મેં જિંદગીમાં ક્યારેય ચીટિંગ કરી નથી અને તમને મારા જેવો વફાદાર વ્યક્તિ નહીં મળે: ધનશ્રી વર્મા સાથેના લગ્નજીવનના અંતિમ તબક્કામાં આત્મહત્યા કરવાના વિચારો આવ્યા હતા યુઝીને : T20 વર્લ્ડ કપ 2024 બાદ ઑલમોસ્ટ અલગ થઈ ગયાં હતાં બન્ને
કહેવાતી ગર્લફ્રેન્ડ આર.જે. મહવશ સાથે યુઝવેન્દ્ર ચહલ (ડાબે); ભૂતપૂર્વ પત્ની ધનશ્રી વર્મા સાથે ચહલ (જમણે)
હરિયાણાનો ૩૫ વર્ષનો સ્પિનર યુઝવેન્દ્ર ચહલ ઑગસ્ટ ૨૦૨૩થી ભારતીય ટીમ માટે ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમ્યો નથી. છેલ્લાં બે વર્ષથી ક્રિકેટના મેદાનની બહારની તેની પર્સનલ લાઇફ ભારે ચર્ચામાં રહી છે. હાલમાં તેણે એક પૉડકાસ્ટમાં પોતાના જીવનના સૌથી મુશ્કેલ તબક્કા, ધનશ્રી વર્મા સાથેના ડિવૉર્સ (માર્ચ ૨૦૨૫), ક્રિકેટર અને ભવિષ્ય વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યાં હતાં. ચાલો જાણીએ તેણે કરેલા ચોંકવનારા ખુલાસો વિશે.
જ્યારે પણ હું ભારતની જર્સી પહેરીને રમું છું ત્યારે મને ગર્વ થાય છે. ટીમમાં હોવા છતાં જ્યારે બેન્ચ પર બેસી રહેવું પડતું ત્યારે શરૂઆતમાં ખરાબ લાગતું હતું, પણ હવે રમું કે બહાર હોઉં મને ટીમની જીતથી ખુશી થાય છે. ક્રિકેટની બહારની લાઇફ પણ એન્જૉય કરવી જરૂરી છે.
ADVERTISEMENT
મને સોશ્યલ મીડિયા પર ચહેરા વિશે અને ખરાબ પ્રદર્શન બદલ ઘણી વાર ટ્રોલ કરવામાં આવ્યો છે, પણ એનાથી મને ફરક નથી પડતો. મારાં મમ્મી-પપ્પા અને નજીકના લોકોને એ ટ્રોલિંગમાં સામેલ કરવામાં આવે છે એ ખોટું છે.
ડિવૉર્સ પ્રક્રિયા દરમ્યાન ઘણા લોકોએ આરોપ લગાવ્યો હતો કે હું ચીટર છું, પણ મેં જિંદગીમાં ક્યારેય ચીટિંગ કરી નથી. તમને મારા જેવી વફાદાર વ્યક્તિ નહીં મળે. પોતાના લોકો માટે હું હંમેશાં દિલથી વિચારું છું. મેં ક્યારેય માગ્યું નથી, ફક્ત આપ્યું જ છે. મારી બે બહેનો છે અને મારા ઘરના લોકોએ મને શીખવ્યું છે કે મહિલાઓનો આદર કરવો.
લગ્નજીવનના છેલ્લા તબક્કા દરમ્યાન મને ચિંતા, હતાશા અને આત્મહત્યાના વિચારો આવતા હતા. મારી પાસે બધું હતું, પણ ખુશી નહોતી. હું દિવસમાં બે કલાક રડતો અને માત્ર બે કલાક સૂઈ શકતો હતો. આવું બે-ત્રણ મહિના સુધી ચાલ્યું હતું. હું થાકી ગયો હતો. ક્રિકેટમાંથી મેં એ સમયે બ્રેક લીધો હતો. આવો સમય મારા દુશ્મન માટે પણ ન આવવો જોઈએ. એ સમયે માત્ર મારા મિત્રો અને પરિવારે ખૂબ સાથ આપ્યો હતો.
લગ્નજીવનમાં ઘણા સમયથી મુશ્કેલી ચાલી રહી હતી. મેં અને ધનશ્રીએ છૂટાં રહેવાનો અંતિમ નિર્ણય ન લેવાય ત્યાં સુધી ચૂપ રહેવાનું નક્કી કર્યું હતું. અમે સોશ્યલ મીડિયા પર સામાન્ય કપલ તરીકે રહેવાનું નક્કી કર્યું હતું. T20 વર્લ્ડ કપ 2024ના થોડા સમય બાદ અમે ઑલમોસ્ટ અલગ થઈ ગયયાં હતાં.
લગ્નજીવનમાં કૉમ્પ્રોમાઇઝ કરવું પડે છે. બન્નેનાં વ્યક્તિત્વ અલગ હતાં અને એકબીજાને સમય આપી શક્યાં નહોતાં. હું ક્યારેય હાથ ઉઠાવીને કે અપશબ્દોથી વાત નથી કરતો. બધા સાથે સન્માનથી વાત કરું છું.
મને એકલા રહેવાનો, સોલો ટ્રાવેલ કરવાનો અને પોતાના લોકોને ગુમાવવાનો ઘણો ડર લાગે છે. મને ફરી કોઈકને ગુમાવવાનો ડર છે એથી ફરી પ્રેમમાં પડવામાં સમય લાગશે.
હું સંપૂર્ણ અંધારામાં નથી સૂઈ શકતો. ઊંડાં પાણી અને ઊંચાઈથી ડર લાગે છે છતાં મારા મિત્રોએ મારી પાસે મસ્તીમાં સ્કૂબા-ડાઇવિંગ, રિવર રાફ્ટિંગ, બનાના રાઇડ અને પૅરાગ્લાઇડિંગ કરાવ્યું હતું.
ચૅમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ વખતે જ્યારે મારા આર. જે. મહાવશ સાથેના ફોટો વાઇરલ થયા ત્યારે લોકોએ તેને ઑનલાઇન ઘર તોડનારી કહીને ટ્રોલ કરી હતી. એનાથી તે ખૂબ નિરાશ થઈ હતી. તે મારી નજીકની મિત્ર છે. ટ્રોલિંગ અને ડિવૉર્સથી પુરુષ અને મહિલા પર સમાન અસર થાય છે.
મારા શરીર અને વ્યક્તિત્વ પર થતી કમેન્ટથી મને કોઈ ફરક નથી પડતો. મને ગર્વ છે કે મેં ભારતનું ચેસ અને ક્રિકેટમાં પ્રતિનિધિત્વ કર્યું છે.
મહેન્દ્ર સિંહ ધોની, રોહિત શર્મા અને વિરાટ કોહલી મારા ભાઈ જેવા છે. માહીભાઈ સાથે થોડું ડર, રોહિતભાઈ સાથે મજાક-મશ્કરી અને વિરાટભાઈ સાથે સમજદારીવાળું બૉન્ડિંગ છે.
મને મારી સ્પેલ શરૂ કરતાં પહેલાં કવર એરિયામાં સાથી-પ્લેયર તરફ ત્રણ વખત બૉલ ફેંકવાની આદત છે. જો હું એમ ન કરું તો મારું મગજ નથી ચાલતું.
તેણે ખુલાસો કર્યો કે ડિવૉર્સ પછી તે કોર્ટની બહાર ‘બી યૉર ઑન શુગર ડૅડી’ લખેલું બ્લૅક ટી-શર્ટ પહેરીને આવ્યો હતો અને એ ટી-શર્ટ ધનશ્રીને મેસેજ આપવા માટે જ પહેર્યું હતું. પહેલાં તે આવું નહોતો કરવાનો, પણ ધનશ્રી તરફથી થયેલી એક હરકતને લીધે તેણે આવું કરવું પડ્યું હતું.

