જીવનમાં હંમેશાં ઉતાર-ચડાવ આવશે એમ જણાવતાં રોહિત શર્મા કહે છે...
રોહિત શર્મા
મુંબઈ ઇન્ડિયન્સે શૅર કરેલા એક વિડિયોમાં ભારતીય વન-ડે અને ટેસ્ટ-કૅપ્ટન રોહિત શર્માએ ભારતીય ક્રિકેટર્સ માટે મોટી વાત કહી હતી. ભારતીય ટીમ વિશે વાત કરતાં રોહિત કહે છે, ‘આ ટીમ ત્રણ મોટી ટુર્નામેન્ટમાં ફક્ત એક જ મૅચ હારી અને એ પણ ફાઇનલ (૨૦૨૩ વન-ડે વર્લ્ડ કપ). કલ્પના કરો, જો આપણે એ પણ જીતી ગયા હોત તો ત્રણ ICC ટુર્નામેન્ટમાં અપરાજિત રહ્યા હોત. મેં ક્યારેય આવું સાંભળ્યું નથી, ૨૪માંથી ૨૩ મૅચ જીતી. બહારથી એ ખૂબ જ સરસ લાગે છે, પણ આ ટીમે ઘણા ઉતાર-ચડાવ જોયા છે. અમે મુશ્કેલ સમય જોયો છે, પણ પછી તમને ઉજવણી કરવાની તક પણ મળે છે. મારું માનવું છે કે છેલ્લી ત્રણ ટુર્નામેન્ટ રમનાર દરેક ભારતીય પ્લેયર સન્માનને પાત્ર છે. આ એ પ્લેયર્સ છે જે મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે અને નિરાશામાં છે, પણ તેઓ ગમે એ પરિસ્થિતિમાં પાછા આવીને ઊંચાઈઓને સ્પર્શ કરવા માગે છે. અમે ઘરઆંગણે (ન્યુ ઝીલૅન્ડ સામે) સિરીઝ હારી ગયા અને ઑસ્ટ્રેલિયામાં સારું રમી શક્યા નહીં. આ પછી અમે ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ જીતી. છેલ્લા નવ મહિના જીવન કેવું હોય એનું ઉત્તમ ઉદાહરણ છે. આમાં હંમેશાં ઉતાર-ચડાવ આવશે.’
છેલ્લા નવ મહિનાની અંદર T20 વર્લ્ડ કપ અને ચૅમ્પિયન્સ ટ્રોફી જીતનાર રોહિતનો આ ઇન્ટરવ્યુ એવા સમયે આવ્યો જ્યારે ભારતીય ક્રિકેટ બોર્ડના ટોચના અધિકારીઓ ભવિષ્યનો રોડમૅપ નક્કી કરવા માટે બેઠક યોજવાના હતા, પરંતુ એ બેઠક મુલતવી રાખવામાં આવી છે.

