આદુંને જો કાચું જ ઘસવામાં આવે તો એ ત્વચાને ફાયદો આપવાને બદલે નુકસાન આપશે, એથી આ નુસખાને ટ્રાય કરતાં પહેલાં આ લેખ વાંચી લેજો
પ્રતીકાત્મક તસવીર
સોશ્યલ મીડિયા પર સ્કિનકૅરને લગતા અઢળક ઘરગથ્થુ નુસખાઓ આવતા હોય છે. રસોડામાં જ મળી રહેતાં નૅચરલ ઇન્ગ્રીડિયન્ટ્સથી સ્કિનકૅર કરવાનું ચલણ સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સને કારણે વધી રહ્યું છે ત્યારે એમાં નવો ટ્રેન્ડ જોડાયો છે. પિમ્પલ્સની સમસ્યા હોય ત્યારે ચહેરા પર આદુંનો કટકો ઘસવાથી રાહત મળે છે અને સ્કિન પણ વધુ સૉફ્ટ બને છે એવો દાવો કરવામાં આવી રહ્યો છે. સાંભળવામાં તો આ એકદમ ઈઝી હૅક લાગે છે, પણ ઇન્ફ્લુઅન્સર્સ દ્વારા સ્કિનકૅર માટે કરવામાં આવેલા અખતરા કેટલા ઇફેક્ટિવ છે એનું ફૅક્ટ-ચેક કરવું જરૂરી છે.
હૅકમાં કેટલો દમ?
ADVERTISEMENT
નિષ્ણાતોના મતે કોઈ પણ નૅચરલ ચીજ, ખાસ કરીને કાચી અને વિશુદ્ધ એટલે કે પાણીની મિલાવટ વગરની હોય એ સ્કિન માટે ફાયદાકારક જ હોય એવું જરૂરી નથી. આદું પિમ્પલ્સની સમસ્યામાં કારગત છે ખરું, પણ એને ઇન્ડાયરેક્ટ લેવામાં આવે તો જ. એટલે કે એને સીધું પિમ્પલ્સ પર ઘસવાથી ઇન્સ્ટન્ટ રિઝલ્ટ મળશે એવી સલાહ કોઈ ડૉક્ટરો આપતા નથી અને વૈજ્ઞાનિક રીતે ઍક્ને ટ્રીટમેન્ટમાં ડાયરેક્ટ ઉપયોગ કરવાથી ફાયદો થશે એવા કોઈ પુરાવા
નથી. તેથી પિમ્પલ્સ પર કાચા આદુંના ટુકડાને ચહેરા પર ઘસવો હિતાવહ નથી. પણ હા, ખાલી આદુંને ચહેરા પર ઘસવા કરતાં આદુંના રસને ગ્લિસરિન અને મધ સાથે મિક્સ કરીને ફેસમાસ્ક બનાવીને લગાવવાથી ઇફેક્ટિવ રિઝલ્ટ મળી શકે છે.
અદરક કે સાઇડ-ઇફેક્ટ્સ
આદુંના ટુકડાને સીધો ચહેરા પર ઘસવાથી ઘણી સાઇડ-ઇફેક્ટ્સ થાય છે. આદુંમાં રહેલું આલ્કલાઇન (ક્ષાર) ત્વચાના pH લેવલને અસર કરી શકે છે. એને કારણે ચહેરા પર પિમ્પલ્સ દૂર થવાને બદલે સ્કિન ફાટવાની અને બ્રેકઆઉટ થવાની સમસ્યા વધી શકે છે. આ ઉપરાંત ઇરિટેશન, બળતરા, ડ્રાયનેસ, રેડનેસ અને ઍલર્જિક રીઍક્શન થઈ શકે છે. જેની સેન્સિટિવ સ્કિન હોય એ લોકોને સ્કિન-સંબંધિત વધુ ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. એના ડાયરેક્ટ યુઝથી સમસ્યા વકરી શકે છે. તેથી ભૂલથી પણ આ વાઇરલ હૅકને ઘરે ટ્રાય કરવો નહીં.
ગુણોનો ભંડાર
આદુંમાં ઍન્ટિઇન્ફ્લૅમેટરી એટલે કે શરીરની અંદર કે બહાર આવેલા સોજાને ઓછો કરી શકે અને ઍન્ટિ-બૅક્ટેરિયલ એટલે બૅક્ટેરિયાના ગ્રોથને અટકાવી શકે એવા ગુણધર્મો હોવાથી એને સીધું પિમ્પલ્સ પર ઘસવાથી બળતરા અથવા ઇરિટેશન જેવી સાઇડ-ઇફેક્ટ્સ થઈ શકે છે. ડાયરેક્ટ સ્કિન પર અપ્લાય કરવા કરતાં એને વાનગીઓમાં નાખીને ખાવાથી આ ગુણધર્મો પિમ્પલની સમસ્યામાં જ નહીં, ઓવરઑલ હેલ્થને ફાયદો આપે છે. સ્વેલિંગ અને રેડનેસને એ ઓછું પણ કરે છે અને ત્વચાના ટેક્સ્ચરને સારું પણ બનાવે છે. આદું પ્રી-બાયોટિક જેવું કામ કરતું હોવાથી એ ગટ-ફ્રેન્ડ્લી હોવાથી આંતરડામાં ગુડ બૅક્ટેરિયા પ્રોડ્યુસ કરે છે. આ ઉપરાંત એનું સેવન ઑઇલી સ્કિન અને પિગમેન્ટેશન હોય એ લોકો માટે પણ ફાયદાકારક છે. એ ચહેરા પર સિબમ (ઑઇલ)નું પ્રોડક્શન ઓછું કરવામાં અને ચહેરા પરના ડાઘને દૂર કરવામાં મદદ કરે છે. માર્કેટમાં ઘણી સ્કિનકૅર પ્રોડક્ટ્સમાં આદુંનો અર્ક હોય છે એનો ઉપયોગ કરીએ તો ચાલે, કારણ કે એ ડાયરેક્ટ યુઝ ન થતું હોવાથી એ કોઈ પણ પ્રકારની સાઇડ-ઇફેક્ટ્સ વગર સ્કિનને બેનિફિટ્સ આપશે.

