ભૂતપૂર્વ કૅપ્ટને કહ્યું કે ‘ભારતે નંબર-વન ઑફ સ્પિનરને ન લઈને મોટી ભૂલ કરી, ઑસ્ટ્રેલિયાએ પણ ચાર વર્ષ પહેલાં ફીલ્ડિંગ પસંદ કરવાનું બ્લન્ડર કર્યું હતું અને ઇંગ્લૅન્ડ જીતી ગયું હતું’
સ્ટીવ વૉ અને રવિચન્દ્રન અશ્વિન
ભારતે ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલ માટેની પ્લેઇંગ-ઇલેવનમાં વર્લ્ડ નંબર-વન ઑફ સ્પિનર રવિચન્દ્રન અશ્વિનને ન સમાવીને જે ગંભીર ભૂલ કરી એ બદલ ભારતના ટીમ-મૅનેજમેન્ટને ઘણા ભૂતપૂર્વ ખેલાડીઓ અને સોશ્યલ મીડિયા પર અસંખ્ય ક્રિકેટચાહકોએ વખોડ્યું અને પછી હવે ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન સ્ટીવ વૉએ પણ એ જ પ્રકારનું મંતવ્ય આપ્યું છે. તેમણે ગઈ કાલના ‘ધ વેસ્ટ ઑસ્ટ્રેલિયન’ અખબારને કહ્યું કે ‘મેં અશ્વિનને પ્લેઇંગ-ઇલેવનમાં સમાવ્યો જ હોત. બોલિંગ માટે તો ખરું જ, બૅટિંગ માટે પણ તેને મેં લીધો હોત.’
અશ્વિને લીધી છે ૪૭૪ વિકેટ
ADVERTISEMENT
આર. અશ્વિને ૯૨ ટેસ્ટમાં ૪૭૪ વિકેટ લીધી છે. ૩૨ વખત તેણે દાવમાં પાંચ કે વધુ વિકેટ લીધી છે. તે ટેસ્ટના રૅન્કિંગ્સમાં નંબર-વન હોવા છતાં તેને ઓવલની ટેસ્ટ માટે અવગણવામાં આવ્યો છે. ૨.૭૬ તેનો ઇકૉનૉમી રેટ છે અને ૫૯ રનમાં ૭ વિકેટ તેનો એક ઇનિંગ્સનો બેસ્ટ પર્ફોર્મન્સ છે. ભારતે ચાર ફાસ્ટ બોલર (શમી, સિરાજ, શાર્દૂલ, ઉમેશ)ને લીધા છે અને જાડેજા ટીમનો એકમાત્ર સ્પિનર છે. રવિ અશ્વિન ગઈ કાલે ઑસ્ટ્રેલિયાના બીજા દાવમાં ડગઆઉટમાં બેસીને મૅચ જોતો હતો ત્યારે જરૂર પોતાની બાદબાકીથી નારાજ હશે.
સ્ટીવ વૉએ મુલાકાતમાં ખાસ કહ્યું કે ‘ભારતે અશ્વિનને ન લઈને ભૂલ તો કરી જ છે. મને તો ખૂબ આશ્ચર્ય થયું છે. આ મૅચમાં સ્પિનર્સ મહત્ત્વનો ભાગ ભજવશે. મેં અશ્વિનની બૅટિંગને પણ ધ્યાનમાં રાખીને તેને લીધો હોત. તેના નામે પાંચ ટેસ્ટ-સેન્ચુરી છે. તે ટીમમાં નથી એ મારા માનવામાં જ નથી આવતું.’
ઑસ્ટ્રેલિયા ફીલ્ડિંગ લીધા પછી હારેલું
૨૦૧૯માં ઓવલમાં જ ઇંગ્લૅન્ડ સામેની ઍશિઝ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયન કૅપ્ટન ટિમ પેઇને ફીલ્ડિંગ પસંદ કરીને બ્લન્ડર કર્યું હતું અને પછી ઇંગ્લૅન્ડ એ મૅચ ૧૩૫ રનથી જીતી ગયું હતું. સ્ટીવ વૉએ એ મૅચની યાદ અપાવતાં કહ્યું કે ‘ઓવલની પિચ હંમેશાં જટિલ, જોખમી અને અકલ્પનીય રહી છે. એ ગ્રીન-ટૉપ લાગે, પણ અંદરથી સૂકી અને તૂટેલી હોય છે. વાદળિયા હવામાનની પણ ભૂમિકા હોય છે. જોકે સૂરજનો તીવ્ર પ્રકાશ ફેલાય કે થોડી જ વારમાં પિચ ઝડપથી સૂકી થઈ જાય છે અને એમાં મોટું પરિવર્તન આવી જાય છે.’
બ્રૅડ હૉગનો પણ આ જ મત
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ સ્પિનર બ્રૅડ હૉગે પણ સ્ટીવ વૉ જેવું મંતવ્ય આપતાં કહ્યું કે ‘આ ટેસ્ટ કોઈ પણ પ્રકારની પિચ પર રમાવાની હોત, અશ્વિન ટીમમાં હોવો જ જોઈતો હતો. ભારતે ચાર ફાસ્ટ બોલરને ટીમમાં સમાવ્યા, પરંતુ હકીકત એ છે કે તેઓ આઇપીએલમાં ચાર-ચાર ઓવરના ટૂંકા સ્પેલ બાદ ટેસ્ટમાં રમવા આવ્યા છે. એ જોતાં અશ્વિન અને જાડેજા એક છેડો સાચવીને ફાસ્ટ બોલર્સ પરથી પ્રેશર ઓછું કરી શક્યા હોત.’

