જ્ઞાતિજનોને એ પહેલાં નવોદિત ખેલાડીઓની પ્રથમ T10 મૅચનો રોમાંચ પણ આજે માણવા મળશે.
પ્રતીકાત્મક તસવીર
ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ બારીશી સમાજનાં ગામોના સામાજિક ક્રિકેટનાં પચીસ વર્ષની ભવ્ય સફરની ઉજવણીના ભાગરૂપે આ વર્ષે યોજાઈ રહેલી T20 વાઇટ-બૉલ ક્રિકેટ-ટુર્નામેન્ટનો આજે ફાઇનલ જંગ જામવાનો છે. ચર્ચગેટમાં ઓવલ મેદાન પાસે આવેલા સચિવાલય જિમખાનામાં જામનારા આ નિર્ણાયક મુકાબલામાં બારીશીનાં બે સૌથી મોટાં ગામો ભીલોડા (કૅપ્ટન હિમાંશુ ત્રિવેદી) અને બામણા (કૅપ્ટન કશ્યપ ઠાકર)ની ટીમો ટકરાશે.
આ સીઝનમાં અનેક નવોદિત ખેલાડીઓ ઊભરી આવતાં આયોજકો ‘મિડ-ડે કપ’ની સ્ટાઇલમાં સમાજમાં T10 ટુર્નામેન્ટ શરૂ કરવા પ્રોત્સાહિત થયા હતા અને એની શરૂઆત આજથી કરી રહ્યા છે. આજના ફાઇનલ જંગ પહેલાં સવારે ૯.૪૫ વાગ્યે રમાનારી પ્રથમ T10 મૅચમાં TMBB ક્રિકેટ ફોરમ (કૅપ્ટન કશિશ પંડ્યા-બાંખોર, મેન્ટર આશિષ પાઠક-બાંખોર) અને TMBB બૉય્ઝ (કૅપ્ટન સૌમિલ ઉપાધ્યાય, મેન્ટર નિશિત પંડ્યા-પેઢમાલા) ટીમ વચ્ચે મુકાબલો થશે. આ નવી ટુર્નામેન્ટનું સંપૂર્ણ સંચાલન અને આયોજન રવિ ઉપાધ્યાય (રીંટોડા) કરશે. આ મૅચ બાદ બપોરે ૧૨ વાગ્યાથી T20 ટુર્નામેન્ટના ફાઇનલ જંગની શરૂઆત થશે. કન્વીનર પ્રફુલ્લ ઉપાધ્યાય, હેમંત જોશી, શમ્મી ઉપાધ્યાય અને ધર્મેશ ઉપાધ્યાયે સિલ્વર જ્યુબિલી વર્ષની ઉજવણીરૂપની આ બન્ને મૅચોને માણવા દરેક જ્ઞાતિજનોને આમંત્રણ આપ્યું છે. વધુ માહિતી માટે પ્રફુલ્લ ઉપાધ્યાયનો 98694 45555 નંબર પર સંપર્ક કરવો.

