Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > જેનેલિયાની જેમ કન્ટેમ્પરરી ફૅશનમાં ખાદીનો ઉપયોગ ફાયદા જ આપશે

જેનેલિયાની જેમ કન્ટેમ્પરરી ફૅશનમાં ખાદીનો ઉપયોગ ફાયદા જ આપશે

Published : 07 August, 2025 01:42 PM | Modified : 08 August, 2025 07:01 AM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

મશીનમેડ ફૅબ્રિકની વધી રહેલી બોલબાલા વચ્ચે હાથવણાટવાળાં ફૅબ્રિક અત્યારે પણ માર્કેટમાં સર્વાઇવ કરી રહ્યાં છે ત્યારે સસ્ટેનેબલ ફૅશનમાં લોકપ્રિય બનેલી ખાદી વિશે વિસ્તારમાં જાણી લઈએ આજે

જેનેલિયા ડિસોઝા

જેનેલિયા ડિસોઝા


અત્યારે ફૅશનમાં એટલાં ફૅબ્રિક ઉપલબ્ધ છે કે ન પૂછો વાત, પણ વાત હાથવણાટથી બનતા ફૅબ્રિકની થાય તો સૌથી પહેલો વિચાર ખાદીનો આવે. સાંસ્કૃતિક વારસાની સાથે સ્વદેશી આંદોલનનું પ્રતીક બનેલી ખાદીને કારણે જ ભારત સરકાર સાતમી ઑગસ્ટે નૅશનલ હૅન્ડલૂમ ડે સેલિબ્રેટ કરે છે. થોડા સમય પહેલાં બૉલીવુડ અભિનેત્રી જેનેલિયા ડિસોઝા દેશમુખે ખાદીનો બનેલો લેહંગો પહેર્યો હતો જેમાં મોગલકાળમાં વપરાતી જામદાની ડિઝાઇન હતી. મૉડર્ન ટચ આપીને ભારતીય સંસ્કૃતિને બહુ જ પ્રભાવી રીતે ફ્લૉન્ટ કરી હતી ત્યારે મશીનમેડ ફૅબ્રિકની વધતી ડિમાન્ડ વચ્ચે હાથવણાટની કળાથી બનેલી ખાદી કઈ રીતે ફૅશનમાં હજી પણ ટકી રહી છે અને કન્ટેમ્પરરી ફૅશનમાં ખાદીને કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય એ વિશે મુલુંડમાં રહેતાં અનુભવી ફૅશન-ડિઝાઇનર ધારુલ રાજગોર પાસેથી જાણીએ.


લેટ્સ ડીકોડ લેહંગા



થોડા સમય પહેલાં જેનેલિયા ડિસોઝાએ ટ્રેડિશનલ ફૅબ્રિકને મૉડર્ન ટ્‍વિસ્ટ આપતો ખાદીનો લેહંગો પહેર્યો હતો. તેનો લુક ભલે સાદગીસભર હતો પણ ડીટેલિંગ જાણીને તમને તેના આઉટફિટથી પ્રેમ થઈ જશે. ઑફવાઇટ કે આઇવરી કલરમાં સિલ્વર જરી-વર્ક અને હાથવણાટથી તૈયાર કરેલા આ લેહંગાને બનાવતાં ૧૮ મહિના લાગ્યા હતા. એના લુકને કમ્પ્લીટ કરતા ખાદીના દુપટ્ટામાં જામદાની પૅટર્ન હતી એ પણ એને વણીને બનાવવામાં આવી હતી. પશ્ચિમ બંગાળમાં લોકપ્રિય જામદાની ડિઝાઇનમાં પાંખડી, પાંદડાં અને જ્યોમેટ્રિક ડિઝાઇન્સનું ડીટેલિંગ લેહંગાની સુંદરતાને વધારી રહ્યાં હતાં. દેખાવમાં મિનિમલ દેખાતા લેહંગા સાથે સિલ્વર ઇઅર-રિંગ્સ જેનેલિયાની બ્યુટીને એન્હૅન્સ કરી રહી હતી. તેણે આ લેહંગો માત્ર ફ્લૉન્ટ કરવા માટે નહીં પણ ફૅશનમાં ભારતીય હસ્તકલાના અસ્તિત્વને હાઇલાઇટ કરવા માટે પહેર્યો હતો એમ કહેવું ખોટું નથી.


ખાદીનું કાપડ આવું દેખાય


શા માટે છે ખાદી બેસ્ટ?

હાથવણાટથી બનેલી ખાદીને અત્યાર સુધી સાદગી અને રાષ્ટ્રવાદ સાથે જોડવામાં આવતી હતી પણ હવે એનું સ્વરૂપ ઘણું બદલાયું છે. છેલ્લા થોડા સમયથી ખાદી ગ્લોબલી ટ્રેન્ડ કરી રહી હોવાથી વિદેશી ફૅશન-ડિઝાઇનરો પણ એનો ઉપયોગ કરી રહ્યા છે. એની ખાસિયત એ છે કે એ કુદરતી તંતુથી બનેલી હોવાથી બાયોડીગ્રેડેબલ હોવાથી ઇકો-ફ્રેન્ડ્લી અને સસ્ટેનેબલ ઑપ્શન છે અને અત્યારની જનરેશન સસ્ટેનેબલ ફૅશનને વધુ ફૉલો કરી રહી હોવાથી ખાદી સ્ટાઇલ-સ્ટેટમેન્ટ તરીકે ફૅશનમાં ઊભરી આવી છે. હવે ખાદી કુરતા અને સાડી સુધી જ સીમિત નથી; એનાં બ્લેઝર, જૅકેટ, પર્સ, ટોટ બૅગ્સ પણ માર્કેટમાં જોવા મળી રહ્યાં છે. આ ઉપરાંત એમાં એમ્બ્રૉઇડરી અને થ્રેડ વર્કવાળી ડિઝાઇન્સ ખાદીને મૉડર્ન અને ટ્રેડિશનનો મિક્સ એટલે કે ફ્યુઝન લુક આપે છે. ખાદી બ્રીધેબલ અને આરામદાયક ફૅબ્રિક છે. એ ગરમીમાં ઠંડક અને અને શિયાળામાં શરીરને ગરમી આપે છે અને એ સ્કિન-ફ્રેન્ડ્લી હોવાથી એ ડેઇલી વેઅર તથા ઓકેઝનલી બન્ને રીતે બહુ જ અનુકૂળ છે. ખાદીનું રફ ટેક્સ્ચર જ એની ઍસ્થેટિક બ્યુટી છે. આજે ઘણા ફૅશન-ડિઝાઇનર્સ ખાદીના યાર્ન્સમાં મુગલ પૅટર્ન્સ કે એમ્બ્રૉઇડરી વર્ક કરાવે છે. માર્કેટમાં અત્યારે ચારથી પાંચ પ્રકારનાં ખાદી ફૅબ્રિક મળે છે એમાંથી સૌથી લોકપ્રિય અને ડેઇલી વેઅરમાં ઉપયોગી થાય છે કૉટન ખાદી. પ્રસંગોમાં રૉ સિલ્ક ખાદી સારી લાગે, ટેક્સચર અને લુક માટે ટસર ખાદી બહુ ચલણમાં છે ત્યારે મુંબઈ જેવા ભેજવાળા હવામાન ધરાવતા વિસ્તારોમાં પૉલિ ખાદી એટલે ખાદીમાં થોડું પૉલિએસ્ટર પણ મિક્સ કરવામાં આવે એ બેસ્ટ હોય છે. એમાં અત્યારે ડિજિટલ પ્રિન્ટ, હૅન્ડ બ્લૉક પ્રિન્ટ, ડાઇ ટેક્નિક જેવી વરાઇટીવાળી ડિઝાઇન્સ ઉપલબ્ધ હોય છે.

એ​થ્નિક ખાદી ટોટબૅગ

શા માટે ઊજવાય છે નૅશનલ હૅન્ડલૂમ ડે

૧૯૦૫માં બ્રિટિશકાલીન ભારતમાં સ્વદેશી આંદોલન શરૂ થયું હતું એમાં સ્થાનિક હસ્તકલા અને હૅન્ડલૂમ ઉદ્યોગને સમર્થન આપવા માટે ખાદી પહેરીને લોકો બ્રિટિશ માલનો બહિષ્કાર કરવા લાગ્યા. ત્યાર બાદ મહાત્મા ગાંધીએ આ આંદોલનને રાષ્ટ્રીય સ્વરૂપ આપ્યું અને ૨૦૧૫માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અલોપ થઈ રહેલા હૅન્ડલૂમ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના હેતુથી સાતમી ઑગસ્ટના દિવસે ચેન્નઈમાં પ્રથમ વખત એની ઉજવણી કરી હતી. હૅન્ડલૂમ એટલે ટ્રેડિશનલ રીતે કોઈ પણ યાંત્રિક મશીન વગર માત્ર હાથથી ચલાવવામાં આવતા મશીનની મદદથી તૈયાર કરવામાં આવતું કાપડ. હાથવણાટવાળાં વસ્ત્રો સામાન્યપણે કૉટન, સિલ્ક અને ઊનથી બનેલાં હોય છે. એની ગુણવત્તા સારી હોય છે પણ સાચવવામાં ધ્યાન રાખવું પડે છે. મહાત્મા ગાંધી દ્વારા પ્રચાર કરવામાં આવેલાં ખાદી, પટોળા, બનારસી, ચંદેરી અને કાંથાવર્ક હૅન્ડલૂમ ફૅબ્રિકનાં શ્રેષ્ઠ ઉદાહરણો છે.

ખાદી જૅકેટ

બ્લૉક પ્રિન્ટ ડિઝાઇનની સાડી

કન્ટેમ્પરરી ફૅશનમાં રીતે સ્ટાઇલ કરો ખાદી

અત્યારની ફૅશનમાં તમે ખાદીને ઘણી રીતે સ્ટાઇલ કરી શકો. અત્યારે ખાદીનાં ટૉપ્સ મળે છે એને ડેનિમ્સ સાથે પેર કરી શકાય. આ ઉપરાંત ખાદીનાં સ્કર્ટ મળે છે એ વેસ્ટર્ન ક્રૉપ ટૉપ્સ સાથે સારાં લાગશે અને શર્ટને પલાઝો સાથે મૅચ કરીને સ્ટાઇલ કરશો તો એ ફ્યુઝન વેઅર થઈ જશે. આ ઉપરાંત એથ્નિક વેઅરમાં ખાદીની સાડીને બેલ્ટ કે જૅકેટ સાથે સ્ટાઇલ કરી શકાય, બેસિક આઉટફિટ્સ પર ખાદીના પેસ્ટલ કલર્સનાં જૅકેટ્સ બહુ સારાં લાગે. સૉલિડ ન્યુટ્રલ ખાદી ડ્રેસ પર પ્રિન્ટેડ ખાદી દુપટ્ટાને સ્ટાઇલ કરશો તો એ બહુ જ સરસ લાગશે. ઑફિસમાં મિનિમલ તૈયાર થઈને જવું હોય તો સિગારેટ પૅન્ટ્સ સાથે સ્ટ્રેટ કુરતી પહેરી શકાય.

એમ્બ્રૉઈડરી વર્કવાળો કોર્ડ સેટ

કૅર કેવી રીતે કરશો?

ખાદી એકમાત્ર એવું ફૅબ્રિક છે જે ૧૦૦ ટકા હૅન્ડવુવન છે અને આ જ એની ખૂબી છે. એ હૅન્ડવુવન અને કુદરતી તંતુથી બનેલું નાજુક ફૅબ્રિક છે. જો એની યોગ્ય રીતે સંભાળ લેવામાં ન આવે તો એ વધુ સમય સુધી ટકી શકશે નહીં. આ માટે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે.

 કેટલીક ખાદીની સાડી કે ડ્રેસપીસમાં મુગલ પૅટર્ન્સ કે હૅન્ડવર્ક કર્યું હોય તો એને ઘરે ધોવા કરતાં ડ્રાય ક્લીનિંગમાં આપી દેવું.

 ખાદીને મશીનમાં વૉશ કરવાને બદલે માઇલ્ડ અને નૅચરલ ડિટર્જન્ટમાં બોળીને હળવા હાથેથી મસળીને ધોવી જોઈએ, બ્રશથી કાપડને ઘસશો તો ગોળી વળી જશે અને ખરાબ થઈ જશે. એને ધોવામાં હાર્શ અને બ્લીચ ધરાવતાં ડિટર્જન્ટ વાપરવાં ન જોઈએ.

 ખાદીનાં ઘણાં કપડાં હાથથી રંગાયેલાં હોય છે. તેથી પહેલાં બે-ત્રણ વખત અલગથી જ ધોવાં જોઈએ જેથી એનો રંગ બીજાં કપડાંમાં લાગે નહીં. ગરમ પાણીને બદલે એને ઠંડા પાણીમાં ધોવું હિતાવહ રહેશે. જો તમારો ખાદી આઉટફિટ ડાર્ક કલરનો હોય તો એને ધોઈને છાંયામાં સૂકવવો, સૂર્યપ્રકાશમાં સૂકવશો તો એનો કલર ઊડી શકે છે.

 ઇસ્ત્રી કરતી વખતે પણ કાપડને વધુ હીટ ન લાગે એનું ધ્યાન રાખવું. શક્ય હોય તો સ્ટીમ આયર્નનો ઉપયોગ કરવો.

 ભેજવાળા વાતાવરણમાં ખાદીમાં ફંગસ લાગી શકે છે અને એમાંથી દુર્ગંધ આવી શકે છે. તેથી એને સૂકી અને ઠંડી જગ્યાએ રાખવી. દુર્ગંધને દૂર કરવા નેપ્થલિન બૉલ્સને બદલે લીમડાનાં પાન વાપરવાં.

Whatsapp-channel Whatsapp-channel

08 August, 2025 07:01 AM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK