૅચથી સાબિત થયું છે.’
વર્તમાન ભારત-ઇંગ્લૅન્ડ સિરીઝમાં જાડેજાએ ૧૧૩.૫૦ની ઍવરેજથી ૪૫૪ રન બનાવ્યા છે જેમાં એક સદી અને ચાર અડધી સદીનો સમાવેશ થાય છે. તેણે ૭ વિકેટ પણ લીધી છે. જોકે લૉર્ડ્સ ટેસ્ટ-મૅચના અંતિમ સેશનમાં જ્યારે અંતિમ વિકેટ બાકી હતી અને માત્ર ૩૦ રનની જરૂર હતી ત્યારે તેણે આક્રમક શૉટ ન રમ્યા ત્યારે તેની ટીકા પણ થઈ હતી.

