ટીમ ઇન્ડિયા સામે પહેલી વાર સદી ફટકારનાર જેમી સ્મિથ અને હૅરી બ્રૂકે ઇંગ્લૅન્ડ માટે ૩૦૩ રનની રેકૉર્ડ ભાગીદારી કરી, ભારત તરફથી માત્ર મોહમ્મદ સિરાજ અને આકાશ દીપને વિકેટ મળી : પહેલી વાર ઇંગ્લૅન્ડના ૬ બૅટર્સ ઝીરોમાં આઉટ થયા
છઠ્ઠી વિકેટ માટે ૩૬૮ બૉલમાં ૩૦૩ રનની ભાગીદારી કરી હૅરી બ્રૂક (ડાબે) અને જેમી સ્મિથે.
પહેલી ઇનિંગ્સમાં ઇંગ્લૅન્ડ ૪૦૭ રને આૅલઆઉટ થયું, ત્રીજા દિવસના અંતે ભારતનો સ્કોર ૬૪/૧, ભારતની ૨૪૪ રનની લીડ
બર્મિંગહૅમના ઍજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડમાં બીજી ટેસ્ટ-મૅચના ત્રીજા દિવસે બન્ને ટીમ વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી હતી. ભારતીય ટીમના ૫૮૭ રનના સ્કોર સામે ઇંગ્લૅન્ડે જેમી સ્મિથ અને હૅરી બ્રૂકની ૩૦૩ રનની ભાગીદારીના આધારે ૮૯.૩ ઓવરમાં ૪૦૭ રને તમામ વિકેટ ગુમાવી દીધી હતી. પહેલી ઇનિંગ્સના સ્કોરના આધારે ઇંગ્લૅન્ડ ૧૮૦ રનથી પાછળ હતું. ત્રીજા દિવસના અંતે ભારતે ૧૩ ઓવરમાં એક વિકેટ ગુમાવીને ૬૪ રન કર્યા હતા. હવે ભારત પાસે ૨૪૪ રનની લીડ થઈ ગઈ છે.
ADVERTISEMENT
ઇંગ્લૅન્ડે એક ૩૦૦ પ્લસ રનની ભાગીદારી કે બે ૧૫૦ પ્લસ રનની ઇનિંગ્સ છતાં લોએસ્ટ ઑલઆઉટ ટોટલ ૪૦૭ રન કરવાનો રેકૉર્ડ કર્યો છે. પહેલી વાર ઇંગ્લૅન્ડના ૬ બૅટર્સ એક ઇનિંગ્સમાં ઝીરોમાં આઉટ થયા હતા. ટેસ્ટ-ક્રિકેટમાં પહેલી વાર કોઈ ટીમના ૪૦૦ પ્લસ રનના સ્કોરમાં ૬ બૅટર્સ ઝીરો રને આઉટ થયા હતા.
ત્રીજા દિવસની રમતમાં ઇંગ્લૅન્ડે ૨૧મી ઓવરમાં ૩ વિકેટે ૭૭ રનના સ્કોરથી ઇનિંગ્સની શરૂઆત કરી ત્યારે ઇંગ્લૅન્ડે બાવીસમી ઓવરમાં સળંગ બે વિકેટ ગુમાવી દીધી હતી. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજની ઓવરમાં અનુભવી બૅટર જો રૂટ (૪૬ બૉલમાં ૨૨ રન) અને કૅપ્ટન બેન સ્ટોક્સ (એક બૉલ - ઝીરો) વિકેટકીપર રિષભ પંતને કૅચ આપી બેઠા હતા. જોકે સાતમા ક્રમે આવેલા જેમી સ્મિથે (૨૦૭ બૉલમાં ૧૮૪ રન અણનમ) છઠ્ઠી વિકેટ માટે હૅરી બ્રૂક (૨૩૪ બૉલમાં ૧૫૮ રન) સાથે ૩૦૩ રનની વિશાળ ભાગીદારી કરી હતી.
આ ભાગીદારીને કારણે ઇંગ્લૅન્ડનો સ્કોર ૮૪-૫થી ૩૮૭-૬ સુધી પહોંચ્યો હતો. ભારત સામે ટેસ્ટ-મૅચમાં ઇંગ્લૅન્ડ તરફથી છઠ્ઠા કે એથી નીચેના ક્રમની આ સૌથી મોટી ભાગીદારી હતી. આ વિકેટ માટે ઇંગ્લૅન્ડની ઓવરઑલ ત્રીજી ૩૦૦ પ્લસ રનની ભાગીદારી હતી. ભારત સામે ઇંગ્લૅન્ડની આ કોઈ પણ વિકેટની ત્રીજી ૩૦૦ પ્લસની પાર્ટનરશિપ હતી.
મોહમ્મદ સિરાજ (૭૦ રનમાં ૬ વિકેટ) અને આકાશ દીપ (૮૮ રનમાં ૪ વિકેટ)એ મળીને ઇંગ્લૅન્ડને ઑલઆઉટ કર્યું હતું. પહેલી ઇનિંગ્સમાં ઇંગ્લૅન્ડે પોતાની અંતિમ પાંચ વિકેટ સાત ઓવરમાં ૨૦ રનમાં ગુમાવી દીધી હતી. ઇંગ્લૅન્ડના પૂંછડિયા બૅટર્સ બ્રાયડન કાર્સ, જોશ ટોન્ગ અને શોએબ બશીર ઝીરોમાં આઉટ થયા હતા.
મોહમ્મદ સિરાજે ઇંગ્લૅન્ડમાં પહેલી વાર પાંચ પ્લસ વિકેટ લીધી હતી. તેણે મૅચમાં ૬ વિકેટ લીધી હતી.
ટેસ્ટ-ક્રિકેટમાં પહેલી વાર ગોલ્ડન ડક થયો કૅપ્ટન બેન સ્ટોક્સ
ઇંગ્લૅન્ડની પહેલી ઇનિંગ્સની બાવીસમી ઓવરમાં કૅપ્ટન બેન સ્ટોક્સ ગોલ્ડન ડક એટલે કે પહેલા જ બૉલે ઝીરો રનના સ્કોર પર આઉટ થયો હતો. ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજના બાઉન્સર સામે સ્ટોક્સે લય ગુમાવ્યો અને વિકેટકીપર રિષભ પંતના હાથે કૅચ આપી બેઠો હતો. વર્ષ ૨૦૧૩થી તેની ટેસ્ટ-કરીઅરમાં તે પહેલી વાર ગોલ્ડન ડક થયો હતો. બેઝબૉલ યુગની શરૂઆત એટલે કે મે ૨૦૨૨ પછી સ્ટોક્સ કૅપ્ટન તરીકે સૌથી વધુ ૧૬ સિંગલ ડિજિટ સ્કોરમાં આઉટ થવાનો અનિચ્છનીય રેકૉર્ડ પણ ધરાવે છે.
જેમી સ્મિથે ૮૦ બૉલમાં સદી ફટકારીને કપિલ દેવનો ૪૩ વર્ષનો જૂનો રેકૉર્ડ તોડ્યો
જેમી સ્મિથે ભારત સામે ૮૦ બૉલમાં સેન્ચુરી મારીને ખલબલી મચાવી દીધી હતી. ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચેની ટેસ્ટ-સિરીઝની દૃષ્ટિએ તેણે ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન કપિલ દેવનો ૮૬ બૉલની ફાસ્ટેસ્ટ સદીનો રેકૉર્ડ તોડ્યો હતો જે તેમણે વર્ષ ૧૯૮૨માં કાનપુર-ટેસ્ટમાં બનાવ્યો હતો. તે ભારત સામે ૧૫૦ પ્લસ રનની ટેસ્ટ-ઇનિંગ્સ રમનાર ઇંગ્લૅન્ડનો પહેલો વિકેટકીપર-બૅટર પણ બન્યો હતો. તે સંયુક્ત રીતે ત્રીજા ક્રમે હૅરી બ્રૂક સાથે ફાસ્ટેસ્ટ સદી ફટકારનાર ઇંગ્લૅન્ડનો પ્લેયર બન્યો હતો. જ્યારે ઇંગ્લૅન્ડના વિકેટકીપર-બૅટર તરીકે તેણે મૅટ પ્રાયરના વર્ષ ૨૦૧૨ના ૧૦૫ બૉલમાં ફાસ્ટેસ્ટ સદીના રેકૉર્ડને પણ પાછળ છોડી દીધો હતો.
જેમી સ્મિથે વર્ષો જૂના બે મોટા રેકૉર્ડ તોડ્યા
જેમી સ્મિથે સાતમા ક્રમે આવીને ૧૮૪ રનની અણનમ ઇનિંગ્સ રમીને બે મોટા રેકૉર્ડ તોડ્યા હતા. તે ઇંગ્લૅન્ડના વિકેટકીપર તરીકે સૌથી મોટી ઇનિંગ્સ રમનાર વિકેટકીપર બન્યો હતો. તેણે ઍલેક સ્ટુઅર્ટનો ૧૭૩ રનનો ૧૯૯૭નો ન્યુ ઝીલૅન્ડ સામે બનાવેલો રેકૉર્ડ તોડ્યો હતો. તેણે ઇંગ્લૅન્ડ માટે સાત કે એથી નીચેના ક્રમે સૌથી મોટી ઇનિંગ્સ રમવાનો કે. એસ. રણજિતસિંહજીનો ૧૭૫ રનની ઇનિંગ્સનો ૧૮૯૭નો ઑસ્ટ્રેલિયા સામે બનાવેલો રેકૉર્ડ પણ પોતાના નામે કર્યો હતો.
એક ટેસ્ટ-ઓવરમાં ૨૩ રન આપીને અનિચ્છનીય લિસ્ટમાં સામેલ થયો પ્રસિદ્ધ ક્રિષ્ના
ભારતીય ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાની સામે ઇંગ્લૅન્ડના જેમી સ્મિથે પહેલી ઇનિંગ્સની ૩૨મી ઓવરમાં ચાર ફોર, એક સિક્સ અને એક વાઇડ બૉલની મદદથી ૨૩ રન સ્કોરમાં ઉમેર્યા હતા. તેણે ટેસ્ટ-ક્રિકેટમાં ઑલમોસ્ટ ૫૦૦ બૉલ ફેંકનાર બોલરો વચ્ચે સૌથી ખરાબ ૫.૧૩ની ઇકૉનૉમી રેટથી રન આપવાનો રેકૉર્ડ પણ કર્યો હતો.
ભારતીય ફાસ્ટ બોલર તરીકે એક ટેસ્ટ-ઓવરમાં સૌથી વધુ રન આ પહેલાં બે બોલર આપી ચૂક્યા છે. વર્ષ ૨૦૦૬માં ભારતીય ફાસ્ટ બોલર મુનાફ પટેલે વેસ્ટ ઇન્ડીઝ સામે અને ઇરફાન પઠાણે પાકિસ્તાન સામે અનુક્રમે પચીસ અને બાવીસ રન આપ્યા હતા. ભારત તરફથી વર્ષ ૨૦૦૬માં સ્પિનર હરભજન સિંહે પાકિસ્તાન સામે એક ટેસ્ટ-ઓવરમાં સૌથી વધુ ૨૭ રન આપ્યા હતા.
૧૫ વર્ષ બાદ ઇંગ્લૅન્ડની ધરતી પર બની આ ઘટના
એજબૅસ્ટન ટેસ્ટ-મૅચમાં ભારતીય ફાસ્ટ બોલર આકાશ દીપ અને મોહમ્મદ સિરાજે મળીને ઇંગ્લૅન્ડના ટૉપ-ઑર્ડરના ત્રણ બૅટર્સને ઝીરો પર આઉટ કર્યા હતા. ૧૫ વર્ષ બાદ ઇંગ્લૅન્ડને પોતાની ધરતી પર આવી ઘટનાનો સામનો કરવો પડ્યો હતો. ભારત સામે ઓપનર બેન ડકેટ, ત્રીજા ક્રમે ઑલિ પૉપ અને છઠ્ઠા ક્રમે બેન સ્ટોક્સ બૅટિંગ માટે આવીને ઝીરો પર આઉટ થયા હતા. જ્યારે વર્ષ ૨૦૧૦માં લૉર્ડ્સ ટેસ્ટ-મૅચમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર સામે કેવિન પીટરસન ચોથા ક્રમે, પાંચમા ક્રમે પૉલ કૉલિંગવુડ અને છઠ્ઠા ક્રમે ઇયૉન મૉર્ગન ડક થયા હતા.

