પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા અકબંધ રાખવા કે મીઠાશ વધારવા માટે બેડરૂમમાં કેટલીક ચીજવસ્તુઓ રાખવાનું ટાળવું જોઈએ પણ એની જાણકારી આજના સમયમાં ઓછી હોવાથી લોકો ભૂલ કરતા રહે છે
પ્રતીકાત્મક તસવીર
વાસ્તુશાસ્ત્રની એક ખાસિયત છે. એ આખા ઘરનું પણ હોય અને સાથોસાથ વાસ્તુશાસ્ત્રમાં ઘરના દરેકેદરેક એરિયા અને રૂમ માટે પણ સૂચન કરવામાં આવ્યું છે. જોકે સમયાંતરે લોકોના મનમાંથી એ વાતો નીકળવા માંડી અને એને લીધે જીવનમાં પણ વિક્ષેપ આવવાનું શરૂ થયું. ઘરમાં બેડરૂમ સૌથી અગત્યનો છે. પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા હોય તો જ પરિવારમાં મીઠાશ રહે, પણ પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા ત્યારે જ રહે જ્યારે એકબીજાને સમજવાની ક્ષમતા કેળવવામાં આવે અને સાથોસાથ વાસ્તુશાસ્ત્રને સમજવાની અને એનો અમલ કરવાની માનસિકતા પણ કેળવવામાં આવે.
બેડરૂમમાં ભૂલથી પણ અમુક ચીજવસ્તુઓ ન રાખવી જોઈએ જે દામ્પત્યજીવનમાં ખલેલ પહોંચાડવાનું કામ કરે છે. બેડરૂમમાં શું ક્યારેય ન રાખવું જોઈએ એની ચર્ચા આજે કરવાની છે.
ADVERTISEMENT
તૂટેલો કાચ કે તિરાડ પડેલું દર્પણ
બેડરૂમમાં ફૂટેલા કાચને ક્યારેય રાખવો ન જોઈએ. ઘણાં ઘરોમાં બેડરૂમમાં પણ પ્લાન્ટ મૂકવામાં આવે છે, જેમાં હૅન્ડલ તૂટી ગયા હોય એવા કાચના કપ કે ફ્લાસ્કને પૉટ તરીકે વાપરે છે. વેસ્ટમાંથી બેસ્ટ કરવાની આ ભાવના ખરાબ નથી પણ એ બેડરૂમમાં મૂકવું ખોટું છે. એવી જ રીતે બેડરૂમમાં રહેલા મિરરમાં પણ જો તિરાડ પડી ગઈ હોય કે પછી મિરરમાં પ્રતિબિંધ સરખું ન દેખાતું હોય અને મિરર બનાવવા માટે વપરાતી પાછળની ક્લે ઊડી ગઈ હોય તો એવો મિરર પણ બેડરૂમમાં રાખવો ન જોઈએ કાં તો એ તાત્કાલિક બદલવાનું કામ કરવું જોઈએ અને કાં તો એને રિપેર કરાવી લેવો જોઈએ.
બેડરૂમમાં તૂટેલા કાચની કોઈ વસ્તુ રાખવી કે પછી તિરાડ પડેલા કે ખરાબ થઈ ગયેલા દર્પણને રાખવાથી દામ્પત્યજીવનમાં તિરાડ પડવાનું શરૂ થાય છે અને આંતરિક સંબંધોમાં પણ વિખવાદ શરૂ થઈ શકે છે.
પાણીને પણ રાખો બેડરૂમથી દૂર
બેડરૂમમાં ક્યારેય ઍક્વેરિયમ ન રાખવું જોઈએ. બેડરૂમમાં પાણીનું ચિત્ર કે પેઇન્ટિંગ પણ ન રાખવું જોઈએ. પાણી પ્રવાહિતાની નિશાની છે. જો એ બેડરૂમમાં રાખવામાં આવે તો લાગણીઓ વહી જાય છે એવું વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે. પાણી રાખવાનો સીધો અર્થ એવો પણ છે કે સંબંધોમાં રહેલા વિશ્વાસમાં પ્રવાહિતા આવવી. વિશ્વાસ પથ્થર જેવો હોવો જોઈએ, નક્કર રહે. એમાં આજે પણ કોઈ ફરક ન પડે અને પાંચ વર્ષ પછી પણ એમાં કોઈ ફરક ન આવે, પણ પાણી અસ્થિર છે. વિશ્વાસ જો પાણી જેવો થઈ જાય તો બે દિવસ ટ્રસ્ટ રહે ને ચાર દિવસ અવિશ્વાસનો ભાવ રહે.
આવું બની શકે છે જો બેડરૂમમાં ઍક્વેરિયમ કે પછી પાણી દર્શાવતું પેઇન્ટિંગ કે ફોટો રાખવામાં આવે તો. બેડરૂમમાં કપલનો ફોટો રાખવો હિતાવહ છે પણ જો એ ફોટોના બૅકડ્રોપમાં દરિયો કે નદી હોય તો એ ફોટો નેગેટિવ બની જાય છે એટલે એ પ્રકારનો કપલનો ફોટો પણ બેડરૂમમાં રાખવો નહીં.
ગુજરી ગયેલા લોકોના ફોટો
પરિવારમાંથી વિદાય લઈ ચૂકેલા સદસ્ય વહાલા હોય એ સમજી શકાય પણ એનો અર્થ એવો નથી કે તેમને બેડરૂમમાં સ્થાન આપવું. મરનારના કોઈ ફોટોગ્રાફ ક્યારેય બેડરૂમમાં ન રાખવા જોઈએ. ભલે પછી તે પિતા હોય કે પોતાના જ ગુમાવી દીધેલાં સંતાનો હોય, બેડરૂમમાં તેમના ફોટોગ્રાફ્સ અને સાથોસાથ તેમની સાથે જોડાયેલી વસ્તુઓ રાખવી ન જોઈએ.
એવું જ ભગવાનના ફોટોગ્રાફ્સ માટે પણ છે. બેડરૂમમાં ક્યારેય દેવી-દેવતાના ફોટોગ્રાફ્સ ન રાખવા જોઈએ. ભગવાનનું સ્થાન મંદિરમાં જ હોવું જોઈએ. ઘરમાં દરેક જગ્યાએ ભગવાનને રાખવાની પણ વાસ્તુશાસ્ત્રમાં ના પાડવામાં આવી છે. એક ખાસ વાત, અપરિણીતના બેડરૂમમાં પણ ભગવાનને રાખવા ન જોઈએ. વાસ્તુશાસ્ત્રનું માનો તો ભગવાન મંદિર સિવાય બીજે ક્યાંય રાખો નહીં જેથી એને અસાધના લાગે નહીં.
બેડ નીચે જૂની વસ્તુઓની સંઘરાખોરી
આજકાલ પેટી-પલંગ કે બૉક્સ-બેડની પ્રથા શરૂ થઈ છે. મુંબઈ જેવાં શહેરોમાં તો એ આશીર્વાદ સમાન પણ છે, જેથી એમાં જૂનો સામાન કે વપરાશમાં ન આવતો હોય એવો સામાન ભરી શકાય. પણ આ પ્રકારની ચીજવસ્તુઓ બેડરૂમમાં મૂકવામાં આવેલા બૉક્સ-બેડમાં રાખવો ન જોઈએ. બેડરૂમમાં જો એવો બેડ હોય તો એમાં એવી જ ચીજવસ્તુઓ ભરવી જોઈએ જે ઓછામાં ઓછા ત્રણ મહિને એક વાર વપરાશમાં આવતી હોય. ધારો કે એવું ન થતું હોય તો ઓછામાં ઓછા ત્રણ મહિને બેડ ખોલી એ તમામ સામાનની સાફસફાઈ થઈ જવી જોઈએ.
બેડની નીચે કે બૉક્સ-બેડની અંદર લોખંડની વસ્તુ ભૂલથી પણ મૂકવી નહીં. લોખંડ નકારાત્મકતાનું વાહક છે. એ સંબંધોમાં નેગેટિવિટી લાવવાનું કામ કરે છે.

