સોમવાર સાંજે દેવાંશ તેના નાના સાથે કમ્પાઉન્ડમાં રમતો હતો એ દરમ્યાન બહારથી કારમાં આવેલા લલિતને દેવાંશ નહોતો દેખાયો અને તેની કાર નીચે આવી ગયો હતો.
પ્રતીકાત્મક તસવીર
ભાઈંદર-વેસ્ટના ભોલાનગરમાં શિવમંદિર નજીક આવેલી રામેશ્વર સોસાયટીના કમ્પાઉન્ડમાં કારની અફડેટે આવતાં કમ્પાઉન્ડમાં રમતા બે વર્ષના દેવાંશ ગુપ્તાનું સોમવારે સાંજે મૃત્યુ થયું હતું. આ મુદ્દે ભાઈંદર પોલીસે કમ્પાઉન્ડમાં કાર પાર્ક કરતી વખતે કિશોરને અડફેટે લેનાર લલિત જૈનની ધરપકડ કરીને તેમની કાર જપ્ત કરી છે. સોમવાર સાંજે દેવાંશ તેના નાના સાથે કમ્પાઉન્ડમાં રમતો હતો એ દરમ્યાન બહારથી કારમાં આવેલા લલિતને દેવાંશ નહોતો દેખાયો અને તેની કાર નીચે આવી ગયો હતો.
ભાઈંદરના પોલીસ-ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર ઘંગાલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવારે સાંજે સાડાપાંચ વાગ્યે દેવાંશ તેના નાના રમેશ જાયસવાલ સાથે રામેશ્વર સોસાયટીના કમ્પાઉન્ડમાં રમતો હતો. એ વખતે બહારથી આવેલો લલિત સોસાયટીના કમ્પાઉન્ડમાં કાર પાર્ક કરવા જતો હતો એ દરમ્યાન દેવાંશ કારના આગલા ટાયર નીચે આવી ગયો હતો. તેને માથામાં ગંભીર ઈજા થતાં તાત્કાલિક કસ્તુરી હૉસ્પિટલ લઈ જવાયો હતો. જોકે તેની ઈજા ગંભીર હોવાથી ડૉક્ટરે બાળકને વૉકહાર્ટ હૉસ્પિટલ લઈ જવાની સલાહ આપી હતી. એ પછી તેને વૉકહાર્ટ હૉસ્પિટલ લઈ જવાયો હતો. ત્યાં હાજર ડૉક્ટરે દેવાંશને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો. આ કેસમાં લલિત જૈન સામે ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરી કાર પણ જપ્ત કરી છે.’

