૪૮૭૬ સરપંચો અને સભ્યોનું ગાંધીનગરમાં થશે સન્માન
પાટણ જિલ્લાની ઇલમપુર ગ્રામપંચાયતનાં મહિલા સરપંચ અને સભ્યોનું આજે ગાંધીનગરમાં સન્માન થશે. ચૂંટણી સમયની ફાઇલ-તસવીરમાં ઇલમપુરનાં નવનિયુક્ત મહિલા સભ્યો છે.
ગુજરાતના પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આજે નવા ચૂંટાયેલા ૪૮૭૬ સરપંચો તથા સભ્યોનો અભિવાદન સમારોહ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળશક્તિ પ્રધાન સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં યોજાશે. પાટણ જિલ્લાની ઇલમપુર ગ્રામપંચાયત પહેલી વાર મહિલા સમરસ ગ્રામપંચાયત બનતાં ગામનાં મહિલા સરપંચ તેમ જ મહિલા સભ્યોનું સન્માન થશે અને એની સાથોસાથ ગુજરાતની જાહેર થયેલી તમામ ૫૬ મહિલા સમરસ ગ્રામપંચાયતની સભ્યોનું પણ સન્માન કરીને તેમને પ્રોત્સાહિત કરવામાં આવશે. આ પ્રસંગે ભૂપેન્દ્ર પટેલના હસ્તે ૭૬૧ સમરસ ગ્રામપંચાયતોને ૩૫ કરોડ રૂપિયાથી વધુની ગ્રાન્ટ વર્ચ્યુઅલી ફાળવવામાં આવશે.
જ્યાં ચૂંટણી યોજવાની જરૂર ન પડી હોય અને સર્વાનુમતે નિયુક્તિ થઈ હોય એવી ગ્રામપંચાયતને સમરસ કહેવાય છે. આ વર્ષે સૌથી વધુ ભાવનગર જિલ્લામાં ૧૦૩ ગ્રામપંચાયત સમરસ થઈ છે; જ્યારે મહેસાણામાં ૯૦, પાટણમાં ૭૦ તેમ જ બનાસકાંઠા અને જામનગર જિલ્લામાં ૫૯–૫૯ ગ્રામપંચાયતો સમરસ થઈ છે. મહેસાણા જિલ્લામાં સૌથી વધુ ૯ ગ્રામપંચાયત મહિલા સમરસ ગ્રામપંચાયત થઈ છે. આ ઉપરાંત પાટણ જિલ્લામાં ૭, ભાવનગર અને બનાસકાંઠા જિલ્લામાં ૬–૬ અને વડોદરામાં ૪ ગ્રામપંચાયત મહિલા સમરસ ગ્રામપંચાયત થઈ છે.

